World

રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની કારને અકસ્માત, માંડ બચ્યા

યુક્રેનના (Ukraine) રાષ્ટ્રપતિ (President) વોલોદીમિર ઝેલેન્સકીની (Volodymyr Zelensky) કાર અકસ્માતનો શિકાર બની છે. જોકે તેઓને સામાન્ય ઈજાઓ થઈ છે. તેઓ આ અકસ્માતમાં માંડ માંડ બચી ગયા હતા. ઝેલેન્સકીના પ્રવક્તાએ સ્થાનિક મીડિયાને આ માહિતી આપી હતી. ઝેલેન્સકીના પ્રવક્તા સેરહી ન્યાકીફોરોવે ગુરુવારે એક ફેસબુક પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે કહ્યું કે એક કાર રાષ્ટ્રપતિની કાર અને મોટરસાઇકલ સાથે અથડાઈ હતી.

  • યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની કારને અકસ્માત, માંડ બચ્યા
  • ડૉક્ટરોએ ઝેલેન્સકી તેમજ તેમના ડ્રાઇવરને તબીબી સહાય આપી અને તેમને એમ્બ્યુલન્સમાં સ્થાનાંતરિત કર્યા હતા
  • પ્રવક્તાએ કહ્યું કે કાનૂની એજન્સીઓ અકસ્માતની સંપૂર્ણ તપાસ કરશે

એક અગ્રણી યુક્રેનિયન ન્યૂઝ પોર્ટલ જણાવ્યું કે અકસ્માત બાદ ડોકટરે ઝેલેન્સ્કીની તપાસ કરી અને કહ્યું કે તે ગંભીર રીતે ઘાયલ નથી. ડૉક્ટરોએ ઝેલેન્સકી તેમજ તેમના ડ્રાઇવરને તબીબી સહાય આપી અને તેમને એમ્બ્યુલન્સમાં સ્થાનાંતરિત કર્યા હતા. પ્રવક્તાએ કહ્યું કે કાનૂની એજન્સીઓ અકસ્માતની સંપૂર્ણ તપાસ કરશે.

બીજી તરફ છેલ્લા આઠ મહિનાથી રશિયા સાથે ચાલી રહેલું યુદ્ધ હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. યુક્રેનનું મુખ્ય વ્યૂહાત્મક શહેર ઈઝીયમ જે છેલ્લા છ મહિનાથી રશિયન દળોના કબજા હેઠળ હતું તેને યુક્રેનની સેનાએ ફરીથી કબજે કરી લીધું છે. જ્યારે યુક્રેનિયન દળોએ શનિવારે ઇઝિયમ શહેરમાં પ્રવેશ કર્યો ત્યારે તે મોટી સૈન્ય જીતથી ઓછું ન હતું.

યુક્રેનની સેનાના બોહુન બ્રિગેડના પ્રવક્તાએ શનિવારે બપોરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રશિયન દળોને યુક્રેનિયન દળો દ્વારા ખાર્કિવ ક્ષેત્રમાં પૂર્વીય શહેર ઇઝિયમને ખાલી કરવા દબાણ કરવામાં આવ્યું હતું. રશિયનો ભાગી ગયા અને શસ્ત્રો અને દારૂગોળો છોડી ગયા. શહેરનું કેન્દ્ર હવે રશિયન દળોથી મુક્ત છે. અગાઉ બુધવારે ઝેલેન્સકીએ ઇઝિયમની મુલાકાત લીધી હતી અને તેને કબજે કરવા બદલ તેના સૈનિકોનો આભાર માન્યો હતો. શહેરનો સિટી હોલ ભલે નષ્ટ થઈ ગયો હોય પરંતુ યુક્રેનિયન ધ્વજ હજુ પણ ત્યાં લહેરાઈ રહ્યો હતો.

રશિયાએ ફેબ્રુઆરીના અંતભાગે યુક્રેન પર હુમલો કર્યો તે સાથે શરૂ થયેલા યુક્રેન-રશિયા યુદ્ધને આ રવિવારે જ ૨૦૦ દિવસ પુરા થયા. આટલા દિવસોમાં આ યુદ્ધમાં ખાસ કરીને યુક્રેનના પ્રજાજનોએ ઘણુ સહન કરવું પડ્યું છે પરંતુ આ યુદ્ધની  ઘણી આડકતરી વિપરીત અસર આખા વિશ્વ પર થઇ છે. અનેક ચીજવસ્તુઓના ભાવોમાં, ખાસ કરીને કેટલીક ચોક્કસ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવોમાં આ યુદ્ધને કારણે મોટો ભાવવધારો થયો છે. જો કે ભારત સહિતના એશિયન દેશો કે આફ્રિકન  દેશો કરતા પશ્ચિમી દેશોને આ યુદ્ધની વધુ અસર થઇ છે. અમેરિકાએ અને યુરોપના દેશોએ સખત મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે અને યુદ્ધને કારણે પશ્ચિમી દેશોએ જે પ્રતિબંધો લાદ્યા છે તેનાથી ગિન્નાયેલા રશિયાએ જર્મનીનો ગેસ  પુરવઠો ટેકનીકલ તકલીફના બહાના હેઠળ અટકાવી દીધો તેનાથી જે મુશ્કેલી અને ગભરાટ ઉભા થયા તેના પરથી ખ્યાલ આવે છે કે રશિયા ધાર્યા કરતા વધુ સખત રીતે પશ્ચિમી દેશોને ભીંસમાં લઇ શકે છે.

પૂર્વીય યુક્રેનના કેટલાક પ્રદેશોમાં  રશિયા તરફી લોકોની મોટી વસ્તી છે અને રશિયા આ પ્રદેશો પર પોતાનો દાવો કરે છે અને તેમાંથી જ આ યુદ્ધ શરૂ થયું છે. યુદ્ધ શરૂ થયું ત્યારે એવી અટકળો હતી કે થોડા જ દિવસમાં યુક્રેનના સખત પરાજય સાથે આ યુદ્ધનો અંત આવી જશે  પરંતુ યુક્રેન રશિયાને સખત ટક્કર આપી રહ્યું છે. યુદ્ધ દરમ્યાન રશિયાએ યુક્રેનને ઘણુ નુકસાન પહોંચાડ્યું છે પણ તેમ છતાં છ મહિના કરતા વધુ સમય સુધી હજી યુક્રેન ટકી રહ્યું છે અને હવે તો સખત વળતા ફટકાઓ મારી રહ્યું હોવાના  અહેવાલો છે.

Most Popular

To Top