વલસાડ: (Valsad) વલસાડની એક વિદ્યાર્થીનીએ (Girl Student) આજે ગુરુવારે સ્કૂલે (School) જતા રસ્તામાં કોઇ અગમ્ય કારણોસર ઔરંગા નદીમાં (Auranga River) ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવવાનો (Suicide Attempt) પ્રયાસ કર્યો હતો, પરંતુ આ ઘટના સમયે સ્થાનિકોએ તેમજ રાહદારીઓએ સમય સૂચકતા વાપરી તેનો પ્રયાસ નિષ્ફળ બનાવી તેનો જીવ બચાવી લીધો હતો.
સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડની એક ખાનગી સ્કૂલમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી એક યુવતી આજરોજ ઘરેથી સ્કૂલે જવા નિકળી હતી. ત્યારબાદ રસ્તામાં અચાનક તેને શું સુઝ્યું કે, તે ઔરંગા નદીના પુલ પર પહોંચી હતી. જ્યાં તેણે પોતાનો જીવ ટુંકાવવાની ઇચ્છાએ નદીમાં ઝંપલાવ્યું હતુ. આ ઘટના સ્થાનિકોએ જોતાં તેઓ તુરંત નદીમાં પડ્યા અને વિદ્યાર્થીનીને બહાર કાઢી હતી અને 108 એમ્બ્યુલન્સ બોલાવી તેને કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપી હતી. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી હતી. તેમજ સ્કૂલની વિદ્યાર્થીનીના આ પગલાને લઇ વાલી આલમમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રેમી સામે પ્રેમિકાએ કુદકો માર્યો
અંકલેશ્વરના જીઆઈડીસી કોસમડી ગામમાં 24 વર્ષીય યુવક પુષ્પરાજ પ્રજાપતિ રહેતો હતો. પુષ્પરાજને બે મહિના પહેલાં જ MPની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. જેથી એ યુવતી તેનાં માતા-પિતાને છોડીને પુષ્પરાજ સાથે અંકલેશ્વરના કોસમડી ગામમાં તેની સહમતીથી રહેવા આવી ગઈ હતી. આ દરમિયાન કોઈ અણગમ્ય કારણસર ગતરાત્રિના રોજ બંને પ્રેમી-પ્રેમિકા નર્મદા બ્રિજ પર આપઘાત કરવા પહોંચી ગયા હતા. જ્યાં પ્રેમી પુષ્પરાજે તેની પ્રેમિકાની સામે જ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જેના કારણે ચકચાર મચી જવા પામી હતી.
આ સમયે પ્રેમીને નર્મદામાં ગરકાવ થતાં જોઈને ગભરાઈ ગયેલી યુવતીએ જોર જોરથી બચાવો બચાવોની બૂમો પાડવા લાગી હતી. યુવતીનું જોરજોરથી અવાજ સાંભળી આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા લોકો એકત્ર થઈ ગયા હતા. ઘટનાસ્થળે આવી પહોંચેલા સ્થાનિકોએ બનાવ અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી.પોલીસે તપાસ હાથ ધરી યુવતી પાસેથી ઘટના અંગેની માહિતી સંભાળી પોલીસ મથકે મોકલી આપી હતી. ત્યાર બાદ પોલીસે સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને બોલાવી યુવકને શોધવાની કવાયાત હાથ ધરી હતી. જો કે સતત 12 કલાક સુધી યુવાનની શોધખોળ કરવામાં આવી હોવા છતા તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો.