સેવાલિયા: ગળતેશ્વર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલની બંને બાજુ બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ તુટી ગયેલ હોવાથી અવારનવાર દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. ગળતેશ્વર તાલુકાના પડાલ નજીકથી પસાર થતી નર્મદા કેનાલની બંને સાઈડે બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ છેલ્લાં ઘણાં સમયથી ઠેર-ઠેર તુટી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે. તેમછતાં તંત્ર દ્વારા આ પ્રોટેક્શન વોલનું સમારકામ કરવાની તસ્દી લેવામાં આવતી નથી. જેને પગલે કેનાલને અડીને આવેલા માર્ગ પર પસાર થતાં વાહનચાલકોને કેનાલમાં ખાબકવાનો સતત ડર રહ્યાં કરે છે. તદુપરાંત આ વિસ્તારમાં ચરવા માટે જતાં પશુઓ અવારનવાર કેનાલના પાણીમાં ખાબકી રહ્યાં હોવાના બનાવો બની રહ્યાં છે.
પાણીમાં ખાબકેલા પશુ તણાઈને દૂર-દૂર સુધી પહોંચી જાય છે. દરમિયાન જો કોઈના ધ્યાનમાં આવે તો પાણીમાં તણાતાં પશુને બહાર કાઢવામાં આવે છે. પરંતુ તેની તરફ કોઈનું ધ્યાન ન પડે તો પશુ ઘણાં દિવસો સુધી પાણીમાં જ રહીને અંતે મોતને ભેટતાં હોય છે. તદુપરાંત જીંદગી ટુંકાવવા ઈચ્છતા અનેક લોકો આ કેનાલમાં જંપલાવી આપઘાત પણ કરી રહ્યાં છે. ત્યારે આ મામલાને ગંભીરતાથી લઈ તંત્ર દ્વારા કેનાલની બન્ને બાજુ તુટી ગયેલી પ્રોટેક્શન વોલનું વહેલીતકે સમારકામ કરવાની સાથે સાથે લોખંડની ઊંચી ગ્રીલ ફીટ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.