આજની મોબાઇલ અને ટેકનોલોજી અપગ્રેડેશન સાથે આખી દુનિયા ૮-૧૦ ઈંચના સાધનમાં સમાઈ ગઈ છે. તેમાં પણ જીઓની ધનધનાધન ડેટા ઓફરે દાટ વાળ્યો છે.સમય સાથે ટેકનોલોજી જરૂરી છે. પરંતુ તેનો ખરો ઉપયોગ થાય તો જ તે આશીર્વાદ રહે, બાકી અભિશાપ બની જાય છે. મોબાઇલમાં ફેસબુક,વહોટસેપ,ટવીટર કે બીજા અનેક પ્રકારના પ્લેટફોર્મ પર આજે જે પણ માહિતી સમયના પલકારામાં કરોડો લોકો સુધી પહોંચી જાય છે તેમાંથી ૭૦ થી ૮૦ ટકા માહિતી ખોટી અથવા એકતરફી કે પછી એડિટિંગ કરેલી હોય છે. આ માહિતી જાણી જોઈને ફેલાવવામાં આવે છે.લોકો વચ્ચે જૂથવાદ, ઘર્ષણ, ઉશ્કેરણી કરવાના ઈરાદાથી જ આમ કરાય છે. કેટલાંક લોકો તો પોતાના સોશ્યલ મીડિયા પેજના મેનેજમેન્ટ માટે પ્રોફેશનલ લોકોને પગાર પર રાખે છે.
મોટા ભાગનાં લોકો માહિતી સાચી છે કે નહિ તેની ચકાસણી કરતાં જ નથી. પોતાના પક્ષની કે પોતાના માનીતા લોકોની માહિતી હોય તો તેને આંખો મીંચીને સાચી માને છે અને પોતાના વિરોધીની ૧૦૦% સાચી વાતને પણ જૂઠી કે અફવા કહે છે. જે વીસ ટકા લોકો દુનિયામાં રાજ કરે છે તે આ જ બાબતનો ફાયદો ઉઠાવે છે. દુનિયાના ૮૦ ટકા લોકો આજે પણ આટલી બધી આધુનિકતા,શિક્ષણ અને માહિતી હોવા છતાં પણ પોતાની જાતને ૨૦ ટકા લોકોની ચુંગાલમાંથી છોડાવી નથી શકતા. જો હજુ પણ લોકો ટેકનોલોજીના સાચા ઉપયોગની આદતો નહીં અપનાવે તો આજે જે સમસ્યાઓ છે તેના કરતાં અનેક ગણી વધુ ભયંકર મુસીબતોનો સામનો કરવા સામાન્ય જનતાને તૈયાર રહેવું પડશે.
સુરત – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.