નડિયાદ: ગુજરાતભરમાં સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવાની માગ ફરી એકવાર પ્રબળ બની છે. આ મામલે 17 તારીખે કર્મચારીઓ હડતાલ પર ઉતરવાની જાહેરાત કરી દીધી છે. જેના કારણે સરકાર સામે વધુ એક કર્મચારી મંડળે રણશિંગુ ફૂંકતા સરકાર ભીંસમાં મુકાઈ છે, ખેડા જિલ્લાની વિવિધ કચેરીઓના કર્મચારીઓ પણ આરપારના મૂડમાં છે. નડિયાદ સહિત જિલ્લાની અનેક સરકારી કચેરીઓમાં વિવિધ પદો પર આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કર્મચારીઓની ભરતી કરાયેલી છે.
હજારોની સંખ્યામાં કર્મચારીઓ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગનો ભોગ બની રહ્યા હોવાની રજૂઆતો વારંવાર થઈ છે. આ કર્મચારીઓનું શોષણ બંધ કરવામાં આવે અને તેમને કાયમી કરવામાં આવે તેવી માંગ અગાઉ ઢગલાબંધવાર સરકારમાં થઈ છે. તેમ છતાં સરકાર દ્વારા આ અંગે યોગ્ય પગલાં લેવાયા નથી. પરીણામે હવે ફરી એકવાર આ કર્મચારીઓ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ અંગે ગુજરાત જનતા જાગૃતિ મંચના રજનીકાંત ભારતીય અને અમિતભાઈ ચૌહાણ દ્વારા 17 સપ્ટેમ્બર અને શનિવારના રોજ કર્મચારીઓને હડતાલ પર ઉતરવા માટે આહ્વાન કર્યુ છે. હડતાલ પર ઉતરતા પહેલા પોતાની માંગણીઓ સંદર્ભેની જાણ કચેરીના વડાને લેખિતમાં કરવા માટે પણ જાગૃતિ મંચે કર્મીઓને જણાવ્યુ છે. અગાઉ સરકાર દ્વારા કર્મચારીઓને કાયમી કરવાની બાહેંધરી આપી હતી, છતાં કોઈ નિરાકરણ આવ્યુ ન આવતા કર્મચારીઓ પણ લડાયક મૂડમાં છે.