અમદાવાદ : ભારત માતાની રક્ષા કરનાર પૂર્વ સૈનિકો છેલ્લા કેટલાક દિવસથી પોતાની પડતર માંગણીઓને લઈ ગાંધીનગરમાં (Gandhinagar) આંદોલન કરી રહ્યા છે, પરંતુ રાજ્યની ભાજપ (BJP) સરકાર તેમની કોઈ જ વાત સાંભળવા તૈયાર નથી, એટલું જ નહીં તેમના ઉપર લાઠી વરસાવવામાં આવી છે. સૈનિકોના નામે મત માગી રાજનીતિ કરનાર ભાજપનો અસલી ચહેરો હવે ખુલ્લો પડી ગયો છે, તેવો આક્ષેપ કોંગ્રેસ (Congress) દ્વારા કરવામાં આવ્યો છે.
પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, એકતરફ ભાજપની સરકાર એક વર્ષની ઉજવણી કરી રહી છે અને બીજી બાજુ માભોમ ભારત દેશની રક્ષા કાજે ખડે પગે ફરજ બજાવતા પૂર્વ સૈનિકોની વાત સાંભળવા સરકાર તૈયાર નથી. એટલુ જ નહીં તેમના પર લાઠી વરસાવાય તે કેટલે અંશે વ્યાજબી ? સૈનિકોના નામે મત માંગી રાજનીતિ કરનાર ભાજપ સરકાર સરહદે દેશ માટે શહિદ થનાર જવાનોને શહિદનો દરજ્જો પણ આપતી નથી. આ છે ભાજપનો અસલી ચહેરો.
સૈન્યના જવાનો એ શિસ્તબદ્ધ દળ છે. દેશની સરહદો ઉપર ૨૪ કલાક રાષ્ટ્ર માટે ફરજ બજાવનાર નિવૃત્ત સૈનિકોને મળવા પાત્ર અધિકારો માટે તેઓ શાંતિથી રજૂઆત કરતા હોય તેમ છતાં ૧૪૪ની કલમ લાગુ કરી તેમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવે અને આ અત્યાચારમાં એક પૂર્વ સૈનિકનું નિધન થાય એ ઘણુ જ ગંભીર બાબત છે. બંધારણે અધિકાર આપ્યા છે તે અધિકારનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે. કમનસીબે ભાજપ સરકાર બંધારણીય હક્કોને અવગણીને તાનાશાહની જેમ વર્તી રહી છે. ગુજરાતના પૂર્વ સૈનિકોને તેમના માન-સન્માન સાથે તમામ માંગો અંગે સરકાર તાત્કાલીક સંવાદ કરે, ન્યાય આપે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે આક્રોશ રેલી દરમ્યાન પૂર્વ સૈનિકના નિધન અંગે ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરવા નિધન પામેલા પૂર્વ સૈનિકના દિકરાને સાંત્વના આપવા જતા મને તથા ધારાસભ્યોને મળતા પોલીસે કેમ અટકાવ્યાં ? શું છુપાવાનું છે પોલીસને? જે નિવૃત્ત સૈનિકે દેશ માટે ફરજ બજાવી છે તેનું નિધન પોલીસના અત્યાચારથી થાય છે, ત્યારે સરકાર કેમ અંગ્રેજોને શરમાવે તેવું વર્તન કરે છે ?