વ્યારા: (Vyara) સોનગઢના ઉકાઈમા હાઇડ્રો પાવર પ્લાન્ટના પ્રોજેક્ટ(Hydro Power Plant Projects), ડોસવાડામાં વેદાંતા પ્રોજેક્ટ તેમજ સોનગઢ- કપડબંધ હાઇવે માટે જમીન સંપાદનનો (Land Acquisition) વિરોધ પ્રદર્શન સાથે અનેક માંગણીઓ મૂકતાં વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે કલેક્ટરને આવેદન આપ્યું હતું. સોનગઢના ડોસવાડાથી વ્યારા સુધી આશરે ૧૫ કિમી પગપાળા રેલી યોજી વિવિધ આદિવાસી સંગઠનોએ (Tribal Organizations) જિલ્લા સેવા સદનમાં જાહેર સભા યોજી હતી. જેમાં આદિવાસી વિસ્થાપિત થાય તેવાં તમામ પ્રોજેક્ટોનો બહિષ્કાર કર્યો હતો.
- વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસીઓની ૧૫ કિમી પગપાળા રેલી
- વિવિધ આદિવાસી સંગઠનોએ કલેક્ટરને આવેદન આપ્યું
- આદિવાસી વિસ્તારમાં જમીન સંપાદન થાય તેવાં તમામ પ્રોજેક્ટોનો વિરોધ
સોનગઢના ડોસવાડામા વેદાંતા પ્રોજેક્ટના વિરોધમાં એક વર્ષ પહેલા થયેલા આંદોલનમાં આદિવાસી યુવાનો સામે નોંધાયેલા પોલીસ કેસ રદ કરવા, સોનગઢ નજીક રાણીઆંબા રેલવે ફાટક પર ફ્લાયઓવર બ્રિજ, સોનગઢ ટોલનાકા પરથી સ્થાનિકોને ટોલ મુક્તિ, આદિવાસીઓને જળ, જંગલ અને જમીનના હક્કો, ઉકાઈ ડેમથી વિસ્થાપિત થયેલા લોકોને યોગ્ય વળતર, પાર-તાપી રિવર લિંક યોજના રદ કરવા સહિતના પ્રશ્નોને લઈ આવેદન આપ્યું હતું. આદિવાસી મહામંડળ ચેરિટેબલ ટ્રસ્ટ સોનગઢ, આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ, ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના સહિતના સંગઠનોના નેજા હેઠળ આવેદનપત્રો અપાયાં હતાં. જિલ્લા સેવાસદન સામે જાહેર સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ વ્યારા ખાતે ઊમટી પડ્યા હતા. આદિવાસી વિસ્તારમાં જમીન સંપાદન થાય તેવાં તમામ પ્રોજેક્ટોનો વિરોધ નોંધાવ્યો હતો.
વિશ્વ આદિવાસી અધિકાર દિન નિમિત્તે સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ યુસુભ ગામીતના અધ્યક્ષપણા હેઠળ ડોસવાડાથી વ્યારા આશરે ૧૫ કિ.મી લાંબી પગપાળા રેલી યોજવામાં આવી હતી. આદિવાસી વિસ્તારમાં આવી રહેલા પ્રોજેક્ટોથી આદિવાસીઓને કોઇ લાભ થતો નથી. આવા પ્રોજેક્ટોથી ગરીબ આદિવાસીઓને વિસ્થાપિત થવું પડે છે. આદિવાસી સમાજને થતો અન્યાય કોઇ સંજોગોમાં ચલાવી નહીં લેવાની અપીલ કરી હતી. બાદ જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનમાં ખાસ કરીને સોનગઢના ડોસવાડા ગામે વેદાંતા પ્રોજેક્ટ માટે થયેલા એમઓયુ રદ કરવા, સોનગઢથી કપડબંધ હાઇવેને ફોરલેન કરવા જમીન સંપાદન માટેની ચાલી રહેલી સરવેની કાર્યવાહી બંધ કરવા અને ઉકાઇના પાથરડા અને સિંગલખાંચ ગામમાં નવો હાઇડ્રો પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા ડ્રોનનથી કરાતાં સરવેનો વિરોધ કરાયો હતો.