uncategorized

સુરત એરપોર્ટ માટે ખુડાના ડેવલપમેન્ટ પ્લાનમાં જમીન સંપાદનમાં લેવા સામે ખેડૂતોનો વિરોધ

સુરત: (Surat) સુરતના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ (Airport) માટે ખુડાના ડેવલપમેન્ટ પ્લાનમાં વિશાળ જમીન સંપાદનમાં (Land Acquisition)લેવા સામે કાંઠા વિસ્તારના ખેડૂતોએ (Farmers) આભવા ગામે કિસાન સંઘની બેઠક બોલાવી વિરોધ નોંધાવવા સાથે નારાજગી વ્યક્ત કરી છે. કાંઠા વિભાગ કિસાન સંઘના પ્રમુખ કાંતિ પટેલે જણાવ્યું હતું કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પેરેલલ રન-વે કે હયાત રન-વેના વિસ્તરણ માટે હવે વધારાની જમીનની (Land) જરૂર નથી એવો સ્પષ્ટ અભિપ્રાય આપવા છતાં જિલ્લા વહીવટી તંત્રએ જમીન સંપાદનની કાર્યવાહી રદ નહીં કરતાં સોમવારે આભવા, ડુમસ, ભીમપોર, વાટા, સુલતાનાબાદ, ગવિયર, મગદલ્લા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.

  • એરપોર્ટ માટે ખુડાના ડેવલપમેન્ટ પ્લાનમાં વિશાળ જમીન સંપાદનમાં લેવા સામે ખેડૂતોનો વિરોધ
  • કાંઠા વિભાગ કિસાન સંઘની સભા યોજાઈ, આભવા, ડુમસ, ભીમપોર, વાટા સહિતનાં ગામોના ખેડૂતો મુખ્યમંત્રીને રજૂઆત કરશે

રાજ્યના ચીફ સેક્રેટરીને રજૂઆત પછી હવે મુખ્યમંત્રીને જમીન સંપાદનની કાર્યવાહી રદ કરવા આવેદનપત્ર આપવામાં આવશે. એક જ ગામના 300 ખેડૂત સહિત 4000 પરિવાર ખુડાના ડેવલપમેન્ટ પ્લાનથી ખેતીલાયક જમીનો ગુમાવશે. અગાઉ ખેડૂતોએ કલેક્ટર અને ખુડાના મુખ્ય કારોબારી અધિકારીને આવેદનપત્ર આપી બિનજરૂરી જમીન સંપાદન કરતાં પહેલાં સુરત એરપોર્ટના રન-વેનો કેટલો ઉપયોગ થાય છે અને 2035માં કેટલો પેસેન્જર ટ્રાફિક રહેશે એનો સરવે કે અભ્યાસ કર્યા પછી જ નિર્ણય લેવા વિનંતી કરશે.

કારણ કે, સૂચિત 851 હેક્ટર જમીનનો ઉપયોગ 2050 સુધી પણ થઈ શકે એમ નથી. સુરતથી માંડ 12 ફ્લાઈટ અવરજવર કરી રહી છે અને વર્તમાન રન-વે ક્ષમતા સામે 8 ટકા પણ ઉપયોગમાં લેવાતો નથી. આ આખું ષડયંત્ર બિલ્ડરોના ગેરકાયદે બાંધકામો તૂટતાં અટકાવવા માટે ઘડવામાં આવ્યું હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ખુડાના નવા ડીપીમાં અંદાજિત 17 સ્ક્વેર કિલોમીટર કરતાં વધુ જગ્યા રિઝર્વ રાખવામાં આવી છે, જેમાં અંદાજિત 60 ટકા જમીન એરપોર્ટના વિસ્તરણ અને નવા પેરેલલ રન-વે માટે 25 ટકા ટાઉનશીપ અને 15 ટકા અન્ય વિકાસનાં કામો અનામત રાખવામાં આવી છે. આભવા ગામના ખેડૂત અગ્રણી કાંતિ પટેલે જણાવ્યું હતું કે, બિનજરૂરી જમીન સંપાદન રદ કરવામાં આવે. કારણ કે, આભવા ગામના ખેડૂતો સહિત 3000થી 4000 પરિવારને એની અસર થશે.

Most Popular

To Top