Vadodara

આંકલાવના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતાં 25 નબીરા પકડાયાં

આણંદ : આંકલાવ પોલીસે નવાખલ ગામે આવેલા ગ્રીનટોન વીલા ફાર્મ ખાતે મધરાતે દરોડો પાડી દારૂની મહેફિલ માણતાં 25 નબીરાને પકડી પાડ્યાં હતાં. જ્યારે એક ફરાર થઇ ગયો હતો. આ અંગે પોલીસે કાર્યવાહી કરતાં વિદેશી દારૂની બોટલ, રોકડ, મોબાઇલ, કાર, ટુ વ્હીલર સહિત કુલ રૂ.11.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આંકલાવ પોલીસને બાતમી મળી હતી કે, નવાખલ ગામે આવેલા મુર્ગેશ શાહના ગ્રીનટોન વીલા ફાર્મ બંગલા નં.2માં કેટલાક યુવક – યુવતીઓ ભેગા થઇ બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું છે. આ પાર્ટીમાં ઇંગ્લીશ દારૂની છોળો ઉડી રહી છે. આ બાતમી આધારે આંકલાવ પોલીસે પંચોને સાથે રાખી રવિવારની મોડી રાત્રે દરોડો પાડ્યો હતો.

પોલીસની ટીમે અલગ અલગ ખાનગી વાહનોમાં બેસી નવાખલ ગામે પહોંચ્યાં હતાં. બાદમાં થોડે દુર વાહનો થોભાવી ફાર્મ હાઉસ પર પહોંચ્યાં હતાં. જોકે, ફાર્મ હાઉસનો મુખઅય દરવાજો ખુલ્લો હતો, અંદર પહોંચેલી પોલીસ બાદમાં બંગલા નં.2 સુધી પહોંચી હતી. આ મકાનમાં જોતા યુવક – યુવતીઓ જોર જોરથી ગીત વગાડી ડિસ્કો કરતાં હતાં. જોકે, પોલીસે અંદર પહોંચી મ્યુઝીક સિસ્ટમ બંધ કરાવી તમામને કોર્ડન કરી લીધાં હતાં. તપાસ કરતાં રીદ્ધી કમલ ગુલાબદાસ ભુવા (ઉ.વ.22)ની બર્થ ડે હોવાથી પાર્ટીનું આયોજન કર્યું હોવાનું ખુલ્યું હતું.

સમગ્ર ફાર્મ હાઉસમાં કુલ 15 યુવક અને 10 યુવતીઓ હતી. આ ઉપરાંત મુખ્ય હોલમાં પાર્ટી ચાલી રહી હતી. આ હોલમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આમ, પ્રાથમિક તપાસમાં જ પાંચ ખાલી બોટલ, બે અડધી ભરેલી બોટલ અને ત્રણ સીલ બંધ બોટલ મળી કુલ 10 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી. આ તમામ 25 યુવક – યુવતી દારૂની મહેફિલ માણતાં હોવાનું ખુલતાં તમામ સામે ગુનો નોંધી અટક કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે વિદેશી દારૂની બોટલ, રોકડ, મોબાઇલ, કાર, ટુ વ્હીલર મળી કુલ રૂ.11,80,800નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top