નવસારી: (Navsari) વિજલપોર (Vijalpor) ગોકુળપુરામાં ગણેશ વિસર્જનના (Ganesh Visharjan) દિવસે વૈષ્ણવ પરિવાર ગણેશ વિસર્જનયાત્રા જોવા ગયા હતા. ત્યારે તસ્કરો(Thiff) તેમના ઘરમાંથી 36 હજારની મત્તા ચોરી કરી નાસી ગયાનો બનાવ વિજલપોર પોલીસ (Police) મથકે નોંધાયો છે.મળતી માહિતી મુજબ, વિજલપોરના ગોકુળપુરામાં ભરત ભરવાડના મકાનમાં અશોકભાઈ પ્રભુભાઈ વૈષ્ણવ તેમના પરિવાર સાથે રહે છે અને કરિયાણાની દુકાન ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. ગત 9મીએ અશોકભાઈ અને તેમનો પરિવાર ગણેશ વિસર્જન હોવાથી ગણપતિ જોવા માટે દુકાને બેસેલા હતા. દરમિયાન કોઈ અજાણ્યા ચોરે તેમના ઘરનું પાછળનું બારણું તોડી ઘરમાં ઘુસ્યા હતા.
કબાટનું લોકર કોઈ સાધન વડે તોડી ચોર 36 હજાર રૂપિયાની મત્તા ચોરી કરી નાસી ગયો
ચોરે ઘરમાં કબાટનું લોકર કોઈ સાધન વડે તોડી લોકરમાં મુકેલી 15 હજાર રૂપિયાની 5 ગ્રામની નાકમાં પહેરવાની નથણી, 13 હજાર રૂપિયાનું ગળામાં પહેરવાનું મંગલસૂત્ર, 3 હજાર રૂપિયાના ચાંદીના સાંકળા અને 5 હજાર રૂપિયાના ચાંદીનો કમર પટ્ટો મળી કુલ્લે 36 હજાર રૂપિયાની મત્તા ચોરી કરી નાસી ગયો હતો. બપોરે અશોકભાઈની પત્ની અને તેમનો દીકરો ઘરે ગયા ત્યારે ઘરમાં કબાટ ખુલ્લો હતો અને સામાન વેરવિખેર પડેલો હતો. જેથી તેઓએ કબાટમાં તપાસ કરતા સોના-ચાંદીના દાગીના મળ્યા ન હોવાથી ઘરમાં ચોરી થઇ હોવાનું જણાયું હતું. આ બાબતે અશોકભાઈએ વિજલપોર પોલીસ મથકે અજાણ્યા ચોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. કે.બી. દેસાઈએ હાથ ધરી છે.
મંત્રીના કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા પત્રકારની કારનો કાચ તોડી કેમેરાની ચોરી
બીલીમોરા : રાજ્યના કેબિનેટ મંત્રી દ્વારા બીલીમોરામાં યોજાયેલા સ્નેહમિલન સમારંભમાં ભાગ લેવા આવેલા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારની કારનો કાચ તોડી કોઈક અજાણ્યાએ 45 હજારનો કેમેરો ચોરી લઈ જતા પોલીસ ચોરને ઝભ્બે કરવા મથામણ કરી રહી છે.ગણદેવીના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ દ્વારા બીલીમોરા સોમનાથ રોડ પર આવેલી એક હોટલમાં સ્નેહમિલન સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં બીલીમોરા, ગણદેવી, અમલસાડ, ચીખલી, ખેરગામ સાથે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
પાછળની સીટ ઉપર મુકેલો કેમેરો ચોર કાચ તોડીને ચોરી કરી ગયો
કાર્યક્રમની સમાપ્તિ બાદ પોતપોતાની રીતે બધા જવા નીકળ્યા તે વખતે ચીખલીથી આવેલા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર સ્નેહલ પટેલની સફેદ રંગની હુંડાઈ કારની પાછળની સીટ ઉપર મુકેલો કેમેરો કોઈ ચોરે કાચ તોડીને ચોરી કરી ગયો હતો. જોવાની વાત એ હતી કે મંત્રીના કાર્યક્રમમાં પોલીસની પાયલોટિંગ જીપની એકદમ નજીક આ કાર મૂકેલી હતી. જેમાંથી કેમેરો ચોરાતા ચોરોને હવે પોલીસનો બિલકુલ ડર રહ્યો નથી એવું લાગે છે. બનાવની જાણ સ્થાનિક પોલીસને કરતા પોલીસે ચોરને પકડવા કવાયત હાથ ધરી છે.