ડાંગ: દક્ષિણ ગુજરાત(South Gujarat)માં અનેક વખત દીપડા(Leopard)નો આતંક સામે આવ્યો છે. ઘણી વખત નાના બાળકો, ખેતરમાં કામ કરતા લોકોની સાથે સાથે જંગલી જાનવર ખૂંખાર દીપડાનાં હુમલા(Attack)નો ભોગ બન્યા છે. જેમાંથી કેટલાક તો મોતને પણ ભેટ્યા છે. હવે તો આ દીપડાઓ શહેરી વિસ્તારમાં પણ જોવા મળી રહ્યા છે. થોડા વખતો અગાઉ જ ભરૂચની સોસાયટીમાં દીપડો જોવામાં આવ્યો હતો. જેના કારણે લોકોમાં એક પ્રકારનો ભયનો માહોલ ફેલાયો હતો. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ડાંગ(Dang) જીલ્લાનાં રહેવાસીઓને આ દીપડાથી જરાય ભય નથી લાગતો. આ પાછળનું કારણ અને માન્યતા પણ રસપ્રદ છે.
જંગલોમાં દીપડાઓ ખુલ્લેઆમ ફરતા જોવા મળ્યા
ડાંગ જીલ્લો 100 ટકા જંગલ વિસ્તાર છે. ત્યારે જંગલોમાં પણ છેલ્લા ઘણા દિવસથી દીપડાઓ ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યા છે. સાપુતારા વઘઈ ઘાટ માર્ગ ઉપર સામગહાન નજીક 2 બચ્ચા સાથે દીપડી દેખાયા હતા. તેના બાદ ફરી એક વાર દેવીનામાળ વિસ્તારમાં દીપડી તેના બચ્ચાને રમાડતી હોય તેવો હોય વીડિયો સામે આવ્યો હતો. આ સાથે આહવા તાલુકાના ગંલકુંડ અને સુબીર તાલુકાના બરડીપાડાથી પણ રાત્રિના સમયે જંગલમાં ફરતા દીપડાના વીડિયો વાયરલ થયા હતા. પરંતુ દીપડા ખુલ્લેઆમ ફરી રહ્યા હોવા છતાં અહીના સ્થાનિક લોકો બેફિકર ફરી રહ્યા છે. તેઓને દીપડાઓ હુમલો કરશે તેવો ભય જ નથી. ગામજનો રાત્રે પણ એકલા ગામમાં ફરતા હોય છે અને એક સ્થળેથી બીજા સ્થળે અવરજવર કરતા રહે છે.
આ છે કારણ
ડાંગમાં રહેતા સ્થાનિક આદિવાસીઓનાં માનવા મુજબ, જંગલ એ પશુ પક્ષીઓનું ઘર છે. આજે અનેક જંગલો કાપીને મોટી મોટી ઇમારતો ઉભીઓ કરી દેવામાં છે. હાલમાં આપણે મનુષ્ય એમના વિસ્તારમાં રહીએ છીએ, અને આજ કારણે જંગલ વિસ્તારમાં ફરતા આવા પશુ પક્ષીઓ માટે અહીંના લોકોમાં કોઈ ભય નથી. આ ઉપરાંત ડાંગના લોકો પ્રકૃતિનાં પૂજકો હોય છે. તેઓનું માનવું છે કે, પ્રકૃતિના પૂજક એવા આદિવાસી સમાજના લોકો સુખદુખના દરેક પ્રસંગે સૂર્યદેવ, ચંદ્ર દેવ સાથે વાઘદેવ, મોર દેવ નાગ દેવ એટલે કે પ્રકૃતિની પ્રાણી તત્વોની પૂજા કરે છે અને આ દેવોના આશીર્વાદથી જ તેમનું જીવન ચાલે છે. તેમજ પ્રકૃતિ તેમનું રક્ષણ કરે છે. એટલ માટે જ ડાંગ જિલ્લાના 311 જેટલા ગામોમાં અસંખ્ય હિંસક પ્રાણીઓ હોવા છતાં અહીંયા જંગલમાં લોકો નિર્ભય બનીને રહે છે.