દુબઇ, તા. 08 : વિરાટ કોહલીનો (Virat kohali) છેલ્લા 1020 દિવસથી ચાલી આવતા સદીના દુકાળનો આજે ગુરૂવારે અંતે અંત આવ્યો છે અને તેણે એશિયા કપમાં (Asia Cup) અફઘાનિસ્તાન (Afghanstin) સામે સુપર-4 મેચમાં પોતાની ટી-20 (T-Twenty )ઇન્ટરનેશનલની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમીને સદી ફટકારી હતી. વિરાટ 61 બોલમાં નોટઆઉટ 122 રન બનાવ્યા હતા, જે ટી-20 ઇન્ટરનેશનલમાં કોઇ ભારતીયનો સર્વોચ્ચ સ્કોર છે. તેણે 53 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વિરાટે લગભગ ત્રણ વર્ષ (1020 દિવસ) બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી છે.
ત્રણ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી હતી
એશિયા કપની શરૂઆતની મેચોમાં સારી બેટિંગ કરનાર કોહલી શ્રીલંકા સામેની પાછલી મેચમાં ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. હવે તેણે ત્રણ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી હતી, જે ટી-20 ઇન્ટરનેશનલમાં તેની પ્રથમ સદી અને કુલ 71મી ઇન્ટરનેશનલ સદી રહી હતી. તેની સાથે જ તે કુલ ઇન્ટરનેશનલ સદી મામલે સચિન તેંદુલકર પછી રિકી પોન્ટીંગ સાથે સંયુક્ત બીજા ક્રમે બેઠો છે.
પોતાની ઇનિંગ દરમિયાન 32 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી
વિરાટ કોહલીએ પોતાની ઇનિંગ દરમિયાન 32 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી. તેણે શરૂઆતમાં પિચ પર સેટ થવા માટે સમય લીધો. એક સમયે તે 11 બોલમાં 10 રન રમી રહ્યો હતો. આ પછી વિરાટ કોહલીએ ગિયર બદલ્યુ હતું અને 53 બોલમાં તેની પ્રથમ ટી-20 ઇન્ટરનેશનલ સદી પૂરી કરી. વિરાટે 19મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો અને બીજા બોલ પર સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. વિરાટે છેલ્લે 2019માં બાંગ્લાદેશ સામેની કોલકાતામાં રમાયેલી પિન્ક બોલ ટેસ્ટમાં સદી ફટકારી હતી અને તે પછી આજે તેણે ત્રણ આકડાંનો મેજીકલ ફિગર મેળવ્યો છે. વિરાટ 61 બોલમાં 122 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 12 ફોર અને 6 સિક્સર ફટકારીને ટી-20માં કુલ રન અને સર્વાધિક છગ્ગા મામલે રોહિત શર્મા પછી બીજા ક્રમે પહોંચી ગયો હતો.
ટી-20માં સર્વાધિક રન કરનારા બેટર
ખેલાડી દેશ મેચ રન
રોહિત શર્મા ભારત 136 3620
વિરાટ કોહલી ભારત 104 3584
સુઝી બેટ્સ ન્યૂઝીલેન્ડ 131 3531
માર્ટિન ગપ્તિલ ન્યૂઝીલેન્ડ 116 3497
મેગ લેનિંગ ઓસ્ટ્રેલિયા 124 3211
સ્ટેફાની ટેલર વેસ્ટઇન્ડિઝ 109 3121
પોલ સ્ટર્લિંગ આયરલેન્ડ 107 3011
એરોન ફિન્ચ ઓસ્ટ્રેલિયા 92 2855
સૌથી વધુ ઇન્ટરનેશનલ સદી
ખેલાડી દેશ સદી
સચિન તેંદુલકર ભારત 100
વિરાટ કોહલી ભારત 71
રિકી પોન્ટીંગ ઓસ્ટ્રેલિયા 71
કુમાર સંગાકારા શ્રીલંકા 63