પલસાણા: પલસાણા (Palsana) પોલીસ મથકની (Police Station) હદમાં થોડા દિવસ અગાઉ અલગ અલગ ૭ જગ્યાએથી જીઇબીના (GEB) વીજ વાયરોની ચોરી કરી હોવાની ૩ ફરિયાદ પલસાણા પોલીસ (Police) ચોપડે નોંધવામાં આવી હતી. ત્યારે સુરત (Surat) શહેર ડીસીબી (DCB) પોલીસ દ્વારા વીજ વાયરનોની ચોરી કરતા ૪ ઇસમને ઝડપી પાડ્યા હતા. જેને લઇ પલસાણા પોલીસે તેમનો કબજો મેળવી તમામ આરોપીઓનાં રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ કરતાં પોલીસે ૬૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી સુરત ગ્રામ્ય વિસ્તારના કુલ ૧૩ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
- પોલીસે સુરત ગ્રામ્ય વિસ્તારના કુલ ૧૩ ગુનાનો ભેદ ઉકેલ્યો
- સુરત શહેર ડીસીબી પોલીસે વીજ વાયરોની ચોરી કરતા ૪ ઇસમને ઝડપી પાડ્યા
- રાત્રિના સમયે વાહન લઇ આવી વીજ થાંભલા ૫૨ આવેલા વાયરો ઉપર દોરડું નાંખી વીજ લાઇનમાં ફોલ્ટ કરી તેને બંધ કરી દેતા
મળતી માહિતી અનુસાર સુરત શહેર ડીસીબી પોલીસે વીજ વાયરોની ચોરી કરતા ૪ ઇસમને ઝડપી પાડ્યા હતા. ત્યારે ૨ સપ્ટેમ્બરના રોજ ડીજીવીસીએલ દ્વારા પલસાણા પોલીસ મથકે અલગ અલગ ૭ જગ્યાએથી વીજ વાયરોની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ પલસાણા પોલીસ દ્વારા ડીસીબી પોલીસે પકડેલા ૪ આરોપીનો કબજો મેળવી તેઓનાં રિમાન્ડ મંજૂર કરાવી સઘન પૂછપરછ કરી હતી. આરોપીઓએ નાના વરાછા નવદુર્ગા સોસાયટી ખાતે આવેલા પ્લોટ નં.૩૮,૩૯,૪૦માં બનાવેલા ગોડાઉનમાં ચોરીનો માલ હોવાનું બહાર આવતાં પોલીસે સ્થળ પર જઇ તપાસ કરતાં ગોડાઉનમાંથી એલ્યુમિનિયમના ઇલેક્ટ્રિક વીજ વાયરોના રોલ ૨૮૫૭૦ કિલો જેની કિંમત ૫૪,૧૪,૦૦૦ રૂપિયા તેમજ ઇન્સ્યુલેટ કરેલા કાળા-પીળા સર્વિસ વાયરો ૨૩૩૦ કિલો કિંમત ૪,૬૬,૦૦૦ રૂ. મળી કુલ ૬૧,૮૦,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ મળ્યો હતો. એ સાથે પલસાણા, બારડોલી, કામરેજ, કોસંબા તેમજ માંગરોળ પોલીસમથકનાં મળી કુલ ૧૩ ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
વીજ લાઇનમાં ફોલ્ટ કરી વાયરો ચોરતા હતા
આ ટોળકી ચોરી કરવા પહેલાં રેકી કરતી હતી. ત્યાર બાદ રાત્રિના સમયે પિકઅપ ડાલા જેવું વાહન લઇ આવી વીજ થાંભલા ૫૨ આવેલા વીજ વાયરો ઉપર દોરડું નાંખી બે વાયરને ભેગા કરી વીજ લાઇનમાં ફોલ્ટ કરી તેને બંધ કરી દેતા હતા. ત્યારબાદ થાંભલા પર ચડી વાયરોને કાપી ગાડીમાં મૂકી નાસી જતા હતા.