સુરત: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને તમામ રાજકીય પાર્ટી સક્રિય થઈ છે. ત્યારે કોંગ્રેસ (Congress) પાર્ટી દ્વારા સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) શરૂ કરવામાં આવશે. દેશમાં વધતી જતી મોંઘવારીના કારણે સરકાર વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી દ્વારા 7 સપ્ટેમ્બરથી સમગ્ર ભારતમાં ભારત જોડો યાત્રાની શરૂઆત કરવામાં આવશે. સુરત ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા (Alok Sharma) દ્વારા ભારત જોડા યાત્રા વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે ભારત જોડો યાત્રા એ ઈતિહાસમાં પહેલી રાજકીય પદયાત્રા હશે. આ પહેલા આવી કોઈ પદયાત્રા યોજવામાં આવી નથી. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા 150 દિવસમાં કન્યાકુમારથી શરૂ કરી જમ્મુ કશ્મીર સુધી કાઢવામાં આવશે.
આલોક શર્માએ કહ્યું કે ભારત જોડો યાત્રા 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઈને જશે. 118 ભારતયાત્રીઓ દ્વારા 3500 કિલોમીટરની યાત્રા 150 દિવસમાં પૂરી કરવામાં આવશે. આ યાત્રામાં અન્ય કેટલાક કોંગ્રેસના નેતાઓ પણ જોડાશે. આ સાથે દેશના તમામ રાજ્યોમાં ભારત જોડો યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ યાત્રા ગુજરાતમાંથી પસાર કરવામાં આવશે નહીં.
ભારત જોડો યાત્રાનું હેતુ
આલોક શર્માએ ભારત જોડો યાત્રાનું હેતુ સમજાવ્યું હતું તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીની આગેવાની હેઠળની આપણી આઝાદીની ચળવળ અને બંધારણમાં પ્રતિબિંબિત મૂલ્યોમાં વિશ્વાસ રાખનારા તમામ ભારતીયોમાં એકતા ઊભી કરવી. તેમજ આર્થિક અસમાનતા, સામાજિક વિભાજન અને અતિશય રાજકીય કેન્દ્રીકરણથી ખરાબ રીતે પ્રભાવિત લાખો ભારતીયોનો અવાજ ઉઠાવવા માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે ‘વિવિધતામાં એકતા’ અને ‘સર્વ ધર્મ સમભાવ’ના સિદ્ધાંતો અનુસાર સામાજિક સમરસતા મજબૂત કરવી. કોંગ્રેસ સંવાદના મૂડમાં છે કોંગ્રેસ કોઈ ભાષણ આપવાની નથી.
આટલા રાજ્યોમાંથી યાત્રા પસાર થશે
આલોક શર્માએ કહ્યું કે કોઈને જેમ યાત્રામાં મન કી બાત કરવામાં આવશે નહીં. આ યાત્રા 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પસાર થશે જેમ કે તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર. રાજ્ય કોંગ્રેસ દ્વારા યાત્રીઓને જમવાની રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. જ્યાંથી ભારત જોડી યાત્રા પસાર થઈ રહી નથી તે દરેક રાજ્યમાં પ્રવાસનો સંદેશ ફેલાવવા માટે ડોર ટુ ડોર અભિયાન શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોઈ પણ પાર્ટીના, સામાજિક અથવા તો સામાન્ય નાગરિકો પણ આ પાર્ટીમાં જોડાઈ શકે છે.
ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપ પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપ સરકારે માત્ર મોંઘવારી જ વધારી છે. અમીર વધુ અમીર થાય છે ગરીબ વધુ ગરીબ થાય છે. આસમાની મોંઘવારી અને બેરોજગારીથી લોકો પરેશાન છે. ખેડૂતો અને ખેતમજૂરો દેવાના બોજ હેઠળ દબાયેલા છે. 70 વર્ષમાં બનેલી આપણા દેશની સંપત્તિ મોદીજીના અબજોપતિ મૂડીવાદી મિત્રોને ભારે ખોટમાં વેચવામાં આવી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગોને તેમના મૂળભૂત અધિકારો – પાણી, જંગલ અને જમીનથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. તેથી હવે કોંગ્રેસ પાર્ટી પરિવર્તનની વિચારધારા સાથે ભારત જોડો યાત્રા શરૂ કરશે અને લોકોને મળશે. ભાજપને ઘેરતા તેમણે કહ્યું કે આ પદયાત્રામાં કોઈ મનકી બાત કરવામાં આવશે નહીં, કોઈ ભાષણ આપવામાં આવશે નહીં ભારત જોડો યાત્રા માત્ર સંવાદનું કામ કરશે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રાનો પ્રારંભ કરાવાશે. ગાંધી અને ભારત જોડી યાત્રીઓ મહાત્મા ગાંધી મંડપમથી બીચ રોડ સુધી કૂચ કરશે.