Columns

કૂતરાને માણસ નહિ કહેવાય, પણ..!

અમારા બારોટ એવું કહેતાં કે, અમારા વંશ વારસદારોમાં હાથીઓ પાળવાની ગુંજાશ હતી. પણ કોઈએ ‘ડોગી’આઈ મીન કૂતરા પાળેલા નહિ. ક્યારેય કીડી-મંકોડા પણ વેકેશન ગાળવા આવતા નહિ. માત્ર માણસ જ પાળતા. તમને જાણીને નવાઈ લાગશે કે, ‘ઝૂકેગા નહિ સાલા’વાળી મૂળ લાઈન તો અમારા વંશજોની..! અમારા વંશજોમાં કોઈનો મણકો વચ્ચેથી તૂટેલો નહિ અને ખભો ચઢાવેલો નહિ, એટલે આ ‘ડાયલોગ’હવામાં ઓગળી ગયેલો. જેને ફિલ્મ ‘પુષ્પા’એ જીવાડ્યો..! જોવાની વાત એ છે કે, માણસ સિવાયના પ્રાણી માત્ર સાથે કઠોર સંબંધ હોવા છતાં, આજ સુધી કોઈ પ્રાણીએ નહિ બગાડ્યું હોય, એનાથી વધારે દુ:ખી માણસથી થયા. કૂતરાની વાત કરીએ તો, સમ ખાવા જેટલા કૂતરાએ પણ અમારું બગાડ્યું નથી.

કૂતરાનું નામ માણસ પાડવાનું મન થાય એટલાં ડાહ્યાં રહ્યાં..! ક્યારેક ઘરમાં આવીને એમનું ગલુડિયું પગફેર કરી જાય એ અલગ વાત છે..! બાળક છે ને યાર..? કૂતરાં એટલાં ડાહ્યાં કે, ઘરમાં વાઈફ સાથે ઊંચા અવાજે બોલવાનું થાય તો, ‘છે જ એવાં’કરીને આંખ આડા કાન કરે, બાકી કૂતરું વચમાં પડ્યું હોય એવું જાણમાં નથી. જો કે, આ બધો અરસપરસનો વ્યવહાર છે. એમ તો કૂતરાં લડતાં હોય તો અમે પણ તેમની વચમાં પડતાં નથી. જીવદયાની ‘ફીલિંગ્સ’છે ને મામૂ..! એક ભાઈને પૂછ્યું કે, ડિફણાં ખાતાં એક ગધેડાને હું બચાવું તો એ મારો કયો પ્રેમ કહેવાય? મને કહે, “બંધુપ્રેમ..!”એના કપાળમાં કાંદા ફોડું..! મારે વાત કરવી છે, ડોગ-ફાઈટીંગની..!

કોઈ પણ પ્રકારની પૂર્વ ચેતવણી વગર ક્યારે તૂટી પડે એ નક્કી નહિ..! ખૂણે ખૂણેથી આવી પડે. ફિલ્મોની ફાઈટીંગ કરતાં, પણ કૂતરાની ફાઈટીંગ જોવાની એટલે મઝા આવે કે, એમાં ‘ડુપ્લીકેટ’ફાઈટર રાખવાની જોગવાઈ નથી. ઇસ્ટમેન કલરમાં ભલે ફાઈટીંગ નહિ હોય, પણ પ્રત્યેક કૂતરો લડતી વખતે ઇસ્ટમેન કલરમાં જ હોય..! એમનો જોશ અને જુમલો જોઇને એમ જ લાગે કે, આજે એકાદ-બે ની લાશ પડી જવાની. પણ સાવ સાત્ત્વિક ફાઈટ હોય.! અમુક તો પોતાની જગ્યા ઉપરથી જ ભસતા હોય. ભસે ખરા, પણ જગ્યાથી ખસે નહિ.

(ના ના ચાઈના જેવાં તો નહિ કહેવાય..! કૂતરાની પણ ઈજ્જત હોય યાર..!) ભેગા થઈને બધાં. ‘પોચી-પોચી’જ ધમકી આપે, મારફાડી નહિ કરે..! કોઈ કૂતરાએ બીજા કૂતરાનું ઢીમ ઢાળી દીધું હોય, એવો બનાવ છાપામાં આવ્યો..? લડે ખરા પણ અહિંસક..! ગળાં ફાડીને ભસે ખરા, પણ પાંચ મીનીટમાં વાતનો ભમરડો વાળી દે..! માણસ જેવી છુટ્ટા હાથની મારામારી કરતા નથી. (કૂતરા પાસેથી ઘણું શીખવા જેવું છે યાર..!) માત્ર ધુમાડો જ કાઢે. ભૂલતો ના હોઉં તો એકાદ દેશમાં ‘Dog fighting’ના ખેલ, દર શિયાળામાં થાય છે ને આવા ખેલમાં સટ્ટો પણ રમાય..! આપણે ત્યાં તો જુગારના મામલે મહાભારતમાં બબાલ થયા પછી, સટ્ટાનો ગ્રાફ ઊંચો ગયો નથી. જે કોઈ જુગારી પકડાય છે, એમાં ‘દ્રૌપદી દ્રોહ’જેવું નહિ, બહુ બહુ માત્ર મનોરંજન હોય..! હા, સત્તાના રવાડે ચઢ્યા હશે, બાકી સટ્ટાનાં રવાડે માંડ મળે..!

 આપણે ત્યાં માત્ર માણસ જાત માટે જીમની વ્યવસ્થા છે, કૂતરાઓ માટે નથી. જો કે, છે એટલી જ તંદુરસ્તીમાં કૂતરાઓ માણસની કબજીયાત મિટાવી દેતા હોય તો, જીમના પગ લૂછણિયે પગ ઘસવાનું કામ પણ શું..? અને ધારો કે જીમમાં જાય તો વલે શું કરે..? અને જીમમાં જાય તો કંઈ બાવડાં થોડાં ફુલાવાય..? હોય તો ફુલાવે ને..? ટાંટીયો થોડો ફુલાવાય..? છે એટલી તંદુરસ્તી જ કાફી..!

આજ સુધીમાં મહોલ્લાના એક પણ કૂતરાને મેં પ્રાણીઓના દવાખાનામાં જતાં જોયો નથી. બાકી, જાહેર શૌચાલયની માફક જેમ સ્ત્રી/પુરુષનાં શૌચાલય અલગ હોય એમ, માણસ અને પ્રાણીઓના દવાખાનાની સુવિધા પણ અલગ તો હોય જ છે. સામ્ય એટલું જ કે, માણસના દવાખાનામાં જે કેસ લખાય એમાં બીમાર વ્યક્તિનું નામ અને ઉંમર લખાય, ત્યારે પ્રાણીઓમાં પ્રાણીની જાત લખાય ને નામ એના માલિકનું લખાય. ધારો કે હું મારા કૂતરાને પ્રાણીઓના દવાખાનામાં લઇ ગયો, તો કેસ એવો નીકળે કે, રમેશભાઈ ચાંપાનેરી, પૂંછડામાં સોજો..!

 જે હોય તે, કૂતરાઓ ભલે ભણેલા નથી, બાકી માણસના મૂડને એ ઓળખી તો કાઢે. સામેવાળાના હાવભાવ પરથી જાણી જાય કે, એ હવે કયો દાવ રમવાનો છે? એની ગંધ પણ ઓળખી જાય ને શારીરિક ભાષા પણ સમજી જાય..! ઘણાએ માણસને કૂતરો કહ્યો હશે, પણ કૂતરાને કોઈએ માણસ કહ્યો નથી…! ત્યારે તો એમ કહેવાનું મન થાય કે, ‘તું..તું..તું..! તું..તું તારા..! તારા કરતાં કૂતરાં સારા..! ’

 રતનજીના જ્યારે લગન બંધાવાના, તે સમયની વાત છે. એક વાર એના પણ લગન થયેલા. (એમાં ખીખીખીખી શું કરો છો..? અમુક તો હજી આજે પણ લગન વગર ચલક- ચલાણી રમે છે..! ચૂંધી જ એટલી બધી કે, છોકરી મળે તો ગામ નહિ ગમે, બધું ગમે તો મા-બાપ નહિ ગમે, ક્યાં તો વેવાઈ-વેવાણનાં મેચિંગમાં વાંધા આવે. માંગુ મૂકવા ગયેલા રતનજીને થનાર વાઈફે એવું પૂછેલું કે, “તમે હેન્ડસમ તો છો, પણ આ તમારું નામ સ્વીટ લાગતું નથી. તમારા કરતાં તો ‘ડોગી’નામ સારું લાગે..! મારે પ્રેમથી તમને બોલાવવા હોય તો, ‘રત્ના’કે ‘રત્નું’કહીને બોલાવવાનું..? બીજી વાત, તમે કૂતરા પાળો છો..? આ સવાલમાં રતનજી ભેરવાયો. આ સાંભળીને રતનજીનું મોઢું બાફણા અથાણું જેવું થઇ ગયું.

રતનજીએ નક્કી કરેલું કે, છોકરી ફાવટવાળી છે. ચોગઠું ગોઠવ્યા વગર ઓટલો ઉતરવો નથી..! ૩૩ કરોડ દેવતાને યાદ કરીને કહ્યું કે,’હું કૂતરા એટલે નથી પાળતો કે, એક ઘરમાં બે કૂતરાં રહેતાં હોય તો સારું નહિ લાગે..? બીજું કે, ‘રતનજી હાઉસ’ને બદલે ‘ડોગ-હાઉસ’જેવું લાગે. કૂતરા પાળવાનો શોખ ખરો પણ, હજી સુધી અમે માણસ જ પાળ્યા છે, કૂતરો પાળ્યો નથી, પણ તમારી ઈચ્છા હોય તો એકના ભેગા બે..! કૂતરો પણ પાળીશ ને તમને પણ પાળીશ…! પેલીએ એવી ફિલોસોફી છેડી કે, સાસરામાં એકાદ કૂતરો હોય તો સારું, ધાર્મિક વાઈબ્રેશન મળે.

DOG ને ઊંધો વાંચો તો GOD જ થાય ને..? ’કૂતરાના અવગુણ નહિ જોવાના, ગુણ જોવાના. ભલે ઉઘાડા ફરતાં હોય, પણ કૂતરામાં નાગાઈ કરતા ‘કુતરાઈ’વધારે હોય છે..! ક્યારેક તો માણસાઈ કરતાં પણ કૂતરાની ‘કુતરાઈ ચઢી જાય. એની ફેંકોલોજી સાંભળીને રતનજીના પેટાળમાં એક વાતે તો ટાઢક થઇ કે, ચોગઠું લાઈન ઉપર તો આવ્યું છે. કૂતરો ભલે પળાવે પણ, લગનનો ખેલ ચાલવાનો..! એના કપાળમાં કાંદા ફોડું, રતનજી આજે ચાર-ચાર કૂતરાનો માલિક છે..! કૂતરા એ,સી. માં સૂએ છે ને રતનજી બહાર સૂએ છે, દેશીમાં..!!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top