નવસારી: દક્ષિણ ગુજરાતમાં ભાદરવાનો આકરો આકરો મિજાજ જોવા મળી રહ્યો હોય બફારા– ઉકરાટથી લોકો તોબા તોબા પોકારી ઊઠ્યા હતા ત્યારે સોમવારથી બદલાયેલા વાતાવરણ બાદ આકાશ વાદળોથી ફરી ઘેરાયું છે. દક્ષિણ ગુજરાતમાં કેટલાંક ઠેકાણે ધીમો તો ક્યાંક જોરદાર વરસી રહ્યો છે. સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટો છવાયો ધોધમાર વરસાદ ઝીંકાયો હોવાના અહેવાલો મળી રહ્યા છે જેમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં સાડા ચાર ઈંચ એટલે કે 110 મી.મી. વરસાદ ઝિંકાતા ખેડૂતોના ચહેરા પર ખુશી પાછી આવી છે.
દક્ષિણ ગુજરાતમાં પાછલા એકાદ અઠવાડિયા થી મેઘરાજા રિસાયા હતા. વરસાદ રોકાયા બાદ સૂર્યદેવે તાપમાનનો પારો વધારી દેતાં લોકો અસહ્ય ગરમી અને બફારાથી અકળાયા હતા. જોકે, સોમવારે સાંજથી વાતાવરણ થોડું પલટાયું હતું. દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જ્યારે શહેરોમાં પણ પવન ફૂંકાયો હતો. દરમિયાન આજે સવારથી તમામ જિલ્લા અને તાલુકામાં વત્તાઓછા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ તેમજ સુરત જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસાવતા માર્ગો ભીના થવાની સાથે સાથે પાણી વહી નીકળ્યા હતા તો ક્યાંક માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા હતા. જેમાં સર્વાધિક નવસારીના જલાલપોરમાં 110 મી.મી. અને વલસાડમાં 2 ઈંચ વરસાદ ઝિંકાતા મેઘાવી માહોલ જામ્યો હતો.
પલસાણા, મહુવામાં પોણો ઈંચ વરસાદ પડ્યો
ફલડ વિભાગના સૂત્રોનું માનવામાં આવે તો સુરત જિલ્લામાં પલસાણા પોણો ઇંચ, કામરેજ અડધો ઇંચ. મહુવા પોણો ઇંચ, માંગરોળ 5 મી.મી. અને સુરત સિટીમાં 4 મી.મી. વરસાદ વરસ્યો હતો દરમિયાન આજે સવારે પણ શહેરમાં છૂટો છવાયો વિસ્તારમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે જેમાં સેન્ટ્રલ ઝોન 3 મીમી, વરાછા એ ઝોન 8 મી.મી. વરાછા બી ઝોન 2 મી.મી. વરસાદ વરસ્યો હતો નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો ખેરગામ 1 ઇંચ. ગણદેવી હળવા ઝાપટા, જલાલપોર 110 મી.મી. એટલે કે સાડા ચાર ઈંચ વરસાદ, નવસારી અઢી ઇંચ વરસાદ ઝીંકાયો હતો જ્યારે ચીખલી અને વાંસદામાં વરસાદનો વિરામ જોવા મળ્યો છે.
સાપુતારામાં ઝરમર વરસાદને પગલે વાતાવરણ ખુશનુમા બન્યું
ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારામાં 4 મી.મી. વરસાદ સવારે ઝિકાતા વાતાવરણ આહલાદક બની ગયું હતું. વલસાડ જિલ્લામાં ઉમરગામ પોણો ઇંચ. કપરાડા દોઢ ઇંચ, ધરમપુર પ મી.મી. પારડી પોણો ઇંચ, વલસાડ બે ઇંચ, વાપી એક ઇંચ વરસાદ નોંધાયો હતો તાપી જિલ્લામાં નિઝર તાલુકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હોવાનું ફલડ વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.