એક બહુ શ્રીમંત બિઝનેસમેન એક સ્લમ એરિયામાં સમાજસેવા માટે ગયા હતા અને રસ્તામાં તેમનું પાકીટ પડી ગયું.ઓફીસ પહોંચી ગયા પછી ખબર પડી.તેમના પાકીટમાં ઘણા પૈસા હતા અને તેમના ક્રેડીટ કાર્ડ અને બીઝનેસ કાર્ડ પણ હતા. બિઝનેસમેનના પર્સનલ આસીસ્ટન્ટને આ વાતની ખબર પડી. તેણે તરત કહ્યું, ‘સર, સ્લમ વિસ્તારમાં તમે ગયા હતા ત્યાં પડ્યું હશે તો હવે મને લાગે છે કે મળશે નહિ.આપણે ક્રેડીટ કાર્ડ બંધ કરાવી દઈએ નહિ તો મોટું નુકસાન થઈ શકે.’
અનુભવી બિઝનેસમેન બોલ્યા, ‘બપોર સુધી જોઈએ, પાકીટ કદાચ કોઈને મળે અને તે આપવા આવે કે ફોન આવે.પછી તું કાર્ડ બંધ કરાવજે.’ પર્સનલ આસીસ્ટન્ટને એમ જ હતું કે હવે પાકીટ પાછું નહિ મળે. બપોર સુધી કોઈ ફોન ન આવ્યો, ન કોઈ પાકીટ પાછું આપવા આવ્યું.આસીસ્ટન્ટે બોસને કહ્યું, ‘સર, મને નથી લાગતું કે તમારું પાકીટ જેને પણ મળ્યું હશે તેનો પાછું આપવાનો ઈરાદો હોય.કારણ કે સાંજ પડવા આવી છતાં હજી કોઈનો ફોન નથી આવ્યો અને તમારા પાકીટમાં તો તમારું બીઝનેસ કાર્ડ છે અને તેમાં તમારો પર્સનલ નંબર પણ તો છે.’ ત્યાં જ બિઝનેસમેનના પર્સનલ નંબર પર રીંગ વાગી.કોઈ અજાણ્યો નંબર હતો.તેમણે ફોન ઉપાડ્યો અને સામે એક નાનો છોકરો વાત કરતો હતો. તેણે કહ્યું, ‘અંકલ, તમારું પાકીટ મને મળ્યું છે.તમે અહીં આવીને લઇ જાવ.
તેણે સ્લમ એરિયા જ્યાં સવારે બિઝનેસમેન ગયા હતા તેની નજીકના ચોક પાસેની દુકાનનું નામ આપી ત્યાં આવવા કહ્યું. આસીસ્ટન્ટે કહ્યું, ‘હું જઈને લઇ આવું છું.’બીઝનેસમેન બોલ્યા, ‘ના, હું જોડે આવું છું.’ બંને જણ પેલા છોકરાએ બોલાવ્યા હતા તે દુકાને પહોંચ્યા.છોકરો હાથમાં પાકીટ લઈને ત્યાં જ ઊભો હતો.આસીસ્ટન્ટે કારમાંથી નીચે ઊતરી તરત છોકરાના હાથમાંથી પાકીટ ખેંચી લીધું અને પૈસા અને કાર્ડ ગણવા લાગ્યો.બધું જ બરાબર હતું.બિઝનેસમેને છોકરાને ગાડીમાં પોતાની બાજુમાં બેસાડ્યો અને પ્રેમથી પૂછ્યું, ‘હું તારી ઈમાનદારીથી ખુશ છું. બોલ, તને શું જોઈએ છે?’ છોકરાએ કહ્યું, ‘સર, તમે હું કહું તે આપશો?’આસીસ્ટન્ટે તરત કહ્યું, ‘મને ખબર જ હતી કે આ લોકો લાલચુ હોય.
હવે ઇનામમાં પૈસા માંગશે.’છોકરાએ કહ્યું, ‘સર, મને કંઈ નથી જોઈતું, પણ આ દુકાનવાળા અંકલને તમે બે રૂપિયા આપી દેજો કારણ કે મને બપોરે પાકીટ મળ્યું પછી તમને ફોન કરવા માટે મારી પાસે પૈસા ન હતા. મેં ઘણી જગ્યાએ વિનંતી કરી, પણ મને કોઈએ એક ફોન ન કરવા દીધો.આ અંકલે ફોન કરવા દીધો તેમને પૈસા આપવાના બાકી છે.’ છોકરાનો જવાબ સાંભળી આસીસ્ટન્ટે શરમથી માથું ઝુકાવી દીધું અને બિઝનેસમેને પેલા છોકરાને તેના ઘર વિષે પૂછ્યું.છોકરાએ કહ્યું, ‘તે અનાથ છે.’બિઝનેસમેને છોકરાને પોતાની સાથે આવવા કહ્યું અને બિઝનેસમેને આસીસ્ટન્ટને કહ્યું, ‘ઘણી વાર આપણી સમજ પ્રમાણે અન્ય લોકોને આંકવા ભૂલભરેલું હોય છે.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.