Gujarat

કેજરીવાલ બાદ રાહુલ ગાંધીએ ગુજરાતીઓ માટે ખોલ્યો વચનોનો પેટારો, અમદાવાદમાં કહ્યું..,

અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય બની છે. ત્યારે ગુજરાત કોંગ્રેસને (Congress) મજબૂત કરવા રાહુલ ગાંધી (Rahul Gandhi) ફરી એકવાર ગુજરાતની મુલાકાત આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધી રિવરફ્રન્ટ પર પહોંચી કાર્યકરોનું સંબોધન કર્યું હતું. રિવરફ્ર્ન્ટ પરથી તેમણે કહ્યું કે ગુજરાતના ખુણે ખુણેથી હજારો બબર શેર આજે અહીં આવ્યા છે. તેઓ વિચારધારાની લડાઈ લડી રહ્યાં છે. વધુમાં તેમણે કહ્યું કે 25 વર્ષથી લોકો જે સહન કરે છે તેને હું સમજુ છું. તેમણે કહ્યું કે આ તમારી રાજનૈતિક લડાઈ નથી. રાહુલ ગાંધીએ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપ સરદાર વલ્લભભાઈની મૂર્તિ તો બનાવે છે પણ તેમના વિચારધારાને અનુસરતા નથી. સરદાર પટેલ હંમેશા ખેડૂતોનું હિત ઈચ્છતા હતા. ભાજપ માત્ર સરદારની મૂર્તિ બનાવે છે તો બીજી તરફ તેમનું અપમાન કરે છે.

રાહુલ ગાંધી કહ્યું કે કોંગ્રેસે અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કર્યા છે. અહીં પણ અમે ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું દેવું માફ કરીશું. વધુ કહ્યું કે ગુજરાતીઓ કોરોનાથી રાજ્યમાં 3 લાખ લોકોના મોત થયાં છે તે ભૂલી ન જતાં. શું સરકારે તમને વળતર આપ્યું? તેમણે કહ્યું કે કોંગ્રેસ કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારોને 4 લાખની સહાય કરીશું. આ સિવાય ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો કરીશું 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપીશું તેમજ 10 લાખ યુવાનોને રોજગારી આપીશું. 3000 ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ ખોલીશું. આ સિવાય 300 યુનિટ વીજળી ફ્રી પણ આપીશું.

કોંગ્રેસની મોટી જાહેરાત

  • રાહુલ ગાંધીએ કહ્યું ભાજપ સરદાર પટેલની મૂર્તિ બનાવે છે તો બીજી તરફ તેમનું અપમાન કરે છે
  • તેમણેે કહ્યું અમે ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ કરીશું
  • કોરોના મૃત્યુ પામનાર લોકોને 4 લાખની સહાય કરીશું
  • 3000 ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ ખોલીશું
  • 10 લાખ યુવાનોને રોજગાર આપીશું
  • 300 યુનિટ વીજળી ફ્રી આપીશું
  • ગેસનો બાટલો 500 રૂપિયામાં આપીશું

ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સરદારની નીતિ વિરુદ્ધ કામ કરી છે. કારણ કે સરદાર પટેલે ખેડૂતો વિરુદ્ધ એક શબ્દ નથી કહ્યો જ્યારે ભાજપ ખેડૂતો વિરુદ્ધ 3 કાળા કાયદાઓ લઈને આવી. ભાજપે ખેડૂતોના હક છીનાવ્યાં હતા. જેથી ખેડૂતો સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે. તેમણે સવાલ કરતા કહ્યું કે શું સરદાર પટેલ હોત તો કોનું દેવું માફ કરત, ખેડૂતોનું કે ઉદ્યોગપતિઓનું?

ગુજરાતમાંથી ઝડપાતા ડ્રગ્સ કેસ મામલે પણ રાહુલ ગાંધીએ ભાજપને ઘેરી
રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બન્યું છે. તમામ ડ્રગ્સ મુદ્રા પોર્ટ પરથી જ નીકળે છે, તો કાર્યવાહી કેમ થતી નથી. તેમણે કહ્યું ચૂંટણી નજીક છે હું તમને કહું છું કે તમે લડો ગત વખતની જેમ લડશો તો આ વખતે કોંગ્રેસની સરકાર બનશે.

રાહુલ ગાંધીને સુતરની આંટી પહેરાવી સ્વાગત કર્યું
ભારત જોડો યાત્રાના કાર્યક્રમ પહેલાં રાહુલ બપોરે બે વાગ્યે સાબરમતી આશ્રામની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે પ્રાર્થના સભામાં હાજરી આપી હતી. સુતરની આંટી પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ ગાંધીજીની પ્રતિમાને નમન કર્યા હતાં. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કહ્યું હતું તે ગાંધી આશ્રમથી રાહુલ ગાંધીએ ભારત જોડો આંદોલનની શરૂઆત કરી છે. અને હવે આખા ભારતમાં આ પ્રકારે ભારત જોડો કાર્યક્રમ કરશે.જો કે આ કાર્યક્રમ 11 વાગ્યે શરૂ થવાનો હતો પરંતુ 12 વાગ્યા બાદ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. તમામ રાજ્યના કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા.

રાહુલ ગાંધીએ ભાજપને ઘેરી
રાહુલ ગાંધીએ ભાજપ સરકારને રોજગારી, મોંઘવારી, GST જેવા મુદ્દા પર ઘેરી હતી. તેમણે કહ્યું કેે ઉદ્યોગપતિને તરત જમીન આપી દેવામાં આવે છે. જ્યારે ગરીબો હાથ જોડીને માંગે છે છતાં પણ તેમને જમીન આપવામાં આવતી નથી. ગુજરાતના યુવાઓનું ભવિષ્ય નષ્ટ કરી નાથે છે છતાં કોઈ પગલાં નથી લેતાં. તેમણે કહ્યું કે નાના વેપારીઓને કોઈ મદદ મળતી નથી. GSTથી નુકસાન છે છતાં GST ભરવો પડે છે. GSTથી મોટો 4થી 5 ઉદ્યોગપતિઓને જ ફાયદો થાય છે. એરપોર્ટ, ટેલિકોમ સહિતના તમામ પ્રોજેક્ટ ઉદ્યોગપતિઓ પાસે છે. તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપે 5 વર્ષમાં ગુજરાત માટે કાંઈ નથી કર્યું. ગુજરાતની જનતાને બધું દેખાય છે. તમે લડશો તો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો જીતશે.

Most Popular

To Top