તા. 3.8.22 ના દર્પણપૂર્તિમા ડો. ઉષાબહેન મહેતા, સ્વાતંત્ર્ય સેનાની વિશેનો લેખ વાંચ્યો, જેમાં થોડી વધુ માહિતી આપવા માંગું છું. હું સુરત જિલ્લાની ઓલપાડ તાલુકાની સરસ ગામની હાઇસ્કૂલમાંથી 31.5.99 ના રોજ આચાર્યપદેથી નિવૃત્ત થયો છું. મારો નિવૃત્તિ વિદાય સમારંભ અને ડો. ઉષાબહેન મહેતાનો પદ્મવિભૂષણ એવોર્ડ સન્માન સમારંભ સરસ ગામે એક જ મંચ પર સાથે રાખવામાં આવ્યો હતો. તેમાં ડો. ઉષાબહેન મહેતાએ અમને કરેલી કેટલીક વાતો કહેવા માંગું છું. ડો. ઉષાબહેન મહેતા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના વતની હતાં. કેતન મહેતા ભવની ભવાઇ, મિર્ચ મસાલા, સરદાર જેવી અનેક ફિલ્મના દિગ્દર્શક છે. મિસ્ટર યોગી ટી.વી. સીરીયલ પણ તેમણે બનાવેલી. ઉષાબહેન મહેતાના તેઓ સગા ભત્રીજા છે. ડો. ઉષાબહેન મહેતા યુજીસી દિલ્હીનાં પણ સભ્ય હતાં.
ડો. ઉષાબહેન મહેતા બાળપણથી જ ગાંધીવાદી રંગમાં રંગાયાં હતાં. શરૂઆતમાં નાનાં હતાં ત્યારે ગાંધીજી પાસે ગયાં હતાં. ગાંધીજીએ એમની સાથે જોડાવા માટે બે શરતો મૂકી હતી. પહેલી શરત એ હતી આજીવન ખાદી પહેરવી અને બીજી શરત એ હતી આજીવન કુંવારા રહેવાની. બંને શરત માટે ડો. ઉષાબહેને મંજૂરી આપી. ગાંધીજી સાથે દેશના સ્વાતંત્ર્ય માટેની લડતમાં જોડાયાં.તેઓ 1942 ની હિંદ છોડો ચળવળ વખતે સિક્રેટ રેડિયો સ્ટેશન ચલાવતા હતા. ગાંધીજી, વલ્લભભાઇ અને નહેરુ વગેરેને સિક્રેટ માહિતી આપતા હતા અને દેશને હિંદ છોડો ચળવળની માહિતી આપતા હતા. 80 વર્ષની ઉંમરે તેઓ અવસાન પામ્યાં. મરતે દમ તક તેમણે ગાંધીજીની બંને શરતો પાળી હતી. મુંબઇમાં મણીભુવન નામની ગાંધી સંસ્થાનું નેતૃત્વ વર્ષો સુધી કરેલું. તેમની સ્મૃતિને વંદન.
સુરત – ભગુભાઇ બી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.