લીમખેડા: દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના છાપરવડ ગામની અઢી વર્ષની બાળકીને તેનો કુટુંબી અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી ઝાડી ઝાખરામાં મૃતદેહને ફેંકી નાસી ગયો હતો.આ બનાવમાં લીમખેડા કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવી ફાંસીની સજાનો હુકમ ફરમાવતા લીમખેડા કોટ સંકુલમાં સન્નાટો વ્યાપી ગયો હતો. આ સાથે દાહોદ જિલ્લામાં ફાંસીની સજાનો લીમખેડા કોર્ટનો ઐતિહાસિક પ્રથમ ચુકાદો જાહેર થયો હતો. ચાર વર્ષ પૂર્વે એટલે કે 16મી સપ્ટેમ્બર 2018 ના રોજ સિંગવડ તાલુકાના છાપરવડ ગામમાં અઢી વર્ષની બાળકીને લઈ તેના દાદા ઘર આંગણામાં ખાટલો ઢાળી બેઠા હતા. તે સમયે ગામમાં જ રહેતો કુટુંબી હરેશ ઉર્ફે ભોપત કાંતિભાઈ બારીયાએ આવી અઢી વર્ષની બાળકીને તેના દાદા પાસેથી વેફર ખવડાવવા લઈ જવું છું તેમ કહી બાળકીનું અપહરણ કરી લઈ ગયો હતો. ત્યારબાદ નરપિશાચી વાસના ભૂખ્યા હરેશ બારીયાએ અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી બાળકીના મૃતદેહને નગ્ન અવસ્થામાં છાપરવડના મનસુખ નાથાભાઈ બારીયાના ડાંગરવાળા ખેતરના શેઢામાં ઝાડી ઝાખરા વાળી જગ્યામાં ફેંકી દીધો હતો.
બનાવ સંદર્ભે રણધીકપુર પોલીસે 19 મી સપ્ટે.2018 ના રોજ અત્યંત ધુણાસપદ અને જધન્ય કૃત્ય આચરનાર હરેશ ઉર્ફે ભોપત કાંતિભાઈ બારીયાની ધરપકડ કરી લીધી હતી.પોલીસે બાળકીના મૃતદેહનું પેનલ તબીબોની ટુકડી દ્વારા પોસ્ટમોટમ પ્રક્રિયા હાથ ધરાવી સમગ્ર કેસની ઘનિષ્ઠ તપાસ સાથે સંપૂર્ણ વિગત તથા પુરાવાઓ એકત્ર કરી લીમખેડા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ચકચારી અને અત્યંત હેવાનિયતભર્યો આ કેસ લીમખેડા એડિશનલ સેશન કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ એસ.બી. ચૌહાણની ધારદાર દલીલોને ધ્યાને લઈ એડિશનલ સેશન જજ લીમખેડા ના બી.એસ પરમારે આરોપીને અપહરણ દુષ્કર્મ હત્યા સહિતના ભયંકર ગુનામાં “રેરેસ્ટ ઓફ ડી રેર” કેસ માની તકસીરવાર ઠેરવી ફાંસીની સજાનો હુકમ ફરમાવતા લીમખેડા કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.
રાક્ષસોને પણ શરમ આવે તેવું કૃત્ય આચાર્યુ
છાપરવડના હરેશ ઉર્ફે ભોપત બારીયાએ પોતાની હવસ સંતોષવા માટે કુટુંબની અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. રાક્ષસોને પણ શરમ આવે તેવું જધન્ય કૃત્ય આચરનાર આરોપીને સમાજમાં આવું કૃત્ય કોઈ પણ વ્યક્તિના કરે તેવો દાખલો બેસાડવા માટે મહાઅપરાધની દેહાંત દંડની સજા થાય તે માટે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરવામાં આવી હતી. લીમખેડા કોર્ટે રેરેસ્ટ ઓફ ધી રેર કેસ માની આરોપીને ફાંસીની સજા ફરમાવી છે. (શંકરભાઈ બી.ચૌહાણ મદદ.જિલ્લા સરકારી વકીલ એડિશનલ સેશન્સ કોર્ટ, લીમખેડા)
બાળકીના માતા પિતાને 5 લાખ ચૂકવવા હુકમ
નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ નાલસાની કોમ્પેન્સેશન સ્કીમ 2018 ની જોગવાઈઓ મુજબ ભોગ બનનાર મૃત્યુ પામેલ બાળાના માતા-પિતાને સંયુક્ત તરીકે 5 લાખ રૂપિયા નાલસા પીડિત વળતર યોજના અન્વયે ચૂકવવાનો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને કોર્ટ દ્વારા હુકમ કરાયો હતો.