રિતિક રોશન ‘વિક્રમ વેધા’ના ટીઝરમાં સૈફ અલી ખાન કરતાં વધુ પ્રશંસા મેળવી ગયો છે. તેણે પોતાની સ્ટાઇલ અને સંવાદથી પ્રભાવિત કર્યા છે. ત્રણ વર્ષ પછી રિતિકની કોઇ ફિલ્મ આવી રહી હોવાથી દર્શકોમાં ઉત્સુક્તા છે પરંતુ આ એક રીમેક હોવાથી કેવો આવકાર મળશે એ કહેવું મુશ્કેલ છે. બોલિવૂડ રીમેકથી પીછો છોડાવી શકે એમ લાગતું નથી. બોલિવૂડ દક્ષિણની ફિલ્મો પર આધારિત થઇ ગયું હોવાની ટીકા વચ્ચે આ વધુ એક રીમેક હોવાથી તે અગાઉની આર. માધવન અને વિજય સેતુપતિની 2017 ની તમિલ ફિલ્મ ‘વિક્રમ વેધા’ જેવી બની હશે કે નહીં એવી શંકા રહે છે. કેમકે બંનેએ જબરદસ્ત અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા. સૈફ અને રિતિકની જોડી પણ ધૂમ મચાવી શકે છે.
એક્શન અને સંવાદ દમદાર છે. રિતિકે વિલન ‘વેધા’ ની ભૂમિકાને ન્યાય આપવાનો પૂરો પ્રયત્ન કર્યો હોય એવું દેખાઇ રહ્યું છે. મૂળ ફિલ્મ જોયા પછી એમાંની ‘વેધા’ ની નકારાત્મક ભૂમિકા કરવા તે ઉત્સુક હતો. અગાઉ ‘અગ્નિપથ’ માં પણ તેણે નકારાત્મક ભૂમિકામાં પ્રભાવિત કર્યા હતા. ‘વેધા’ તરીકે તેનો સ્વેગ ખરેખર કમાલનો છે. તેના પુનરાગમન માટે આ મસાલા ફિલ્મ યોગ્ય હોવાનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લે 2019 માં ટાઇગર શ્રોફ સાથે રિતિકે ધમાલ મચાવી દીધી હતી. આ વખતે સૈફ સાથે છે. ટીઝરમાં પોલીસ તરીકે દેખાયેલા સૈફનું પાત્ર હજુ સ્પષ્ટ થયું નથી. આમ તો સારા સામે ખરાબની લડાઇ તરીકે ઓળખાવી છે પણ અંતમાં રિતિકે ‘અચ્છે ઔર બુરે કે બીચ તો ફર્ક કરના આસાન હૈ, લેકિન યહાં તો દોનો હી બુરે હૈ’ સંવાદથી રહસ્ય ઊભું કર્યું છે.
તમિલના નિર્દેશક પુષ્કર- ગાયત્રીએ જ હિન્દી ‘વિક્રમ વેધા’ નું નિર્દેશન કર્યું હોવાથી ન્યાય આપી શકે એમ છે. એમણે અભિનેતાઓને તમિલ ફિલ્મ જેવા જ કપડાં પહેરાવવા સાથે બેકગ્રાઉન્ડ સંગીત પણ બદલ્યું નથી. સોશિયલ મીડિયા પર ટીઝરને મિશ્ર પ્રતિભાવ મળ્યો છે. ખાસ કરીને રીમેક હોવાની બાબતે નારાજગી જોવા મળી રહી છે. સૈફ અને રિતિક જેવા સશક્ત અભિનેતાઓ સાથે કંઇક નવું બનાવવાની જરૂર હોવાનો અભિપ્રાય મળી રહ્યો છે. બોલિવૂડમાં કોઇની પાસે અસલી વાર્તા ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અને રિતિકને આવી ફિલ્મો કરતાં ‘ક્રિશ 4’ બનાવવાની સલાહ આપવામાં આવી છે. આ બાબત રિતિક માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.
નાના પડદે આવતા રિયાલિટી શોમાં દર્શકોને રસ રહ્યો નથી?
શું રોહિત શેટ્ટીનો ‘ખતરોં કે ખિલાડી 12’ લોકપ્રિય થયો ના હોત તો નાના પડદે રિયાલિટી શોના પ્રસારણ પર ખતરો વધી ગયો હોત. ગયા સપ્તાહે ટોપ ટેનમાં સિરિયલો સાથે એકમાત્ર ‘ખતરોં કે ખિલાડી 12’ આવી શક્યો હતો. અમિતાભ બચ્ચનનો ‘કૌન બનેગા કરોડપતિ’ વીસમાં પણ સમાવેશ પામી શક્યો નથી. અને સિરિયલોમાં ‘સ્ટાર પ્લસ’ ની ‘અનુપમા’ ને હજુ સુધી કોઇ ટક્કર આપી શક્યું નથી. પ્રથમ દસમાં ઝી ટીવીની એકમાત્ર ‘ભાગ્ય લક્ષ્મી’ છે. ઝી પર ‘સારેગામાપા લિટલ ચેમ્પ્સ 9’ શરૂ થઇ રહ્યો છે.
જેના જજ તરીકે શંકર મહાદેવન અને અનુ મલિક નક્કી થયા પછી હોસ્ટ તરીકે કોમેડીયન ભારતી સિંઘની પસંદગી થઇ છે. ભારતીએ ઘણા રિયાલીટી શોનું સંચાલન કર્યું છે પણ ઝી ટીવી પર પ્રથમ વખત આવશે. અને ગયા વર્ષે માતા બનેલી ભારતી પહેલી વખત બાળકો માટેના કોઇ શોનું સંચાલન કરશે. ‘અનુપમા’ નું રેટિંગ પહેલી વખત થોડું ઘટ્યું છે પણ વાર્તામાં એવા વળાંક આવે છે કે કલાકારો બદલાય તો પણ તેની રેટિંગ પર ખાસ કોઇ અસર થતી નથી અને પ્રથમ નંબર પર જ રહે છે. એમાંથી સમીર એટલે કે પારસ કમલાવત નીકળીને ‘ઝલક દીખલા જા 10’ માં ગયો છે.
અને ‘બિગ બોસ 16’ માં પણ તેની પસંદગી થઇ રહી છે. સલમાનનો ‘બિગ બોસ’ બહુ સફળ રહેતો નથી. આ વખતે તે શોનું સંચાલન કરશે કે કેમ એ અંગે શંકા છે. પણ તેમાં કામ કરતા કલાકારોને કોઇને કોઇ શોમાં કામ મળી રહે છે. ‘બિગ બોસ 12’ ની સ્પર્ધક અભિનેત્રી સૃષ્ટિ રોડેને ‘ધ કપિલ શર્મા શો’ ની 10 સપ્ટેમ્બરથી શરૂ થતી સીઝનમાં કામ મળી ગયું છે. જૂની ટીમના કૃષ્ણા અભિષેક સિવાય કિકૂ, સુમોના, ચંદન વગેરે ફરી દેખાવાના છે. એક સમય પર પ્રથમ ત્રણમાં રહેતી ‘ઇમલી’ ની લોકપ્રિયતા ઘટી રહી છે. ગયા સપ્તાહે તે ચોથા સ્થાન પર હતી. એમાં ‘આદિત્ય’ ની ભૂમિકા ભજવનાર ગશ્મીર મહાજનીએ વાર્તા ખેંચવામાં આવી રહી હોવાથી નીકળી ગયો હોવાનું સ્પષ્ટ કહ્યું છે. ટોપ ટેનમાં આવેલ અન્ય એક લોકપ્રિય સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ માંથી સચિન શ્રોફ નીકળી ગયો છે. તેનું કહેવું છે કે શરૂઆતમાં કામ કરવામાં મજા આવી હતી. પરંતુ પાછળથી તેના ‘રાજવીર’ ના પાત્રને યોગ્ય રીતે રજૂ કરવામાં આવતું ન હોવાથી છોડી દીધી હતી. તેના પછી રૂપા દાવતિયા પણ નીકળી ગઇ છે.