Business

અનેક સમસ્યાઓથી ઘેરાયેલા વિશ્વમાં ભારતની પરિસ્થિતિ સાપેક્ષ રીતે જોતા કંઇક સારી કહી શકાય!

વિશ્વની આર્થિક પરિસ્થિતિ અતિ ગતિશીલ (ડાયનેમિક) અને ચંચળ (વોલેટાઇલ) છે, તેની સામેની અનિશ્ચિતતાઓ અને જોખમો કદાચ બદલાતા રહે છે એટલું જ. ફરી એક વાર ફેડરલ રિઝર્વ વ્યાજના દર બાબતે આક્રમ વલણ અપનાવશે એવો સંકેત તેના અધ્યક્ષ જેરોમ પોવેલે આપ્યો છે. આવતા વરસ સુધીમાં વ્યાજના દર વધીને 3.75થી 4 ટકા જેટલા થઇ શકે. ભાવ વધારાને મર્યાદિત કરવા માટે હળવી મોનેટરી પોલીસી અપનાવવાનું હાલ શકય નથી. એને પરિણામે અમેરિકન અર્થતંત્ર નબળું પડે અને બેરોજગારી વધે તો પણ ભાવ વધારા સામેની લડત ધીમીપાડી શકાય તેમ નથી.

ફેડના વાર્ષિક આર્થિક પરિસંવાદમાં પોવેલે એ સ્પષ્ટતા કરી છે કે ભાવો ઘટશે નહીં તો તેનાથી સર્જાતી સમસ્યા (વ્યાજના દરના વધારાની સમસ્યા) વધારે પીડાકારક હશે. આ સંજોગોમાં અમેરિકા કયારે પણ મંદીમાં સપડાઇ શકે. ફેડ અધ્યક્ષના આ નિવેદનને પગલે સ્ટોક માર્કેટ તૂટયા છે, તો બોંડ પરના યીલ્ડના દર વધ્યા છે. યુરોપની પરિસ્થિતિ પણ હીટવેવને કારણે સારી નથી. અમેરિકામાં જૂન કવાર્ટરમાં સતત બીજા કવાર્ટર માટે અર્થતંત્ર સંકોચાયુ છે (0.6 ટકા) તો પણ ત્યાં રોજગારીનું ચિત્ર સારું છે.

નવી રોજગારી ઉભી થતી જાય છે અને બેકારી માટે ભથ્થુ કલેઇમ કરવાવાળાનો આંકડો ઘટતો જાય છે એટલે ત્યાં હાલ મંદી નહીં હોવાનું કે તે મંદીના આરે હોવાનો પણ અર્થશાસ્ત્રીઓ ઇન્કાર કરે છે. સ્પેઇન, પોર્ટુગલ, ફ્રાંસ અને ઇટલીની વણસતી દુષ્કાળની પરિસ્થિતિ 500 વરસની સૌથી ખરાબ થઇ શકે તેમ છે. આ દુષ્કાળને કારણે વિશ્વના મોટા મોટા અર્થતંત્રોમાં પાકને, ઉદ્યોગોને અને વીજળીના ઉત્પાદન ક્ષેત્રે મોટું નુકસાન થઇ રહ્યું છે. આને કારણે પેન્ડેમિક અને રશિયા-યુક્રેન યુધ્ધથી દબાણ હેઠળ આવેલ સપ્લાય ચેઇન વધુ નબળી બની શકે.

અમેરિકામાં રૂ (કોટન)ના અને યુરોપમાં ઓલિવ-ઓઇલના ઉત્પાદનમાં મોટા ઘટાડાનો અંદાજ છે. સેન્ટ્રલ અને સાઉથ વેસ્ટ ચીન (દેશના અનાજના ઉત્પાદનમાં 25 ટકા હિસ્સો છે) પણ દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગે પણ દુષ્કાળની પરિસ્થિતિ સર્જવામાં મોટો ભાગ ભજવ્યો છે. કોરોનાને કારણે યુ.કે.ના આર્થિક વિકાસના દરમાં 2020મા 11 ટકાનો ઘટાડો નોંધાયો હતો જે છેલ્લા ત્રણસોથી વધુ વરસનો (1709 પછીનો) સૌથી મોટો હતો. આ ઘટાડો વિશ્વના મુખ્ય અર્થતંત્રોમા સૌથી મોટો હતો. રશિયા-યુક્રેન યુધ્ધ અને ગેસના વધતા ભાવોથી યુરોપ પણ મંદીમાં સપડાઇ શકે.

વ્યાજના દર બાબતે અમેરિકા વધુ આક્રમક બનશે એ સંભાવના વધતા ડોલર મજબૂત બન્યો. એ કારણે વિશ્વ બજારમાં ડોલર સામે યુરો બે દાયકાની નીચી સપાટીએ ઉતરી ગયો હતો. આપણા દેશોમાં પણ પ્રથમ વાર ડોલર કરતા યુરો સસ્તો થયો છે.
યુરોપનો લગભગ બે તૃતીયાંશ પ્રદેશ દુષ્કાળ અને મંદીનો સામનો કરી રહ્યા હોય એટલે યુરોપની આયાતો અને એકમ દીઠ ખેત ઉત્પાદન (પ્રોડકટીવીટી) પણ ઘટશે.

માર્ચ કવાર્ટરમાં વિશ્વ વેપારનો દર ધીમો પડયો હતો. (આગલા કવાર્ટરના 5.7 ટકામાંથી 3.2 ટકા). જૂન અને તેના પછીના કવાર્ટરમાં વિશ્વ વેપારનો દર સ્થિર રહી શકે. એ સ્થિર રહી શકવાનું મુખ્ય કારણ એ છે કે રશિયા-યુક્રેન યુધ્ધને કારણે થઇ શકનારૂ નુકસાન ચીનમાં લોકડાઉન હળવા થવાને કારણે સરભર થઇ શકે. તો પણ ભાવ વધારાને રોકવા યુરોપિયન સેન્ટ્રલ બેંક (ઇસીબી) જૂલાઇ મહિને વ્યાજના દર (50 બેસીસ પોઇન્ટ) વધાર્યા પછી આવતે મહિને ફરી એક વાર વ્યાજના દર વધારશે એ લગભગ નિશ્ચિત છે. 19 દેશના સમૂહ યુરો ઝોનમાં સપ્ટેમ્બર અને ડિસેમ્બર કાવર્ટરમાં આર્થિક વિકાસનો દર નજીવો ઘટશે.

જૂન કવાર્ટરના જીડીપીના સરકારી આંકડા આ અઠવાડિયે (ઓગસ્ટ 31) બહાર પડશે. અર્થશાસ્ત્રીઓ આ કવાર્ટરના આર્થિક વિકાસનો દર ડબલ ડીજીટમાં હોવાનું અનુમાન કરે છે. તે માટેના બે કારણો છે: 1. જૂન 2021 કવાર્ટરનો આર્થિક વિકાસનો નીચો દર (લો બેઇઝ) અને 2. સેવાના ક્ષેત્રમાં જોવાયેલ ઝડપી રીકવરી. આ ડબલ ડીજીટના દર પછી પણ અગાઉના કવાર્ટરની સરખામણીએ વિકાસનો દર આ કવાર્ટરમાં ઘટવાની ધારણા છે. જો કે અગાઉના ફીસ્કલ વરસના છેલ્લા કવાર્ટરની સરખામણીએ તેના પછીના ફીસ્કલ વરસના પહેલા કવાર્ટર માટે જીડીપીનો ઘટાડો એક વિશિષ્ટ ઘટના છે. એટલે તે અપેક્ષિત પણ છે. ચીજવસ્તુઓના ઉંચા ભાવોએ અને ઉનાળાની કાળઝાળ ગરમીએ ખાનગી વપરાશ ખર્ચપર બ્રેક પણ લગાવી હોય.

ચીજવસ્તુઓના ભાવોનાં ઘટાડાની થયેલી શરૂઆત જો આવતા થોડા મહિનાઓમાં ચાલુ રહે તો ભાવ વધારો ઓછો થાય અને કંપનીઓના માર્જીન (નફા) પરનું દબાણ હળવું થાય. એ સંજોગોમાં માંગ વધે તો આર્થિક વિકાસનો દરપણ વધે.
રિઝર્વ બેંકે જૂન કવાર્ટરમાં 16.2 ટકાના આર્થિક વિકાસનો દર (ચાલુ ભાવે) અંદાજયો છે. તો પણ આપણા જૂન કવાર્ટર અને ફીસ્કલ 23ના આર્થિક વિકાસના દર સામેના કેટલાક જોખમોની નોંધ લેવી પડે. 1. રશિયા-યુક્રેન યુધ્ધ નજીકના ભવિષ્યમાં કેવો ટર્ન લે છે, 2. હિટવેવ અને પૂરને કારણે આપણા ઘંઉ-ચોખા જેવા પાક અને સમગ્ર કૃષિ ક્ષેત્રના વિકાસના દર પર પડનારી અસર 3. વધતા જતા વ્યાજના દર અને ભાવ વધારો અને તેની મૂડી રોકાણ પર અને કંપનીઓના માર્જીન પર પડનારી અસર તેમા મુખ્ય ગણાય.

વળી વિશ્વના આર્થિક વિકાસનો દર ધીમો પડી રહ્યો છે. યુરો ઝોન અને અમેરિકા મંદીમા સપડાવાની પૂરી શકયતા છે એટલે આપણી નિકાસો ધીમી પડે, અને આર્થિક વિકાસનો દર પણ. તેમ છતાય ફીસ્કલ 23મા ભારત વિશ્વના મોટા અર્થતંત્રોમાં સૌથી ઝડપી વિકાસનો દર નોંધાવવાનો વિક્રમ સ્થાપશે. એવો અનેક કન્સલ્ટન્ટો, અર્થશાસ્ત્રીઓ અને વિશ્વ સ્તરની સંસ્થાઓ અને ક્રેડિટ રેટીંગ એજન્સીઓનો મત છે.

રતના અર્થતંત્રનો ઝડપી વિકાસ, અનેક અવરોધો વચ્ચે પણ લગભગ નિશ્ચિત હોય તો ભાવ વધારાપર ધ્યાન કેન્દ્રિત કરવાનો રિઝર્વ બેંકનો માર્ગ મોકળો બને. એટલે કમસે કમ ટૂંકા ગાળામાં વ્યાજના દરનો વધારો ચાલુ રહેવાનું પણ નિશ્ચિત માની શકાય. ચાલુ મહિનાની મોનેટરી પોલિસી કમિટીની મિનિટ્‌સ રિઝર્વ બેંક વ્યાજના દરના ઝડપી વધારાની તરફેણમાં હોવાનો સ્પષ્ટ અણસાર આપે છે. મેક્રો ઇકોનોમિક સ્ટેબીલીટી માટે (ખાસ કરીને ભાવ વધારાને કંટ્રોલ કરવા માટે) રિઝર્વ બેંક ‘જે પણ પગલા લેવા પડે’ તે લેવા માટે તૈયાર છે એવું આ મિનિટસ સ્પષ્ટપણે દર્શાવે છે.

ગ્લોબલ રેટીંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરના મતે તો ભારતના અર્થતંત્રની અંતર્ગત ક્ષમતા અને મજબૂતાઇને કારણે વૈશ્વિક બજારમા પ્રવર્તતા ચીજવસ્તુઓના ઉંચા ભાવો કે મજબૂત ડોલર ભારતના અર્થતંત્ર માટે ખાસ મોટું જોખમ પણ ન ગણાય. ભારતનું દેવું વિદેશી દેવું અને વ્યાજની ચૂકવણીનો બોજ ઉંચો હોવા છતાં અંદાજાઇ રહેલ ઝડપી આર્થિક વિકાસને કારણે આ પરિસ્થિતિ વધારે ખરાબ નહીં થાય. એજન્સીના મતે 570 બિલ્યન ડોલરનું વિદેશી હૂંડિયામણ ભારતને વિપરિત સંજોગોમાં મુશ્કેલીઓમાંથી બહાર આવવાનું બળ પૂરૂ પાડશે. સાપેક્ષ રીતે જોઇએ તો રૂપિયો ડોલર સામે નબળો પડયા પછી પણ અન્ય ઇમર્જીંગ દેશોની સરખામણીએ રૂપિયા ડોલર સામે મજબૂત રીતે ટકી રહ્યો છે.

અમેરિકાએ અને વિશ્વના અનેક દેશોએ વ્યાજના દર સતત વધાર્યે રાખ્યા પછી (હજી પણ તે વધતા રહે તેવા સ્પષ્ટ સંકેતો મળે છે) પણ વિદેશી પોર્ટફોલીઓ મૂડીનો ઇન્ફલો ફરી ચાલુ થયો છે (ઓગસ્ટ મહિને 44500 કરોડ રૂપિયા કે 5.5 બિલ્યન ડોલર).
ખાદ્ય ચીજોનો ભાવ વધારો જુલાઇમા થોડો ઘટયો છે. જો કે ચોખા અને ઘઉંના ભાવોનું વલણ આથી વિપરિત છે. જુલાઇ મહિને ઘઉંના છૂટક ભાવો 12 ટકા જેટલા ઉંચા હતા. માર્ચ મહિનાના હીટવેવને કારણે ઘઉંનું ઉત્પાદન ઘટશે. ચોખાના ભાવો ઘઉં જેટલા ન વધ્યા હોય તો પણ ડાંગરના વાવેતર વિસ્તારમાં ચાલુ ખરીફ સિઝનમાં ગયા વરસની સરખામણીએ 31 લાખ હેકટરનો ઘટાડો થયો છે.

(નોર્મલ ડાંગરના એકરેજની સરખામણીએ આ ઘટાડો 53 લાખ હેકટરનો છે). ઉભો ડાંગરનો પાક એક વિશિષ્ટ રોગથી સંક્રમિત થવાથી ચાલુ વરસે ડાંગરના ઉત્પાદનમાં 15 થી 20 ટકાનો ઘટાડો થઇ શકે. આવા જ હીટવેવને કારણે મુખ્ય ધાન્યના વૈશ્વિક પૂરવઠાને પણ માઠી અસર થશે. યુરોપના 500 વરસના સૌથી કપરા દુષ્કાળની પાકના પૂરવઠા પરની અસર ચિંતા પ્રેરક છે. ઇયુના ફોરકાસ્ટ પ્રમાણે ખાદ્ય તેલનું ઉત્પાદન પણ 8-10 ટકા જેટલું ઘટશે. ચીન ને અમેરિકાના હીટવેવ અને દુષ્કાળની પણ અનાજના વૈશ્વિક પૂરઠા પર અસર પડશે. બ્રાઝિલ પણ આમા અપવાદ નથી. મોટા ભાગના મોટા ઉત્પાદક દેશોની આ સ્થિતિમાં અનાજ, ખાદ્ય તેલ અને અન્ય ખાદ્ય પદાર્થની વૈશ્વિક સ્તરે અછત ઉભી થવાની શકયતા પ્રબળ બનતી જાય છે. પરિણામે ખાદ્ય ચીજોનો અને ઓવરઓલ ભાવ વધારો પણ કાબૂ બહાર જઇ શકે. આપણે ત્યાં અનાજની અછત ઉભી થાય તો આપણા સમગ્ર અર્થતંત્ર પર કેવી ગંભીર અસર પડે તેની કલ્પના થઇ શકે તેમ નથી. ફૂડ સિકયુરીટી એ આપણી સહી સલામતી છે. એ વિષે નચિંત રહેવું આપણને પાલવે તેમ નથી.
– જીતેન્દ્ર સંઘવી

Most Popular

To Top