તા. ૨૫ મી ઓગસ્ટનું ‘ધાર્મિક સરઘસોવાળા ટ્રાફિક જામ કરે તે કેમ ચાલે’ મથાળા હેઠળનું જે.બી. રાઇડરનું ચર્ચાપત્ર વાચ્યું! લગભગ એમના જેવો જ અનુભવ મને પણ થયો! વિસ્તાર જુદો હતો! ઋષભ ચાર રસ્તાથી અડાજણ પાટિયા તરફ! ૨૩ ઓગસ્ટના રોજ રાત્રે ૯ કલાકે ગણપતિયાત્રામાં હું આ વિસ્તારમાં લગભગ ૩૦ મિનિટ ફસાયો! વિચાર એ આવ્યો કે નવયુગ કોલેજથી અડાજણ પાટિયા સુધી મોટી મોટી ૩ થી ૪ હોસ્પિટલો આવેલી છે. કોક એમ્બ્યુલન્સ આ સરઘસના ટ્રાફિકમાં ફસાઇ હોત તો શું થાત? શહેરના કોટ વિસ્તારમાં હિંદુ મિલન મંદિરની આસપાસના વિસ્તારમાં મોટા પાયે ગણપતિ બનાવવાનો ઉદ્યોગ ચાલે છે. અહીં જયારે ગણપતિ લેવા આવે છે ત્યારે ઢોલ – નગારા એટલી હદે અવાજનું પ્રદૂષણ ફેલાવે છે કે તમે રાતે સૂઇ પણ ના શકો! એક જ મહોલ્લામાં ૨ થી ૩ પંડાળો, જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણરૂપ પંડાળો શું આ યોગ્ય છે? ગણેશ ચતુર્થીના ૧૦ દિવસ પહેલાં પંડાળો બંધાય અને ૧૦ દિવસ પછી છૂટે. આનાથી જનતાને કેટલી હાલાકી પડતી હશે? તહેવારો અવશ્ય ઉજવો, આનંદ-ઉલ્લાસથી ઉજવો પણ ઉન્માદથી નહીં! અને હા, સામાન્ય માણસને હાલાકી પડે એ રીતે તો ઉજવવા યોગ્ય નથી જ!
સુરત – ભાર્ગવ પંડયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પંડાળોની હાલાકી
By
Posted on