Columns

એ ઝીરો … શૂન્ય, એ અંકશાસ્ત્રનો હીરો

મનોજકુમારની ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’ના એક ગીતમાં જ્યારે ભારતકુમારે ‘જબ ઝીરો દિયા મેરે ભારતને તબ દુનિયાકો ગીનતી આઈ’ ગાયું ત્યારે જ લો બોલો અમને અને તમને ખબર પડી કે ઝીરો આપણી સંસ્કૃતિની શોધ છે. અરે ભાઈ, આદમ-ઇવના પહેલા બાળકે પણ પહેલી વાર જ્યારે ભીની માટીમાં નાની ડાળખીથી કંઈ લખવાનો પ્રયત્ન કર્યો હશે ત્યારે જમીનમાં આડુંઅવળું પણ મીડું જ બન્યું હશે. કાયનાતમાં પણ માત્ર સૂરજ જ નહિ આપણી પૃથ્વી અને બીજા ગ્રહો જ્યારે ઉદભવ્યા હશે ત્યારના બધા ગોળ જ છે, ઇતિસિદ્ધમ કે ઝીરો એટલું જૂનું છે. આમ તો ઝીરો શબ્દ લેટિન વર્ડ ‘સીફર’ ઉપરથી આવ્યો છે જે ઇંગ્લીશમાં અપભ્રંશ થઈને ‘ઝીરો’ થઇ ગયો.

એકલા ઝીરોની આમ જુઓ તો કોઈ જ વેલ્યુ નથી અને કદાચ એટલે જ તેને શૂન્ય, મીંડું, ઇન્ડુ, ડક કે અવકાશ કહેવાતું હશે. USA અંગ્રેજીમાં તે ‘નાટ’(Naught) અને ઇંગ્લેન્ડ ઈંગ્લીશમાં તે નોટ (Nought) તરીકે ઓળખાય છે. જો તેની આગળ 1 થી માંડી 9 જે દસ, હજાર, લાખ કે કરોડ જેવા આંકડા મૂકવામાં આવે તો બનતા ફિગર મુજબ તે મોદીજીની લોકપ્રિયતા જેવી કીમતી થઇ જાય છે. શૂન્યની પાછળ જો બીજા 1 થી 9 અંક મૂકીએ તો તેની કિંમત મમતા દીદી જેવી જેતે અંક જેટલી જ થઈને રહે છે. આવા પાછળ અંકવાળા ફિગરમાં જો ઝીરોની આગળ પોઈન્ટ એટલે કે દશાંશ મૂકીએ તો તેની વેલ્યુ ઘટીને પોલિટિક્સના જે લેવલે રાહુલ ગાંધી છે તેના જેવી દસમા ભાગની થઇ જાય છે.

આપણા ભારતમાં સહુથી પહેલો ઝીરોનો નિર્દેશ બીજી- ત્રીજી સદીના સંસ્કૃત સ્કોલર પીંગળાએ કરેલો અને તેણે સંસ્કૃત નામ શૂન્ય આપ્યું. એક દસ્તાવેજ પ્રમાણે પાંચમી સદીમાં ગુપ્તા કાળ દરમ્યાન બનેલા જૂના મેન્યુસ્ક્રીપ્ટમાં ઝીરોનો ઉપયોગ એક ટપકા તરીકે થયો હતો. જો કે ‘સમય’ મહા શક્તિમાન છે. તેનામાં ઝીરોને હીરો અને હીરોને ઝીરો બનાવવાની એનર્જી છે. કેજરીવાલ જેવા તે સમયના ઝીરો રાજકારણી જેમણે વારાણસીમાં પહેલા સંસદ ઇલેકશનમાં મોદીજી સામે ડીપોઝીટ પણ ગુમાવેલી પણ તેમને હીરો થતા વાર ના લાગી. તેમની ઝીરો કમ ફ્રી વીજળી બિલની રાજનીતિથી તે દિલ્હીમાં એક વાર નહિ પણ બે વાર મુખ્ય પ્રધાન બન્યા અને પંજાબમાં પણ તેમની પાર્ટીને જીતાડીને હીરો બની ગયા.

જો તમારી આજુબાજુ મનની પાંખો અને તનની આંખો પટપટાવીને જોશો તો કેટલાય એવા પાડોશી, સગાંવહાલાં કે મિત્રો નજરે પડશે કે જેમનું નસીબનું ચક્ર ફરે ત્યારે જે પહેલા ઝીરો લાગતા હતા તે આજે હીરો બની ગયા હશે. કેટલાય સાયગલ, ભારતભૂષણ, કપૂર, ખાન્સ અને કુમાર જેવા સફળ હીરો કે સુપરસ્ટારો કાળક્રમે ઝીરો બનીને જમીનની નીચે દટાઈ ગયા કે રાખ બનીને નદીઓમાં વહી ગયા હશે. શાહરૂખે એક ‘ઝીરો’ ફિલ્મમાં ડબલ રોલવાળી હીરોગીરી કરેલી. ટેસ્ટ મેચના બંને દાવમાં ‘ઝીરો’એ બેટ્સમેન આઉટ થાય તો તેને ‘ગોલ્ડન ડક’ કહેવાય છે.

આ ‘ઝીરો’ ફિલ્મમાં શાહરૂખના ન્યુમરીકલી બે રોલ હતા પણ ફિઝિકલી દોઢ રોલ હતા. પહેલી વાર આ ઝીરો હીરો એક વનપીસ અને બીજો સેમી ઝીરો હીરો કટપીસ એટલે કે ઠીંગણો હતો. દોઢ હીરોની આ દોઢ ‘ઝીરો’ ફિલ્મ જોવા દોઢ પ્રેક્ષકો પણ નહોતા આવ્યા. પત્નીએ તો પતિને આ ફિલ્મ જોવા સાથ આપવાની ના પાડી પણ તેમના 5 વરસના સમયે પણ ઘરે રહીને ‘પાવ પેટ્રોલ’ કાર્ટૂન જોવાનું પસંદ કર્યું. દુનિયામાં ભલે ઝીરોને અંકશાસ્ત્રના ગણપતિ કહેવાતા હશે પણ આપણા બોલીવુડમાં એક્ટિંગ શાસ્ત્રનો કહેવાતો કિંગખાન બે હાથ પાછળની બાજુ હવામાં પહોળા કરીને ‘ક ક ક ક…’ સ્ટેમર કરતા સ્ટાર તો બની ગયો પણ હવે પાછો ‘ઝીરો’ બનીને તે ફ્લોપ થઈ રહ્યો છે.

હોલીવુડમાં તો 7ની આગળ 2 ઝીરો મૂકીને 007, ‘આઈ એમ બોન્ડ, જેમ્સ બોન્ડ’ જેવા ઓળખસંવાદથી એક સફળ બોન્ડ સિનેમા ફ્રેન્ચાઈઝ બની ગયું હતું અને આજે પણ છે. આ ‘બોન્ડ’ બ્રાન્ડીંગની બધી 25 ફિલ્મો સફળ રહી છે. દરેકે વર્લ્ડવાઈડ 25 ગણો નફો કર્યો. જો કે સમયની સાથે તેનું પોત પાતળું થઇ ગયું છે. તેની 1962થી શરૂ થયેલી બોન્ડ યાત્રામાં શરૂઆતના 17 વરસની બધી ફિલ્મોમાં ક્લાસિક હીરો ‘સોન કેનેરી’ હતો. તેની અદા-છટા, સ્ક્રીન પ્રેઝન્સ, ફાઈટીંગ સ્કીલ, ડાયલોગ ડીલીવરી, હીરોઇન્સ સાથેની કેમેસ્ટ્રી અને સેન્સ ઓફ હ્યુમર જેવો પ્રભાવ છેલ્લી 10 ફિલ્મોના બદલાયેલા કોપીકેટ (નકલબિલાડા) હીરાઓ જેવા કે ડેવિડ નીવેન, જ્યોર્જ લેઝેન્બી, રોજર મુરે, ટીમોથી ડાલ્ટન, પિયર્સ બ્રોન્સન અને લાસ્ટ મુગલ જેવો ડેનીઅલ ક્રેગ ના પાડી શક્યા. તે બધા ના પોપ્યુલર થયા ના મેમોરેબલ.

આજના કોમ્પ્યુટર અને ડિજિટલ યુગમાં શૂન્ય એ કેન્દ્ર છે. પહેલાંના ટાઈપરાઈટરમાં શબ્દ ‘ઓ’ અને ‘મીંડું’ માટે જુદી કી નહોતી. આજના કોમ્પ્યુટરના કી બોર્ડમાં બંને માટે જુદા બટન છે. જેમાં ‘ઓ-O’ ગોળ હોય છે અને ‘ઝીરો-0’ લંબગોળ હોય છે. બંને એકબીજાની ઉપર-નીચે પાડોશી હોવાથી ઘણી વાર ઇન્ડેક્સ ફીંગરથી ‘ઓ-૦’ ની જગ્યાએ ‘ઝીરો-0’ પ્રિન્ટ થાય છે. ઝીરો બહુઅર્થી, બહુ વર્થી અને બહુઆયામી છે. કરીના કપૂર માટે આ ઝીરો ફિગર છે. કોઈ ઘટનાના રીપોર્ટિંગ માટે મીડીઆમાં આ ઝીરો ‘ગ્રાઉન્ડ લેવલ’ છે.

સંપૂર્ણ નિષ્ફળતા માટે આ ઝીરો ‘ઓળખ’ છે. ગગનચુંબી સફળતા માટે આ ઝીરો ‘પ્રથમ પગથિયું’ છે. અંકશાસ્ત્ર માટે આ ઝીરો પ્રથમ ફૂટપ્રિન્ટ છે. રંક માટે હકીકત છે તો તવંગર માટે ‘હિસ્ટ્રી’ છે. લીડર વગરની ટીમ તે એકડા વગરના ‘મીંડાં’ છે. રિલાયન્સનો ગ્રોથ એ શૂન્યમાંથી સર્જન છે. માનવસર્જનનો અંશ ઓવમ એ ઝીરો ‘અસ્તિત્વ’ છે. વાહનનું ગોળ વ્હીલ એ ઝીરો આકારની સ્થિરતા પણ છે અને ગતિ પણ છે. ભૂમિતિમાં ઝીરો એક ‘આકાર’ છે. હોમ બેટ્સમેન માટે ગેસ્ટ બોલરથી ઝીરોમાં આઉટ થવું ‘નામોશી’ છે તો બોલર માટે હોમક્રાઉડની ‘ખામોશી’ છે. મહાભારતમાં દ્રૌપદીના દુર્યોધન વડે થતા વસ્ત્રાહરણ વખતે ક્ષમતા હોવા છતાં મૂક સાક્ષી બનવું તે ભીષ્મની ‘ઝીરોગીરી’ હતી તો ભગવાન કૃષ્ણનો હોલસેલમાં દ્રૌપદીને કરાતો સાડી સપ્લાય એ હીરોગીરી હતી. કોઈ પણ કાઉન્ટડાઉનમાં ઝીરો એ ‘મંઝિલ’ છે. અવકાશ મોટું શૂન્ય છે.

Most Popular

To Top