અક્ષયકુમાર અને આમિર ખાન માટે શરમની વાત રહી છે કે બોલિવુડના સુપરસ્ટાર ગણાતા બંનેની ફિલ્મોને દક્ષિણના નિખિલની હિન્દીમાં પણ ડબ થયેલી અને કોઇ પણ પ્રચાર વગર રજૂ થયેલી શ્રીકૃષ્ણ પરની તેલુગુ ફિલ્મ ‘કાર્તિકેય 2’ ટક્કર આપી રહી છે. આમિર હજુ ‘લાલસિંહ ચઢ્ઢા’ માટે કોઇ OTT પ્લેટફોર્મ સાથે સોદો પાર પાડી શક્યો નથી. ખબર એવી છે કે હવે તેની ગણતરી કરતાં અડધી જ કિંમત ડિજિટલ રાઇટસની મળી રહી છે. અક્ષયકુમારે તો આ વર્ષની સતત ત્રીજી ફિલ્મ નિષ્ફળ રહેતાં એની જવાબદારી લીધી છે અને પોતાની ભૂલ સ્વીકારી છે.
તે હવે એ સમજવાનો પ્રયત્ન કરશે કે દર્શકોને શું જોઇએ છે. અક્ષયકુમારની ‘રક્ષાબંધન’ અને આમિરની ‘લાલસિંહ ચઢ્ઢા’ ના શો સતત ઓછા થતા ગયા જ્યારે ‘કાર્તિકેય 2’ ના વધતા જ રહ્યા છે. પહેલા દિવસે માત્ર 50 સ્ક્રીન પર રજૂ થયેલી આ ફિલ્મ બીજા સપ્તાહે 1000 થી વધુ સ્ક્રીન પર ચાલી રહી હતી. તેથી પહેલા સપ્તાહે કુલ રૂ.33.50 કરોડ મેળવનારી ‘કાર્તિકેય 2’ ના હિન્દી વર્શનને પહેલા વીક એન્ડમાં રૂ.6 કરોડ અને બીજા વીકએન્ડમાં રૂ.10 કરોડની કમાણી થઇ છે. એની સામે અક્ષયકુમાર અને આમિર બંનેની ફિલ્મોની કમાણી ઓછી રહી છે.
ત્યારે બોલિવૂડની વધુ એક ફિલ્મને દર્શકોએ નકારી કાઢી છે. તાપસી પન્નુની થિયેટરમાં રજૂ થયેલી રૂ.30 કરોડની ફિલ્મ ‘દોબારા’ (૨ વખત ૧૨) ને પહેલા વીકએન્ડમાં રૂ.3 કરોડની પણ આવક થઇ નથી. એ પરથી ખ્યાલ આવશે કે તેને બોયકોટની અસર થઇ છે પરંતુ સમીક્ષકોના અભિપ્રાય પછી ખ્યાલ આવશે કે અસલમાં એવી ફિલ્મ જ નથી કે દર્શકોને થિયેટરમાં જઇને જોવાની ઇચ્છા થાય. તાપસી અને અનુરાગે રજૂઆત પહેલાં કેટલાક વિવાદ ઊભા કર્યા હતા એ નડી ગયા છે. ફિલ્મની વાર્તા એવી છે કે એના વિશે મિત્રવર્તુળમાં વાત કર્યા પછી પણ સમજવા માટે જેતે વ્યક્તિએ જોવી પડે એમ છે કેમ કે એટલી જટિલ વાર્તા છે કે એને એકાગ્ર થઇને જોવી પડશે.
જો વચ્ચે 1-2 મિનિટ પણ જોવાનું ચૂકી જવાય તો વાર્તા માથા પરથી નીકળી જવાની શક્યતા છે. ટાઇમ ટ્રાવેલ પર આધારિત હોવાથી આમ બને છે. વાર્તા અને એના પાત્રો 1990 અને 2021ના વર્ષની ઘટનાઓ વચ્ચે સતત ઝૂલે છે. TV અને રેડિયો પર આવતા સમાચારોને આધારે ફિલ્મ ચાલતી રહે છે. બોલિવૂડમાં 20 વર્ષ પૂરા કરી રહેલા નિર્દેશક અનુરાગ કશ્યપ અલગ પ્રકારની ફિલ્મો આપવા માટે જાણીતા છે. એમની 22 મી ફિલ્મ ‘દોબારા’ એક સ્પેનિશ ફિલ્મ ‘મિરાજ’ ની રીમેક છે. તેમની પાસે કોઇ રીમેકની આશા ન હતી.
તેમણે રીમેક પર પોતાનો જ નહીં દર્શકોનો સમય બગાડવાની જરૂર ન હતી અને અનુરાગે રીમેક હોવાની વાત પણ સ્વીકારી નથી. અલબત્ત સ્પેનિશ ફિલ્મની રીમેક હોવા છતાં અનુરાગની સ્ટાઇલની જ છે. એમની ફિલ્મોને સમજવાનું કામ આમ પણ મુશ્કેલ રહ્યું છે. તે માત્ર મનોરંજન માટે ફિલ્મો બનાવતા નથી પરંતુ નવાઇની વાત એ છે કે ‘દોબારા’ ને કારણે ચર્ચામાં આવેલી ‘મિરાજ’ ને લાભ થયો છે. OTT પર ઉપલ્બ્ધ સ્પેનિશ ફિલ્મ ‘મિરાજ’ ને જોનારાની સંખ્યા વધી ગઇ છે. ઘણા સમીક્ષકોએ એમ કહ્યું જ છે કે જો ‘મિરાજ’ હિન્દી ડબિંગ સાથે ઉપલબ્ધ હોય તો ‘દોબારા’ એક વાર પણ જોવા જેવી બની નથી.
થિયેટરમાં જઇને એના પર રૂપિયા ખર્ચવા જેવી બિલકુલ નથી. ફિલ્મ ‘દોબારા’ ની સફળતા- નિષ્ફળતાથી અનુરાગને બહુ ફરક પડવાનો નથી. એમની તાપસી સાથે ફરી જોડી જામી નથી પરંતુ તાપસીની જે બ્રાન્ડ વેલ્યુ છે એ ઘટી જવાની છે. તે જે પ્રકારના અભિનય માટે પ્રશંસા મેળવતી રહી છે એવો કમાલનો અભિનય આપી શકી નથી. એમ કહી શકાય કે તાપસીના સ્થાન પર બીજી કોઇ પણ અભિનેત્રી હોત તો આવો જ અભિનય જોવા મળ્યો હોત. એક રીતે આ તાપસીની ફિલ્મ ગણી શકાય એમ નથી. ફિલ્મનો સાચો હીરો એની યુનિક કહી શકાય એવી વાર્તા જ છે. રહસ્ય જળવાતું હોવાથી જકડી રાખે એવી જરૂર છે પણ અનુરાગ એવી રીતે ફિલ્મને બનાવી શક્યા નથી.
અનુરાગે માત્ર ક્લાસ દર્શકોને ધ્યાનમાં રાખ્યા છે. તાપસી સિવાય કોઇ જાણીતો ચહેરો નથી. પાવેલ ગુલાટી, રાહુલ ભટ્ટ વગેરેનો અભિનય સારો છે. ફિલ્મની નબળાઇઓ ગણવામાં આવે તો ઘણી છે. બોલિવૂડના દર્શકો માટેની આ ફિલ્મ લાગતી જ નથી. બુધ્ધિનો ઉપયોગ કર્યા પછી પણ સમજી ના શકાય એવી વાર્તા છે. બીજી વખત મફતમાં જોવા મળતી હોય તો પણ જોઇને કદાચ સમજી શકાય એવી નથી. ગીતસંગીતમાં દમ જ નથી.