Madhya Gujarat

કપડવંજમાં આધેડે સગીરા પાસે અશ્લીલ ફોટા માંગ્યા

આણંદ : કપડવંજમાં રહેતા આધેડે તેની જ પડોશમાં રહેતી 14 વર્ષિય સગીરા પર નજર બગાડી તેને હવસનો શિકાર બનાવવા જાળ બિછાવી હતી. જોકે, સગીરાના પરિવારજનોને આ બાબતની જાણ થઇ હતી. આધેડે આ સગીરાને પોતાનો નંબર આપી દરરોજ ફોન કરવા અને અશ્લીલ ફોટા મોકલવા સુધી ધમકી આપી હતી. આ ધમકીથી ડરી ગયેલી સગીરા પર તેના દાદીની નજર પડતાં તેમણે સમયસર પગલાં લીધાં હતા. આધેડને સીધો કરવા અભયમની મદદ લેવામાં આવી હતી. આખરે તેને કાયદાકીય ભાન કરાવવામાં આવ્યું હતું.

કપડવંજમાં રહેતી 14 વર્ષિય સગીરાની માતા નાનપણમાં જ તેને મુકી પિયર જતી રહી હતી. તેના પરિવારમાં દાદા, દાદી અને પિતા ઉછેરી રહ્યાં છે. સગીરાની પડોશમાં 40 વર્ષિય આધેડ રહે છે, આ આધેડ છેલ્લા કેટલાક સમયથી સગીરાને પાછળ પડી ગયો હતો. તેને તાબે કરવા અવનવી તરકીબો અજમાવી રહ્યો હતો. દરમિયાનમાં આ આધેડે ઉત્તરાયણને થોડા દિવસ બાકી હતાં, તે દિવસે ટ્યુશને જતી સગીરાને રસ્તામાં જ રોકી પોતાનો નંબર આપ્યો હતો અને દરરોજ ફોન કરવા દબાણ કર્યું હતું. આ ઉપરાંત દરરોજ ફોન નહીં તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ ધમકીથી ડરી ગયેલી સગીરા દરરોજ પરિવારથી છુપાઇને આધેડને ફોન કરવા લાગી હતી. આ ફોનમાં આધેડે નફ્ફટાઇ પૂર્વક સગીરાના અશ્લીલ ફોટા મંગાવ્યાં હતાં. જેથી તે મુંઝાઇ ગઈ હતી. બીજી તરફ સગીરાનું વર્તન બદલાતા તેની દાદીને શક ગયો હતો. આથી, તેમણે નજર રાખી હતી. જેમાં સગીરા દરરોજ આધેડને ફોન કરતી હોવાનું જાણવા મળતાં તેઓ ચોંકી ગયાં હતાં. જોકે, તેમણે કુનેહથી કામ લઇ રક્ષાબંધના દિવસે સગીરા પાસે આધેડને રાખડી બંધાવી હતી. જોકે, આધેડને કોઇ ફર્ક પડ્યો નહતો. તેણે અશ્લીલ ફોટા મોકલવા દબાણ કરતો હતો અને સગીરા તાબે ન થતાં તેને બદનામ કરવાનું શરૂ કર્યું હતું. આખરે આ મુદ્દે અમદાવાદ રહેતા સગીરાના કાકાને જાણ કરતાં તેઓએ કપડવંજ આવ્યાં હતાં અને સગીરાની પુછપરછ કરતાં તેણે સઘળી હકિકત કહી હતી. જેમાં આધેડની વિકૃતિ જાણવા મળી હતી. આથી, ચોંકી ગયેલા કાકાએ તુરંત અભયમને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને આધેડને કાયદાકીય ભાન કરાવ્યું હતું. બાદમાં કાઉન્સીલીંગ કરીને લેખીતમાં બાહેંધરી લેવામાં આવી હતી.

Most Popular

To Top