તાજેતરમાં આઝાદીના 75 વર્ષની ‘અમૃત મહોત્સવ’ રૂપે ઉજવણી કરવામા આવી અને ગુજરાત સરકારે પોતાના દિલ્લી સ્થિત આકાઓના ઈશારે 2002 ના અનુગોધરાકાંડ વખતે એક લાચાર મુસ્લિમ મહિલા ઉપર બળાત્કાર કરનારા 11 હિંદુ નરાધમોને ગુજરાત સરકારે અમૃત મહોત્સવના ભાગરૂપે સજા માફી આપી જેલમુક્ત કરી દીધા! પોતાને સંસ્કારી-સભ્ય સમાજની આદર્શવાદી સરકાર ગણાવતી સરકારે વિશ્વને કંપાવી દે તેવો આંચકો આપ્યો. આ જ સરકાર બેટી બચાવો બેટી પઢાવો અને નારી સમ્માનના ગીતો ગાતાં થાકતી નથી! આ જ સરકારે હજી મહિના પહેલાં એક આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિપદનો તાજ પહેરાવી ઉજવણું કર્યું હતું. વર્તમાન શાસકો પોતાને વિશ્વની શ્રેષ્ઠ હિંદુ સંસ્કૃતિના વારસદાર ગણાવે છે અને આ દેશને ‘વિશ્વગુરુ’ બનાવવાની ખોખલી ગુલબાંગો હાંકે છે.
એક લાચાર બેબશ સ્ત્રીને નિશાન બનાવી 11 નરાધમો બળાત્કાર કરે અને આ કહેવાતી સુસંસ્કૃત સરકાર એ તમામને કાયદા-કાનૂન-સામાજિક શરમ અને માનવતા નેવે મૂકીને માફી આપે એવું આ પહેલાં આ ગાંધી-મહાવીર અને બુધ્ધના દેશમાં કદી બન્યું નથી. સરકાર અમૃત મહોત્સવના નામે નારી અસ્મિતા સાથે રાજરમત રમી છે. માત્ર મુસ્લિમ દેશોમાં નહીં દુનિયાભરમાં આ અધમ કૃત્યની નિંદા અને વિરોધ થવો જોઈએ. માફીનો આ ફેંસલો સરકારની ભયાનક વરવી મનોદશાનું પ્રદર્શન કરે છે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા–આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.