કેન્દ્ર સરકારનું અભિમાનગ્રસ્ત માથાભારેપણું વધુ ને વધુ આક્રમક થઈ રહ્યું છે અને હવે તો એ વાત અંગત વાતચીતમાં ભક્તો પણ સ્વીકારવા લાગ્યા છે. તેમને પણ આશ્ચર્ય થાય છે કે તોછડાઈ અને માનમર્યાદાની ઐસીતૈસી કરનારું વલણ તેઓ શા માટે અપનાવી રહ્યા છે! મેં અનેક વાર લખ્યું છે કે માથાભારેપણામાં અને શક્તિમાં ફરક છે. માથાભારેપણા દ્વારા શક્તિનો પાત થાય છે અને જરૂરી મર્યાદા જાળવીને વિવેકપૂર્વક શક્તિ સંવર્ધન કરવાથી શક્તિ હજુ વધુ ખીલે છે. અંગ્રેજોનું અને કાઠિયાવાડના ભાયાતોનું ઉદાહરણ પણ મેં આપ્યું છે. અંગ્રેજોએ શક્તિનું સંવર્ધન કર્યું હતું અને દુનિયા જીતી હતી અને કાઠિયાવાડી ભાયાતોએ તુમાખી અને માથાભારેપણા દ્વારા શક્તિ તો દૂર રહી, આબરૂ પણ ગુમાવી હતી. કવિ દલપતરામે ‘હરખ હવે તું હિન્દુસ્તાન’ નામની કવિતા રચીને અંગ્રેજીરાજનું સ્વાગત કર્યું હતું એના પરથી ખ્યાલ આવશે કે લોકો જવાબદાર રાજ માટે કેટલા તલસતા હશે! ભક્તો જરા વિચારે કે શું દલપતરામ દેશદ્રોહી હતા? તમારા જેટલી બુદ્ધિ તેઓ નહોતા ધરાવતા?
મને એમ લાગે છે કે તુમાખી અને માથાભારેપણાનું રાજકારણ હવે તેના અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યું છે અને ૨૦૨૪ માં તેની કસોટી થવાની છે. ન્યાયતંત્ર સહિત લોકશાહી સંસ્થાઓની થવાની છે, વિરોધ પક્ષોની થવાની છે, સમવાય ભારતની થવાની છે, પ્રજાની થવાની છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ થવાની છે. જી હા, સંઘની પણ થવાની છે, બલકે તેની સૌથી વધુ થવાની છે. હકીકતમાં ઘણા સમયથી ઉપર કહેલ દરેકની કસોટી થઈ રહી છે જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો હવે ઉમેરો થયો છે. સંઘની સો વર્ષની (૧૯૨૫ માં સંઘની સ્થાપના થઈ હતી) નજીક પહોંચેલી તપસ્યા દાવ પર છે. મને ખબર નથી કે સંઘના નેતાઓ શું વિચારે છે. આ હિંદુ રાષ્ટ્રનું સાફલ્યટાણું છે કે પછી હિંદુ રાષ્ટ્રની કસુવાવડ છે? સંઘના નેતાઓ માટે જરૂર આ અકળાવનારો સવાલ હશે અને જો ન થતો હોય તો સો વર્ષની તપસ્યા એળે ગઈ જાણવી!
વડા પ્રધાન આઝાદીના અમૃત મહોત્સવના પૂર્ણાહુતિના દિવસે લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરીને દેશની પ્રજાને સલાહ આપે કે સભ્ય સમાજ એ કહેવાય જે મહિલાઓનો આદર કરે અને એ પછી ગણતરીના કલાકોમાં એક યુવતી ઉપર સામુહિક બળાત્કાર કરનારાઓને અને તેનાં પરિવારના સભ્યોની સામુહિક હત્યા કરનારાઓને છોડી મુકાયા. આ કોઈ આરોપ હેઠળના કાચા કેદીઓ નહોતા. વડી અદાલતમાં સજા પામેલા ગુનેગાર હતા. કમકમાં આવે એવાં દૃશ્યો તો ત્યારે જોવા મળ્યાં જ્યારે બળાત્કારી હત્યારાઓની આરતી ઉતારવામાં આવી, તેમનું સરઘસ કાઢવામાં આવ્યું અને મીઠાઈ વહેંચવામાં આવી. આવું કરતી વખતે બિલ્કીસબાનુ તો ઠીક, પોતાની બહેન દીકરીનો ચહેરો નજરે નહીં પડ્યો હોય!
માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ અવશ્ય વિચારતા હોવા જોઈએ કે આ હિંદુ રાષ્ટ્રનું સાફલ્યટાણું છે કે પછી હિંદુ રાષ્ટ્રની કસુવાવડ? જો ન વિચારતા હોય તો તેઓ દયાને પાત્ર છે. તેઓ કેવું રાજ્ય સ્થાપવા માગે છે? એક સમયે ભારતમાં અંગ્રેજોએ સ્થાપેલા અંગ્રેજી રાજ્ય (તેમની દૃષ્ટિએ ખ્રિસ્તીરાજ્ય) જેવું? કે ઇઝરાયેલમાં યહુદીઓએ સ્થાપેલા જેવીશરાજ્ય જેવું કે પછી કાઠિયાવાડમાં અનુભવ થયો હતો એવું ભાયાતોનું રાજ્ય? ભારતમાં અંગ્રેજોનું કહેવાતું ખ્રિસ્તીરાજ્ય શક્તિશાળી હતું, માથાભારે નહોતું. ઇઝરાયેલમાં યહુદીઓનું રાજ્ય ઘરઆંગણે માથાભારે નથી. ઈઝરાયેલનું માથાભારેપણું પાડોશી દેશો સાથે છે. આની સામે ભાયાતોનું માથાભારેપણું ઘરઆંગણેનું હતું. આમ સંઘના નેતાઓ સામે આઝાદી પહેલાંના કાઠિયાવાડનું ઉદાહરણ છે.
જો અનુભવમાંથી શીખવું હોય તો સંઘના નેતાઓ મુખ્યત્વે જે પ્રાંતમાંથી આવે છે એ મહારાષ્ટ્રમાંથી પણ ધડો મળી શકે એમ છે. ૧૭ મી અને ૧૮ મી સદીમાં મરાઠાઓએ દેશનો ઘણો ભાગ કબજે કર્યો હતો. મરાઠાઓ વતી વહીવટ પૂનાના (મૂળ કોંકણના) બ્રાહ્મણો કરતા હતા. મરાઠાઓ પ્રાંતો કબજે કરે અને બ્રાહ્મણો વહીવટ કરે. એક દિવસ વહીવટ કરનારાઓ રાજ કરતા થઈ ગયા અને પ્રાંતો કબજે કરનારા બહાદુર મરાઠાઓ પેશ્વાઓ દ્વારા આપવામાં આવતા વર્ષાસન કે ચોથાઈ પર જીવતા થઈ ગયા. ઊંધું થયું.
તે એટલે સુધી કે રમેશચન્દ્ર મઝુમદાર જેવા હિંદુ પક્ષપાત ધરાવનારા ઈતિહાસકારો પણ કબૂલ કરે છે કે બ્રાહ્મણ પેશ્વાઓને રાજ કરતાં નહોતું આવડ્યું. મુઘલ સામ્રાજ્યના પતન પછી ભારતમાં હિંદુઓનું રાજ્ય સ્થાપવાની અને અંગ્રેજોને ભારતમાં પગપેસારો કરતાં રોકવાની સુવર્ણ અવસર પેશ્વાઓ ચૂકી ગયા. તેઓ સત્તાના મદમાં છકી ગયા. તુમાખી અને માથાભારેપણાને કારણે ઠેરઠેર ઘાસીરામ કોતવાલ પેદા થવા લાગ્યા. વિજય તેંડુલકરના નાટક ‘ઘાસીરામ કોતવાલ’માં જે ઘાસીરામનું પાત્ર છે એ દુરન્દેશી વિનાના માથાભારેપણાના રાજની પેદાશ રૂપ કોઈ એક ઘાસીરામનું પાત્ર નથી, પણ ઠેર ઠેર પેદા થયેલા ઘાસીરામોનું પ્રાતિનિધિક પાત્ર છે.
આમ સંઘના નેતાઓએ જો ધડો લેવો હોય તો તેમનાં પોતાનાં પ્રાંતનું ઉદાહરણ સામે છે. દુરન્દેશીના અભાવને કારણે અને તુમાખી અને માથાભારેપણાને કારણે તેમણે હાથમાં આવેલી તક ગુમાવી દીધી. આમ બીજા તો ઠીક, આર. સી. મઝુમદાર જેવા હિંદુ પક્ષપાતી ઈતિહાસકારો કહે છે. એની સામે અંગ્રેજોનો ઈતિહાસ જુઓ. પાંચ હજાર માઈલ્સ દૂરથી આવેલા મુઠ્ઠીભર અંગ્રેજોએ ભારત ઉપર કબજો કરી લીધો. અંગ્રેજોએ તેની દરેક લડાઈ (જેમાં ૧૮૫૭ ના વિદ્રોહનો પણ સમાવેશ થાય છે) ભારતીય સૈનિકો (જેમાં હિંદુ સૈનિકો મોટા પ્રમાણમાં હતા) દ્વારા જીતી છે. શા કારણે? તર્કનિષ્ઠા, વિજ્ઞાનનિષ્ઠા, દૂર ભાગવાનું મન થાય એવી અકળાવનારી વાસ્તવિકતાઓને સ્વીકારનારી કઠોર વસ્તુનિષ્ઠા, શિસ્ત, વ્યવસ્થા (ઑર્ડર), જવાબદેહી (એકાઉન્ટેબિલીટી) વગેરેને કારણે. આ બધાં શક્તિવર્ધક પદાર્થો છે. તેમણે ખ્રિસ્તીઓનાં અને ખ્રિસ્તી ધર્મની મહાનતાનાં હાલરડાં નહોતાં ગાયાં. તેમણે ભૂતકાળના સાચા કે ખોટા ઘાવોને યાદ કરીને રુદન નહોતું કર્યું. તેમણે ખોટાં સપનાંઓ નહોતાં જોયાં કે બતાવ્યાં. તેમણે તુમાખી નહોતી બતાવી. તેમણે ઘાસીરામ કોતવાલો પેદા નહોતા થવા દીધા.
કેટલાક સમાજશાસ્ત્રીઓનું એવું વિવેચન છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના પેશ્વાઓની શોકાંતિકાનું પરિણામ છે. મહારાષ્ટ્રના બ્રાહ્મણો શક્તિશાળી હિંદુ ભારતની રચના ન કરી શક્યા, એક સુવર્ણ અવસર ગુમાવ્યો અને તેની જગ્યાએ માથાભારે ફૂહડ રાજ્ય આપ્યું એ નિષ્ફળતાનું કલંક તેમને સતાવે છે. છેવટે ૧૮૧૮ ની સાલમાં અંગ્રેજોએ પૂના નજીક ખડકીની લડાઈમાં પેશ્વાઓને પરાજીત કરીને રાજ્ય છીનવી લીધું. એ સમયે દલપતરામની જેમ મહારાષ્ટ્રમાં પણ કવિઓએ કવિતા રચીને અંગ્રેજી રાજ્યનું સ્વાગત કર્યું હતું અને દસ્તાવેજી પ્રમાણો એમ કહે છે કે મહારાષ્ટ્રમાં બહુજન સમાજે જે દિવસે પૂનાના શનિવારવાડા ઉપર યુનિયન જેક ફરકાવવામાં આવ્યો એ દિવસે રાતે દીવા કર્યા હતા.
(પ્રમાણ જોઈતું હોય તો વી. ડી. સાવરકરનું ચરિત્ર લખનારા સાવરકરવાદી ધનંજય કીરે લખેલું મહાત્મા ફૂલેનું જીવનચરિત્ર જોઈ શકો છો.) હિન્દુત્વવાદની ફિલસુફી વિકસાવવામાં, દેશમાં હિન્દુત્વવાદી રાજકારણ દાખલ કરવામાં અને ગાંધીના સહિયારા ભારતને નકારવામાં મહારાષ્ટ્રના બ્રાહ્મણો અગ્રેસર હતા એનું કારણ કેટલાક સમાજશાસ્ત્રીઓના મતે પેશ્વાઓની નિષ્ફળતાનું લાંછન છે. તેઓ નવેસરથી હિંદુ રાષ્ટ્ર સ્થાપવાનો પ્રયોગ કરવા માગે છે અને માટે ૧૯૨૫ માં સંઘની સ્થાપના કરવામાં આવી હતી. સવાલ એ છે કે શા માટે તુમાખીવાળું માથાભારેપણાનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે? સ્વભાવવશ કે પછી રાજકીય મજબુરી છે? સત્તાનું પ્રદર્શન કરવા કે પછી સત્તા બચાવવા? વિચારી જુઓ, તમને શું લાગે છે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.