Dakshin Gujarat

ભરૂચના વાલિયામાં 8 ફૂટની દિવાલ કૂદીને કૂતરાનો શિકાર કરવા આવેલો દીપડો CCTV કેમેરામાં કેદ

ભરૂચ(Bharuch): વાલિયા (Valiya) તાલુકો દીપડા (Leopard) સહિતના પ્રાણીઓનું રહેણાંક વિસ્તાર બની રહ્યો છે. તાલુકામાં શિકાર મળી રહેતો હોવાથી દીપડાની સંખ્યા પણ વધી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પશુઓના શિકારની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે વાલિયા-નેત્રંગ રોડ ઉપર જલારામ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ આશાપુરા ટ્રેડર્સમાં ૮ ફૂટની દીવાલ કુદી અંદર પ્રવેશ કરી દીપડાએ પાલતું રોટ વીલર શ્વાનનું (Dog) મારણ કરતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દીપડા દ્વારા કૂતરાં પર કરાયેલા હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. રહેણાંક વિસ્તારમાં દીપડો આવ્યો હોવાની ગામમાં જાણ થતાં ગ્રામજનોમાં ડર વ્યાપી ગયો છે. આ સમગ્ર ઘટના અંગે વનવિભાગને જાણ કરી દેવાઈ છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં દીપડાને પકડવાનું પાંજરુ મુકવાની હિલચાલ શરૂ કરી દેવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.

  • વાલિયા-નેત્રંગ રોડ ઉપર દિપડાએ પાળેલા કુતરાનો શિકાર કર્યો
  • જલારામ પેટ્રોલ પંપની બાજુમાં આશાપુરા ટ્રેડર્સમાં ઘૂસી આવ્યો
  • દીવાલ કુદીને શિકાર કરવા આવેલ દીપડો CCTV કેમેરામાં કેદ થયો
  • ગામની સીમમાં પશુનું પણ મારણ કર્યું હોવાનું જાણવા મળ્યું

તાજેતરમાં જોખલા ગામના એક ફાર્મ હાઉસમાં દીપડાએ મારણ કર્યા બાદ ગ્રામજનોએ તેને પકડી પાડવા ઘેરો નાખ્યો હતો. પરંતુ તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ત્યારે વાલિયા ગામની સીમમાં થોડા દિવસ પહેલા દીપડાએ એક ગૌ-વંશનું મારણ કર્યું હતું. જે બાદ સોમવાર રાતે ૧૦.૪૦ કલાકે વાલિયા-નેત્રંગ રોડ ઉપર જલારામ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા આશાપુરા ટ્રેડર્સમાં દીપડો ઘૂસી આવ્યો હતો. કિરણ લીમ્બાણીની કમ્પાઉન્ડની 8 ફૂટ દીવાલ કુદી દીપડાએ અંદર પ્રવેશ કરી પાલતું રોટ વીલર શ્વાનને ફાડી ખાધો હતો.

આજરોજ મંગળવારે સવારે તેઓને શ્વાન જોવા નહીં મળતા તેને શોધવા ગયા હતા. તે દરમિયાન તેઓને શ્વાન મૃત હાલતમાં જોવા મળ્યો હતો. તેઓએ કમ્પાઉન્ડમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરતા તેમાં દીવાલ કુદી અંદર આવતો ભક્ષક દીપડો નજરે પડ્યો હતો. આ અંગે તેઓએ વન વિભાગમાં જાણ કરતા વાલિયા વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી મારણ સાથે પાંજરૂ મુકવાની તજવીજ હાથ ધરી છે. દરમિયાન ગ્રામજનોમાં ડર વ્યાપી ગયો છે. રાત્રિના અંધકારમાં બાળકો અને મહિલાઓ ઘરન બહાર નીકળવાનું ટાળવા લાગી છે.

Most Popular

To Top