રાજકોટ: રાજ્યમાં જન્માષ્ટમી નિમિત્તે કેટલાક શહેરમાં લોકમેળાનું (Fair) આયોજન કરવામાં આવ્યું છે. રોજકોટ (Rajkot), ગોંડલ, સૌરાષ્ટ્ર જેવા શહેરોમાં મેળા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ લોક મેળાનું આયોજન થતા મેળામાં ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે આ લોક મેળામાં એક બાદ એક અકસ્માતના (Accident) કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલા લોકમેળામાં બે દિવસના અંતરમાં બે દુર્ઘટના સર્જાઈ હતી. બે દિવસ પહેલા એક યુવાન ચાલુ રાઈડ (Ride) પરથી પટકાયો હતો. જ્યારે ગઈકાલે મોતના કૂવામાં (Death Well) પણ મોટી દૂર્ઘટના સર્જાય હતી.
રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં લોકોમેળામાં ગતરોજ મોતના કૂવામાં ચાલી રહેલા કરતબ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર લોકમેળામાં આવેલા એક મોતના કૂવામાં ત્રણ વાહનો ગોળ ગોળ ફરી રહ્યા હતા. જ્યાં અચાનક જ ચાલુ કારમાંથી ટાયર નીકળી પડ્યું હતું. ત્યારે બાદ કાર સીધી નીચે ખાબકી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. મેળામાં હાજર તમામ લોકોના જીવ ટાળવે ચોંટી ગયા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ અગાઉ પણ જન્માષ્ટમીના દિવસે મેળામાં એક દુર્ઘટના સર્જાઈ હતી. જ્યાં એક યુવક ચાલુ રાઈડમાંથી નીચે પડી ગયો હતો. યુવકને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. માહિતી પ્રમાણે યુવક હસતા હસતા બ્રેક ડાન્સ નામની રાઇડમાં મજા માણતો હતો, અને ત્યારે અચાનક જ બીજી સેકન્ડે યુવક રાઇડમાંથી નીચે પટકાઈ ગયો હતો. ચાલુ રાઈડમાંથી નીચે પટકાતા યુવકના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ત્યાં હાજર રાઇડ સંચાલકે સમય સુચકતા કારણે તત્કાલીન રાઈડ બંધ કરી યુવકને નીચે ઉતારી એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે લોક મેળાની મજા માણતા માણતા થોડીક સાવચેતી પણ રાખવાની જરૂર પડે છે. કારણ કે ક્યારે આપણી મજા સજા બનતી હોય છે. ગોંડલમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. ગોંડલમાં યોજાયેલા મેળામાં 4 દિવસ પહેલા બે લોકોના મોત થયા હતા. મળતી માહિતી પ્રમાણે સાતમના દિવસે ઝરમર વરસાદ હોવાથી મેળામાં આવેલા મોટેભાગના પંડાલ ભીંજયેલા હતા. ત્યારે સાંજના સમયે ટીઆરબી જવાનને વીજકરંટ લાગતા તેને બચાવવા ગયેલા ફાયર કર્મચારીને પણ કરંટ લાગ્યો હતો. સારવાર અર્થે બંનેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.