Editorial

શું બોયકોટ ટ્રેન્ડ બોલિવુડને ડુબાડશે?

કહેવાય છે કે ગાજેલા મેઘ વરસે નહીં. તેવી જ હાલત જોરશોરથી જેની પબ્લિસિટી થઈ હતી તે આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના થયા. રૂપિયા 180 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે 7 દિવસમાં જ દમ તોડી દીધો છે. છેલ્લાં સમાચાર મુજબ આ ફિલ્મ 50 કરોડનો જ વકરો કરી શકી છે. આમિર ખાનના જૂના નિવેદનોને આધારે તેની દેશભક્તિ પર પ્રશ્નો ઉભા થયા. પીકે મૂવીમાં આમિર ખાને હિન્દુ ધર્મના ભગવાનનું અપમાન કર્યું તેવી પોસ્ટ પણ થવા લાગી. પરિણામે બોયકોટ લાલસિંહ ચઢ્ઢા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું અને ફિલ્મ ફ્લોપ થઈ. પરંતુ અહીં સવાલ એ ઉભો થાય છે કે શું ખરેખર બોયકોટ ટ્રેન્ડના લીધે ફિલ્મ ફ્લોપ થઈ. ભૂતકાળમાં પણ ફના ફિલ્મ રિલિઝ થવાની હતી ત્યારે આમિર ખાન મેઘા પાટકર અને નર્મદા ડેમના મામલામાં કૂદી પડ્યો હતો.

ત્યારે પણ ફિલ્મ ફ્લોપ થઈ હતી. આ વખતે તો આમિર કશું બોલ્યો પણ નથી. બાપડો હાથ જોડીને ફિલ્મ જોવા આજીજી કરતો રહ્યો, છતાં ફિલ્મ ફલોપ થઈ. જોકે, આ ફિલ્મ ફ્લોપ થઈ તેની પાછળ તેનું કન્ટેન્ટ પણ જવાબદાર છે. એ કહેવું પડે કે આ વખતે આમિરે સાવ બોરિંગ ફિલ્મ બનાવી છે. એટલે જ ફિલ્મ ફ્લોપ થઈ. લાલ સિંહ ચઢ્ઢા સાથે જ સુપરસ્ટાર અક્ષય કુમારની રક્ષાબંધન ફિલ્મ પણ રિલિઝ થઈ હતી. અક્ષયની ફિલ્મ રક્ષાબંધન તહેવારના સેન્ટિમેન્ટને પણ કેશ કરી શકી નથી. તેના હાલ તો લાલસિંહ ચઢ્ઢા કરતા પણ વધુ ખરાબ થયા છે. લાલ સિંહ ચઢ્ઢા પહેલાં રણબીર કપૂરની શમશેરા પણ સુપર ફ્લોપ નિવડી હતી. હવે રણબીરની મોસ્ટ વેઈટેડ બ્રહ્માસ્ત્ર આવી રહી છે.

તેની સફળતા અંગે પણ શંકા સેવાઈ રહી છે. ફિલ્મના નિર્માતા કરણ જૌહર, દિગ્દર્શક અયાન મુખર્જી અને અભિનેતા રણબીર કપૂર તેની પત્ની આલિયા ભટ્ટ અને બિગ બી પણ ચિંતિત છે. બધા એ જ વિચારી રહ્યાં છે કે આ બોલિવુડ સાથે શું થઈ રહ્યું છે? સાઉથની ફિલ્મો ધૂમ પૈસો કમાઈ રહી છે અને બોલિવુડની મોટા બજેટની ફિલ્મો પણ પીટાઈ રહી છે. શું આ બધું બોયકોટ ટ્રેન્ડને લીધે થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર ઓટલા પંચાત કરતા કેટલાંક મુઠ્ઠીભર લોકોના બોયકોટ કરવાથી શું સાચે જ ફિલ્મો ફ્લોપ નિવડી શકે છે? કે પછી આ ફિલ્મો ફ્લોપ થવા પાછળ કોઈ બીજું કારણ છે.
ખરેખર તો ભૂતકાળમાં અનેક કલાકારો અને ફિલ્મો વિવાદમાં આવી છે.

ઘણીવાર તો ફિલ્મસર્જકો જાતે જ વિવાદ ઉભો કરતા હોય છે. ખલનાયક ફિલ્મ રિલિઝ થવાની હતી ત્યારે જ સંજય દત્તની ધરપકડ થઈ હતી. તેમ છતાં તે ફિલ્મ હીટ રહી હતી. તેનો અર્થ એ કે વિવાદ સાથે દર્શકોને કોઈ લેવા દેવા નથી. ફિલ્મ સારી હોય તો ચાલે અને ખરાબ હોય તો ફ્લોપ થાય. હા, એ વાત જરૂર છે કે બોલિવુડના ફિલ્મ સર્જકોએ હવે ફિલ્મોની ગુણવત્તા પર ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. જે રીતે દક્ષિણની ફિલ્મો અને ઓટીટી પ્લેટફોર્મ પર કન્ટેન્ટ આવી રહ્યું છે તે જોતાં હવે બોલિવુડે ફિલ્મની સ્ક્રીપ્ટ, ટ્રીટમેન્ટ બધા પર જ ધ્યાન આપવું પડશે. અને છેલ્લે.. સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોન્ડાની આવનારી ફિલ્મ લાઈગર ને પણ બોયકોટ કરવાનું શરૂ કરાયું છે. આમિર ખાનનો સપોર્ટ કર્યો એટલે વિજયની ફિલ્મ બોટકોટ થઈ રહી છે. હવે જોઈએ લાઈગરના શું હાલ થાય છે?

Most Popular

To Top