વાંસદા: (Vansda) વાસદા તાલુકાના હનુમાનબારી ગામે ઓમનગર સોસાયટીમાં ગઈકાલે રાત્રે ચોર (Thief) ચોરી (Theft) કરવા આવ્યા હતા. આ બાબતની જાણ વાંસદા પોલીસ સ્ટેશનના (Police Station) હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનને થઈ હતી. પોલીસે અડધી રાત્રે તાબડબોડ ફિલ્મી ઢબે ચોરોનો પીછો કર્યો હતો અને મહામહેનતે ચાર ચોરને ઝડપી લીધા હતા.
- સોસાયટીમાં ચોરોએ તાળા તોડયાની જાણ થતાં વાંસદા પોલીસે દોડીને ચાર ચોરને પકડ્યા
- પેટ્રોલિંગ કરતી વાંસદા પોલીસની ટીમને લોકોએ ફોન કરતાં ચોરોની કારનો પીછો કર્યો, ત્રણ ફરાર
વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે ઓમનગર સોસાયટીમાં તા. ૨૧ ઓગસ્ટે મળસ્કે આશરે ૨:૩૦ વાગ્યે ચોરોએ ઘરના તાળા તોડ્યા હતા, એ સમયે વાંસદા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પેટ્રોલીંગમાં હતા. એ દરમિયાન તેમના પર ૧૦૦ નંબર ડાયલ કરી ફરિયાદ કરતા તેમને જાણ થઈ કે, ઓમનગર સોસાયટીમાં ચોરી થઈ છે, ત્યારબાદ તેઓ તુરંત ત્યાં પહોંચી આજુબાજુમાં તપાસ કરતા લોકોએ જણાવ્યું હતું કે, અજાણ્યા લોકો ફોરવ્હીલ ગાડીમાં વઘઈ તરફ ગયા છે, પોલીસ કર્મીઓ દ્વારા એ તરફ તપાસ કરતા એવી ફોર વ્હીલર ગાડી દેખાઈ હતી, પોલીસે ઉભા રહેવાનું કહેતા ફોરવ્હીલર ગાડી ચાલકે ઝડપથી ચલાવવાનું ચાલુ કર્યું હતું. ત્યારબાદ વાંસદા પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો, તેમજ પોલીસ કર્મીઓને આ લોકો ચોર હોવાની શંકા દ્રઢ થતા, વઘઈ પોલીસનો સંપર્ક કરી નાકાબંધી કરવા માટે જણાવ્યું હતું. પરંતુ એ પહેલા જ નવતાડ ગામથી આગળ જંગલ નજીક ચોરને વાંસદા પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ કર્મીઓ સાથે તેમની ઝપાઝપી થઈ હતી જેમાં હેડ કોન્સ્ટેબલ જયંતીભાઈ અને તેમની ટીમે ચાર ચોરને ઝડપી પાડ્યા હતા. પરંતુ ત્રણ ચોર જંગલમાં ભાગી ગયા હતા. પોલીસે મોડી રાત્રે ગુનો નોંધવા સાથે આગળની વધુ તપાસ હાથ ધરી છે.