અંબાજી: દાંતા (Danta) તાલુકાના 25 યાત્રાળુ ટ્રેક્ટરમાં રાજસ્થાનના (Rajsthan) રામદેવરા દર્શન માટે જવા નીકળ્યા હતા. ત્યારે ગઈકાલે રાત્રે રાજસ્થનાના પાલી (Pali) હાઈવે (High way) પાસે ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 લોકોના મોત (Death) નિપજ્યા હતા, જ્યારે અન્ય યાત્રાળુને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે શિવગંજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગમખ્વાર અકસ્માતની જાણકારી મળતા જ સિહોરી અને પાલી જિલ્લાના કલેક્ટર રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ ગુજરાતના દાંતા તાલુકાના કૂકડી ગામના 20થી 25 યાત્રાળુઓ ટ્રેક્ટર લઈને રાજસ્થાનના રામદેવરા દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે ગઈકાલ રાતે પાલી હાઇવે પર ટ્રેક્ટરને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. રોંગ સાઈડથી આવતી ટ્રેકે યાત્રાળુઓના ટ્રેક્ટરને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ટ્રેક્ટરમાં મહિલાઓ સહિત 25 યાત્રાળુ સવાર હતા. ઉલ્લેખનીય છે કે શુક્રવારે સવારે જ સુમરેપુર હાઈવે પર એક મોટી દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં એક ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ હાઈવે જામ થઈ ગયો હતો. જેનાં કારણે હાઈવેને વન-વે કરાયો હતો.
મળતી માહિતી મુજબ સુમેરપુર હાઈવે પર હાલમાં જ થયેલા અકસ્માત બાદ રસ્તો વન-વે કરી દેવાયો હતો. ત્યારે ગત રોજ દાંતા તાલુકાના 25 જેટલા યાત્રાળુઓનું ટ્રેક્ટર વન-વે પર બે ટ્રોલી વચ્ચે ચાલી રહ્યું હતું. પાછળથી આવેલા એક ટ્રોલીએ ટક્કર મારી હતી. જેના કારણે શ્રદ્ધાળુઓ ટ્રેક્ટરમાંથી ફંગોળાઈને આગળની તરફ પડ્યા હતા. અને ટ્રેક્ટર બંને ટ્રોલી વચ્ચે ફસાઈ ગયો હતો. શનિવારે બપોરે અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોનો મૃતદેહ ગુજરાત લાવવામાં આવશે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવાર ચાલી રહી છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ અકસ્માતની જાણ થતાં જ ટ્વીટ કરી મૃતકોના પરિવાજનોને સંવેદના પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે રાજસ્થાનના પાલીમાં અકસ્માત થયો, જે ઘણું જ દુ:ખદ છે. મૃતકના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય એ માટે પ્રાર્થના.