Entertainment

રણવીર થોડો સુધરે તો છે જોરદાર

રણવીર સિંહ એક સારો સ્ટાર છે અને પોતાને મળતા પાત્રોમાં પોતાને ઢાળવાની શક્તિ ધરાવે છે. તે ખૂબ જ એનર્જી ધરાવે છે અને તેના જ કારણે ઘણી વખત પોતાને નિયંત્રિત કરી શકતો નથી. ફિલ્મોમાં પોતાની એક ઈમેજ ક્રિયેટ કર્યા પછી તેણે ઝટકા આપવાથી બચવું જોઈએ કારણ કે જે ઈમેજ ઊભી કરી હોય તેના આધારે તેને ફિલ્મો મળી હોય છે. ઈમેજ બદલે તો પેલી ફિલ્મોને પણ નુકશાન થઈ શકે. એવું લાગે છે કે તેણે પોતાના માટે ઈમેજ મેનેજરની પોસ્ટ ઊભી કરવી પડશે. દિપીકાના હાથમાં તે રહે એવો નથી. રણવીર સલમાન, શાહરૂખ જેવો હેન્ડસમ નથી, સામાન્ય લુક ધરાવે છે અને ઉત્સાહનો માર્યો જોકર વેડા કરતો ફરે છે. તે તેની ટેલેન્ટના આધારે સ્વીકૃત છે અને સંજય લીલા ભણસાલીએ તેને એક્ટર તરીકે મેચ્યોર બનાવ્યો છે પણ સ્ટાર તરીકેની મેચ્યોરિટી આવવાની બાકી છે.

છેલ્લે ‘83’માં તેણે કપિલ દેવ તરીકે સારી ઈમ્પેક્ટ ઊભી કરેલી પણ એ ફિલ્મ અપેક્ષા પ્રણાણે સફળ ન થઈ શકી. ‘સૂર્યવંશી’માં તો ત્રણ સ્ટાર્સ ભેગા થયા હતા. છેલ્લે ‘જયેશભાઈ જોરદાર’આવી પણ શીર્ષકમાં જોરદાર હોય એટલે ફિલ્મ પણ જોરદાર પૂરવાર થાય એવું હોતું નથી. રણવીરની હવે કોઈ ફિલ્મ આ 2022માં તો રજૂ થાય એવું જણાતું નથી. રોહીત શેટ્ટી સાથેની ‘સરકસ’આ વર્ષના અંતમાં પૂરી થશે. આ ફિલ્મ રણવીરની ઈમેજમાં બરાબર ફીટ બેસે એવી લાગે છે. આમ પણ રોહીત શેટ્ટીને એક્શન કરવા તૈયાર સ્ટાર્સ જ ફાવે છે. પરદા પર ડલનેસ તે ઈચ્છતો હોતો નથી. તેની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની 2023ના ફેબ્રુઆરીમાં કમ્પલીટ થવાની ધારણા છે.

કરણ જોહરની ફિલ્મ હોય અને સાથે આલિયા ભટ્ટ હોય તો ફિલ્મ ખાસ બની જાય. કરણે આ ફિલ્મમાં ધર્મેન્દ્ર,જયા બચ્ચન, શબાના આઝમી, પ્રિતી ઝિન્ટાને પણ ભેગા કર્યા છે. લાગે છે કે રણવીર એક ફેમિલી ઈમેજવાળી ફિલ્મમાં દેખાશે. લાંબા સમયમાં ટકવા ઈચ્છાતા સ્ટાર્સ માટે આવી ફિલ્મો જરૂરી છે. શાહરૂખખાનથી માંડી અક્ષયકુમાર એવી ઈમેજમાં પોતાને ઢાળેલા રાખે છે. માત્ર એક્શન ફિલ્મોમાં કામ કરો તો જુવાનીયા છોકરાઓને જ ગમી શકાય તો આપોઆપ પ્રેક્ષકવર્ગ મર્યાદિત થઈ જાય. રણવીર સિંહ તેની દરેક ફિલ્મે નવી શક્યતા ઊભી કરે છે તે સારી વાત છે અને એટલે જ સાઉથના શંકરની ફિલ્મમાં પણ તે આવશે અને સંજય લીલા ભણસાલી પણ તેને ફરી ‘બૈજુબાવરા’માં સમાવશે.

રણવીર નામનો રેસનો ઘોડો ત્યારે વધારે સફળ જાય છે જ્યારે તેને સારો જોકી મળે. ભણસાલી તેનો પર્ફેક્ટ જોકી છે. રણવીર 2018માં દિપીકા પાદુકોણને પરણ્યો હતો. મતલબ કે લગ્નને ચાર વર્ષ થયા બંનેના લગ્નજીવનમાં રિધમ છે તે સારી વાત છે બાકી ફિલ્મજગતમાં કાંઈ કહેવાય નહીં. રણવીરની ઈમેજ લફડેબાજની તો નથી રહી બાકી જો એવું હોત તો લોકોએ તેને અને આલિયાને ચર્ચીત કરી દીધા હોત. આલિયા જેને પરણી તે રણબીરની પૂર્વપ્રેમિકાને રણવીર પરણ્યો છે પણ રણવીર, દિપીકા, આલિયાનાં વ્યક્તિત્વમાં બહુ ગરબડ નથી. આ કારણે જ ઘણાને થાય છે કે રણવીર જે પ્રકારે નિર્વસ્ત્ર થયો હતો તેમ થવું જોઈતું ન હતું. પણ રણવીર કે અર્જૂન કપૂર અમુક બાબતે સરખું દિમાગ ધરાવે છે. •

Most Popular

To Top