Columns

મારી પાસે ઘણાં હથિયાર છે

એક ભાઈ નામ યોગેશ.ઘરમાં બધાને ખૂબ જ પ્રેમ આપે અને મેળવે.સરકારી દફતરમાં મોટા ઓફિસર, પણ અભિમાન બિલકુલ નહિ.ઓફિસમાં પણ બધા જોડે તેમને બહુ જ બને. મોટા ઉપરીઓ તેમની સલાહ પૂછે અને નાના બધા બહુ માન આપે.મિત્રોમાં પણ તે દરેક મહેફિલની જાન. તેને મિત્રોમાં કોઈ સાથે વાંકું પડે જ નહિ.ઓફિસમાં કામ માટે આવનાર દરેકનું પ્રેમથી હસીને સ્વાગત કરે અને પોતાનો અને તેમનો સમય બગાડ્યા વિના તરત જ તેમનું કાર્ય કરી આપે.ન તેમનો ઘરમાં કોઈ સાથે ઝઘડો અને ઓફિસમાં કોઈ વિરોધી.ન સોસાયટીમાં કોઈ બોલાચાલી ન પરિવારજનોમાં કોઈ સાથે અણબનાવ.બધા જ તેમને પ્રેમ કરે અને માન આપે. કોઈ તેમના વિષે ઘસાતું ક્યારેય ના બોલે.

એક દિવસ પત્ની સાથે સાંજે ચા પીતાં પીતાં અલકમલકની વાતો થતી હતી અને પત્નીએ જ મજાકમાં કહ્યું, ‘તમને તો બધા જ પ્રેમ કરે છે. તમે જયાં જાવ ત્યાં તમને માન મળે છે.તમારું કામ કરવાની કે તમારી વાત માનવાની કોઈ ના નથી પડતું.તમારી તો બધે બોલબાલા છે.શું કરો છો એવું કે બધાંનાં મન જીતી લો છો, મને પણ શીખવાડો ને.’ યોગેશે હસીને કહ્યું, ‘શિખા, તારું મન જીતી શક્યો છું તે જ બસ છે, બાકી મારે કંઈ જીતવું નથી.હું તો જે છું તેવો જ છું. હું તને શું ખાસ શીખવાડું? હું જે કરું છું તે તું પણ કર તો તું પણ બધે જીતીશ, કારણ કે તું બધાંનાં મન જીતી શકીશ.’

શિખાએ પૂછ્યું, ‘એવું તે શું કરો છો?’ યોગેશે કહ્યું, ‘બધાને જીતી લેવા, બધાં મન જીતવા માટે હું ખાસ હથિયાર વાપરું છું.કાયમ હસતો રહું છું.દરેકને હસીને આવકારું છું.કોઈ પણ કામ હસતે મોઢે કરી આપું છું.ક્યારેય ભારેખમ મોઢું લઈને ફરતો નથી.કોઈની ભૂલ થાય તો હું હસીને જતી કરું છું અને તે ભૂલને ભૂલી જાઉં છું.ભૂલને લીધે મને કોઈ નુકસાન થયું હોય તો પણ જતું કરીને મન મોટું રાખીને માફી આપી દઉં છું.હું દરેકને મદદ કરવા તત્પર રહું છું અને મને જ્યાં લાગે કે હવે તો બોલાચાલી થશે જ તો હું ત્યાંથી જતો રહું છું અથવા મૌન રહું છું.સામેવાળું ગુસ્સામાં હોય ત્યારે હું મારા સ્મિતને હથિયાર અને મૌનને ઢાલ બનાવી લઉં છું અને પછી તે શાંત થાય ત્યારે બધી પરિસ્થિતિ સમજાવું છું.હું કંઈ ખાસ વિશેષ નથી કરતો, પણ મારા આ રોજના વર્તન, રીતભાતનાં હથિયાર મને કાયમ જીતાડે છે.’યોગેશે પત્ની શિખાને પોતાનાં વિશેષ હથિયારો વિષે સમજાવી જીવન જીતવાની રીત સમજાવી.      – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top