ગાંધીનગર: ભારત દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે. જેનાં પગલે દેશભરમાં આઝાદીનાં અમૃત મહોત્સવ(Azadi Ka Amrit Mahotsav)ની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન કડીમાં ગત શનિવારનાં રોજ ભાજપ(BJP)ની તિરંગા યાત્રા(Tiranga Yatra) યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ(Nitin Patel)ને ગાયે(Cow) અડફેટે લેતા તેઓ જમીન પર પડી ગયા હતા અને તેમને ઢીંચણના ભાગે ઈજા થઈ હતી. તેઓ ઉભા પણ રહી શકતા નહોતા. આ ઘટના બાદ મહેસાણા પોલીસ(Mehsana police) હરકતમાં આવી છે. મહેસાણા નાયબ પોલીસ અધિક્ષકે કડીના થાણા ઇન્ચાર્જ અને LIB પાસે ખુલાસો માગ્યો છે.
નીતિન પટેલની સુરક્ષામાં ચૂક
તિરંગા યાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીતિન પટેલને ગાયે અડફેટે લેતા તેઓની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. આટલા મોટા નેતા તિરંગા યાત્રામાં ભાગ લેવાના હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આટલી મોટી તિરંગા યાત્રામાં ગાય કઈ રીતે આવી તે એક મોટો સવાલ ઉભો થાય છે. રેલી પહેલા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કે નહિ તે અંગે મહેસાણા ડીવાયએસપીએ ખુલાસો પૂછ્યો છે.
મહેસાણા ડીવાયએસપીએ લખ્યો પત્ર
મહેસાણા ડીવાયએસપીએ જણાવ્યું હતું કે જ્યારે એક મોટા નેતાની આટલી મોટી રેલી યોજાવાનો હોય તો એ પહેલા સ્થળ નિરક્ષણ કરવાનું હોય છે. અને જો કોઈ બાબત ભયજનક લાગે તો આયોજકોનું ધ્યાન દોરવાનું હોય છે. આ ઘટના બાદ મહેસાણા ડીવાયએસપીએ પત્ર લખી ખુલાસો માગ્યો છે. ડીવાયએસપીએ રેલી સ્થળે ગાય અડચણરૂપ બનશે કે નહીં ?, રખડતા ઢોર હતા તો આયોજકોને આ મામલે જાણ કરી હતી કે નહિ?, રેલી દરમિયાન કેટલા પોલીસકર્મીઓ પેટ્રોલીંગ હતા? વગેરે સવાલો પૂછી ખુલાસો કરવા જણાવ્યું છે. તેમજ પોલીસને પેટ્રોલીગ બુક સાથે હાજર રહેવા જણાવ્યું હતું.
ગુજરાતમાં રખડતા ઢોરોનાં આતંક સામે કાર્યવાહી ક્યારે?
આ ઘટના બાદ કડી ના લોકોમાં એવી ચર્ચા ઉઠી હતી કે શું હવે ગુજરાતની ભાજપ સરકાર રખડતા ઢોરોના આતંક સામે કાર્યવાહી કરશે. અત્યાર સુધી અનેકોવાર ફરિયાદ કરવા છતાં રખડતાં ઢોર પર કાબુ મેળવવાના સરકાર દ્વારા નક્કર પગલાં લેવાયા નથી. ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં રખડતાં ઢોરની સંખ્યા 2012માં 2.92 લાખ હતી અને 2019માં વધીને 3.43 લાખ થઇ ગઇ છે. આમ, 7 વર્ષમાં રખડતાં ઢોરની સંખ્યામાં 10%થી વધુનો વધારો નોંધાયો છે. આ માહિતી પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા લોકસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં આપવામાં આવી હતી.