પેટલાદ: પેટલાદમાં રહેતી મહિલા ઘરે હતી, તે સમયે પાલિકાના અપક્ષ કાઉન્સીલરે ઘરમાં ઘુસી છેડતી કરી હતી. આ ઉપરાંત વિરોધ કરતાં તેના પતિ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાના શહેરમાં ઘેરા પડઘા પડ્યા હતા અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દસ શખસ સામે ગુનો નોંધ્યો હતો. પેટલાદના અપક્ષ કાઉન્સીલર રિફાકત મુખત્યારખાન પઠાણે 16મી ઓગષ્ટ,22ના રોજ શહેરમી રહેતી પરિણીતા ઘરે એકલી હતી, તે સમયે ઘરના પાછળના દરવાજેથી ઘુસી ગયાં હતાં. આ સમયે પરિણીતા રસોડામાં કામ કરી રહ્યાં હતાં. રિફાકતે તેનો દુપટ્ટો પકડી ચલ મેરે સંગા તેવી વાત કરતાં પરિણીતા ડઘાઇ ગઈ હતી અને બુમાબુમ કરી હતી. જેના પગલે તેનો પુત્ર અને પતિ આવી જતાં ઉગ્ર ઝઘડો હતો અને ઝઘડતા ઝઘડતા બહાર જાહેર રસ્તા પર આવી ગયાં હતાં. જોકે, છુટા પડાવતાં રિફાકત ઘરે જતો રહ્યો હતો.
દરમિયાનમાં બપોરે સાડા બારેક વાગ્યાની આસપાસ મહિલા અને તેનો પતિ, પુત્ર ઘરે હાજર હતાં. તે સમયે રિફાકતખાન, તેનો પુત્ર ફરદીનખાન, ભાઈ સાજીદખાન, ભત્રીજો આદીલખાન, અકીલખાન, અસરફખાન, તાહીરખાન, મજરખાન, તૌકીરખાન, સાકીબખાન લોખંડની પાઇપ, દંડા લઇ ધસી આવ્યાં હતાં અને મહિલા અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો. જેમાં સાજીદખાને આજે તો તને જીવતો છોડવાનો નથી. તેમ કહી જાનથી મારી નાંખવાના ઇરાદે માથામાં લોખંડના સળીયાનો જોરદાર ફટકો માર્યો હતો. આ ઉપરાંત અન્ય શખસોએ લાકડાના દંડાથી મારવા ફરી વળ્યાં હતાં.
જોકે, મહિલાના પતિએ બુમાબુમ કરતાં તેમના પરિવારજનો પણ દોડી આવ્યાં હતાં અને તેમને છોડાવ્યાં હતાં. આ હુમલાથી મહિલાના પતિને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બીજી તરફ હુમલો કરનારા શખસોએ ધમકી આપી હતી કે, અમારી સાથે કોઇ પણ જાતનો ઝઘડો કરશો તો જીવતા રહેવા દઇશું નહીં.
આ અંગે પેટલાદ ટાઉન પોલીસે રિફાકતખાન મુખત્યારખાન પટાણ, ફરદીનખાન રિફાકતખાન પઠાણ, સાજીદખાન મુખત્યારખાન પઠાણ, આદીલખાન મહોતરમખાન પઠાણ, અકીલખાન મહોતરમખાન પઠાણ, અસરફખાન ખલીલખાન પઠાણ, તાહીરખાન ખલીલખાન પઠાણ, મજરખાન ખલીલખાન પઠાણ, તૌકીરખાન સાજીદખાન પઠાણ, સાકીબખાન સાજીદખાન પઠાણ (રહે. તમામ પઠાણવાડા, પેટલાદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.