એક ભગવાનમાં પરમ શ્રધ્ધા રાખનાર,ભક્ત વેપારી શેઠ.નીતિ રાખીને વેપાર કરે અને ભગવાન પર અટલ શ્રધ્ધા એટલે ખોટું કરવાનું વિચારે પણ નહિ; રોજ સવારે મંદિરે જઈને પછી જ ભોજન લેવાનો નિયમ અને આ નિયમ ગમે તેટલું મહત્ત્વનું કામ હોય તો પણ પાળે જ.બનવાકાળ આ વેપારીનો એક મોટો સોદો ખોટો પડ્યો અને બહુ મોટી ખોટ ગઈ.ઘર, પેઢી બધું વેચીને ભાડે રહેવાનો અને વેપારના સ્થાને નાનકડી નોકરી કરવાનો વારો આવ્યો. વેપારી દુઃખી દુઃખી થઇ ગયા અને વિચારવા લાગ્યા, હું નીતિથી વેપાર કરતો હતો.
ભગવાનની આટલી ભક્તિ કરતો હતો અને તેમનાં દર્શન કર્યા વિના ભોજન પણ કરતો ન હતો, છતાં ઈશ્વરે મારી સામે ન જોયું અને મારી આવી પરિસ્થિતિ કરી નાખી.હવે મારે ભક્તિ કરવી જ નથી.બીજે દિવસે સવારે વેપારી ઊઠ્યા.રોજ તૈયાર થઈને મંદિરે જનાર વેપારીએ નક્કી કર્યું, હવે હું મંદિરે નહિ જાઉં. સીધો જ નોકરી પર જઈશ.પત્નીએ કહ્યું, ‘સાંભળો છો, જલ્દી મંદિરે જઈને આવો, નાસ્તો તૈયાર જ છે.’ વેપારીએ કહ્યું, ‘હવે હું મંદિરે જવાનો નથી.’થોડી વાર સુધી કોઈ કંઈ ન બોલ્યું.પછી પત્નીએ કહ્યું, ‘તો પછી શું તમે રોજ ભોજન પણ નહિ કરો?’વેપારી બોલ્યો, ‘ભોજન તો કરીશ નહિ તો જીવીશ કઈ રીતે? પણ હવે ભજન,ભક્તિ ,મંદિર બધું બંધ.જો ભગવાન હોત તો આપણી આવી પરિસ્થિતિ થોડી હોત. માટે બધું બંધ.’પત્ની બોલી, ‘આ તો તમે ભૂલ કરો છો.
જીવનમાં ગમે તેટલાં કષ્ટ આવે કે તકલીફો પડે, ભગવાનનો સાથ ન છોડાય એટલે કે તેમની ભક્તિ ન બંધ કરાય.શું વેપાર બંધ થયો તો તમે કામ કરવાનું છોડશો? નહિ ને, તમે નોકરી શોધી લીધી ને.શું જીવનમાં દુઃખ આવશે તો તે દુઃખના ભારમાં કાયમ માટે ભોજન કરવાનું છોડશો? નહિ;બહુ બહુ તો એક ટંક કે બે ટંક નહિ જમો.શું તમે બીમાર પડશો તો આજે જ મરી જવું છે એમ વિચારીને શ્વાસ લેવાનું બંધ કરી દેશો? નહિ,તમે બીમારીનો ઈલાજ કરાવશો.તો પછી થોડી તકલીફ આવે તો બધો દોષ ઈશ્વર પર નાખીને તેની ભક્તિ કરવાનું બંધ ન કરાય.
ભગવાનને લોકો સુખમાં ભૂલી જાય, પણ દુઃખમાં તો વધુ યાદ કરે. તમે સુખના દિવસોમાં ભગવાનને ભૂલ્યા ન હતા.રોજ તેમનાં દર્શન કરવા મંદિરે જતાં, તો હવે તો આપણને તેની વધારે જરૂર છે માટે ભક્તિ કરવાનું બંધ ન કરાય.જેમ ભોજન કરવાનું છોડીએ તો શરીરમાં તાકાત ન રહે, તેમ જો ભક્તિ અને ભજન છોડીએ તો મન નિર્બળ બની જાય, માટે ભગવાન કષ્ટ આપે તો તેની ભક્તિ કરવાનું બંધ ન કરાય, ઉલટું, વધુ ભક્તિ કરી કષ્ટ સહન કરવાની તાકાત તેની પાસેથી જ મેળવાય અને તે હંમેશા આપે જ છે અને સાથે જ રહે છે.માટે ભક્તિ તો કરતાં જ રહેવું.’પત્નીની વાતોથી વેપારીની ભક્તિ ફરી જાગી ગઈ અને વેપારી ખુલ્લા પગે મંદિર જવા નીકળી ગયા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.