Editorial

ચૂંટણીઓમાં મફતની રેવડી લેવી કે નહીં? મતદારે પણ આત્મસંશોધન કરવાની જરૂર છે

મફતની રેવડી કલ્ચર પર મોટો વિવાદ સર્જાયા બાદ હવે કોંગ્રેસે પણ આ મફતની રેવડી આપવાની જાહેરાતોમાં ઝુંકાવી દીધું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસે એવી જાહેરાત કરી છે કે જો કોંગ્રેસની સરકાર બનશે તો ખેડુતોને 3 લાખ સુધીના દેવા માફ કરી દેવાશે. ખેડૂતોને 10 કલાક મફતમાં વીજળી પણ આપવામાં આવશે. કોંગ્રેસે આ મફતની રેવડી વહેંચવાની કરેલી જાહેરાતને પગલે આગામી દિવસોમાં ગુજરાતની ચૂંટણીમાં મતદારોને બખ્ખાં થઈ જવાની સંભાવના જોવાઈ રહી છે.

આપ દ્વારા એક પછી એક મફતમાં આપવાની જાહેરાતો કરવામાં આવી રહી છે અને બીજી તરફ ભાજપ દ્વારા પણ આપની જાહેરાતોનો સામનો કરવા માટે કેટલીક મફતની યોજના તેમજ સુવિધાની જાહેરાતો કરાઈ છે. આપ અને ભાજપ મફતની રેવડીના મામલે સામસામે લડી રહ્યું હતું ત્યાં કોંગ્રેસની માત્ર ખેડૂતો માટેની મફતની જાહેરાત રાજકીય આગ વધુ ભડકાવી છે. જે રીતે આપ, ભાજપ અને કોંગ્રેસ દ્વારા જાહેરાતો કરાઈ રહી છે તે જોતાં આ વખતે ગુજરાતની ચૂંટણીમાં મોટી બોલબોલા કયો પક્ષ કેટલું મફતમાં આપવાની જાહેરાત કરે છે તેની રહેશે.

દેશના નાગરિકોને સરકાર દ્વારા મફતમાં કોઈ સુવિધા આપવામાં આવે તો તેનો આવકાર થવો જ જોઈએ પરંતુ શરત એટલી જ છે કે આ સુવિધા મફતમાં આપતી વખતે સરકારની તિજોરી પર કેટલો બોજ પડે છે તેની ગણતરી થવી જોઈએ અને આ નાણાં ક્યાંક દેવું કરીને આવવાના તો નથી ને? તેની પણ ચોખવટ થવી જોઈએ. સત્તા લેવા માટે જે તે રાજકીય પક્ષ મફતમાં સુવિધાઓ આપવાની જાહેરાતો કરી દે છે અને સત્તા પર આવ્યા બાદ તેને પુરી પણ કરે છે પરંતુ તેમાં લાંબાગાળે જે તે રાજ્ય કે દેશને મોટું આર્થિક નુકસાન રહેલું છે. એક અંદાજ પ્રમાણે, દેશના તમામ રાજ્યોનું દેવું હાલમાં 60 લાખ કરોડ છે. આ દેવું એટલું છે કે જે તે રાજ્યએ દેવાળું ફૂંકવું પડે. જો દેવાળાની સ્થિતિમાં પણ નાગરિકોને કોઈ સુવિધા મફતમાં આપવામાં આવે તો તે સરવાળે નાગરિકો માટે જ ખોટનો ધંધો રહેલો છે. અત્યાર સુધીમાં દેશ કે જે તે રાજ્યમાં ખેડૂતોના દેવા અનેક વખત માફ કરવામાં આવ્યા છે. આમાં જેને જરૂર નથી તેવા ખેડૂતોને પણ માફીનો લાભ મળે છે. જે ખોટું છે.

ભારતનું રાજકારણ એવું છે કે જે ખરેખર લાભને હકદાર છે તેને લાભ મળતો નથી અને સરકારની યોજનાનો લાભ એવા લોકોને મળે છે કે જે યોગ્ય નથી અને મેલી મથરાવટી ધરાવે છે. મફતનું આપવાની જાહેરાત કરનાર જે તે રાજકીય પક્ષે સત્તા પર આવ્યા બાદ આ મુદ્દે મોટું સંશોધન કરવાની જરૂરીયાત છે. સરકારો દ્વારા યોજનાની જાહેરાતો કરવામાં આવે છે પરંતુ તેના અમલમાં એટલા છીંડા હોય છે કે તેનો લાભ ગેરલાયક વ્યક્તિને મળે છે અને જરૂરીયાતમંદ અટવાય છે. સરકારે યોજનાના અમલમાં આ છીંડા પુરવાની જરૂર છે. જો રાજ્ય કે દેશની તિજોરીમાં નાણાં હોય તો તેને લોકોના લાભ માટે વાપરવાનો સ્હેજેય વાંધો નથી. ખરેખર તો લોકો પરસેવાની કમાણીમાંથી કરવેરા ભરે છે અને સરકારે તે વેરાના નાણાં પરત આપવાના ભાગરૂપે જ યોજનાઓ અમલમાં લાવવાની હોય છે.

સરકારનું કામ ખરેખર રોબિનહુડ જેવું છે. ફરક માત્ર એટલો જ છે કે સરકારે સીધી લૂંટ ચલાવવાની નથી પણ નાગરિકો પાસેથી કરવેરા લઈને તેનાથી જરૂરીયાતમંદને લાભ આપવાનો છે. પરંતુ કમનસીબે ભારતમાં આવું થતું નથી. એવું જોવામાં આવ્યું છે કે સરકારની યોજનાનો લાભ ગરીબો કરતાં માલેતુજારોને વધારે થયો છે. જેથી મફતની જાહેરાતો કરતાં પહેલા દરેક રાજકીય પક્ષે ખરેખર આત્મમંથન કરવાની જરૂરીયાત છે. સાથે સાથે પ્રત્યેક મતદારે પણ એ જોવાની જરૂર છે કે આ મફતની સુવિધાની શું જરૂર છે? કારણ કે આજનું મફત આવતીકાલે ડબલગણી કિંમતનું મોંઘું પણ પડી શકે છે. જે રીતે દેશના રાજ્યો પર દેવા છે તે જોતાં હાલના તબક્કે ચોક્કસ નિયત વર્ગ સિવાય તમામ જનસમુહને મફતનું આપવાની કોઈ જ જરૂરીયાત નથી. જો દેશનો મતદાર સમજશે તો રાજકીય પક્ષોને સમજવામાં વાર નહીં લાગે તે ચોક્કસ છે.

Most Popular

To Top