સુરત : ઉધનામાં (Udhana) યુનિયન બેંકમાં (Bank) રૂપિયા જમા કરાવવા ગયેલા પૂજારીને બે ગઠિયાઓ ભેટી ગયા હતા. બંને ઠગબાજોએ મુંબઇથી (Mumbai) શેઠ પગાર આપતા નહીં હોવાથી રૂા.અઢી લાખ ચોરી કરીને લાવ્યા હોવાનું કહીને પૂજારી પાસેથી 42 હજાર લઇ તેની સામે કાગળની ગડ્ડી પકડાવી ફરાર થઇ ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ઉધના આશાનગર-૧ માં રહેતા મૂળ રાજસ્થાનના અનિલકુમાર ગીરીરાજપ્રસાદ શર્મા ઉધના ગામમાં વશી કોલોનીમાં આવેલ દક્ષિણમુખી લાભેશ્વર હનુમાનજી મંદિરમાં છેલ્લા ૧૬ વર્ષથી પુજાપાઠ કરે છે. અનિલકુમાર ઉધનાની યુનિયન બેંકમાં રૂપિયા 42 હજાર ભરવા માટે ગયા હતા. તેઓ રૂપિયા જમા કરવાની સ્લીપ ભરી રહ્યા હતા ત્યારે જ તેમની બાજુમાં ઊભેલા બે અજાણ્યાઓ પૈકી એક દાઢીવાળા યુવકે અનિલકુમારને સૌપ્રથમ તારીખ પુછી હતી.
અનિલકુમારે જવાબ આપ્યા બાદ ફરી બંને યુવકો અંદરોઅંદર વાતો કરતા હતા કે, ‘મારા શેઠે નોકરી ઉપરથી કાઢી નાંખ્યો છે અને શેઠના અઢી લાખ લઇને આવ્યો છે’. થોડીવાર બાદ મજબુત બાંધાના અન્ય એક યુવકે અનિલકુમારને બેંકની બહાર બોલાવ્યો હતો અને કહ્યું કે, ‘તમને મારી ઉપર વિશ્વાસ હોય તો આ મારી પાસેના અઢી લાખ તમે રાખો’ તેમ કહી આપી દીધા હતા. અનિલકુમારે યુવકને કહ્યું કે, હું પણ બેંકમાં રૂપિયા જમા કરાવવા આવ્યો છું, ત્યારે અજાણ્યાએ અનિલકુમારને મદદ કરવાનું કહીને 42 હજાર લઇ લીધા હતા. થોડીવાર બાદ અનિલકુમારને શંકા જતા તેઓ ખિસ્સામાં નાખેલા રૂપિયા ચેક કરતા તે કાગળની ગડ્ડી જોવા મળી હતી. આ સમય દરમિયાન બંને અજાણ્યા બેંકમાં ભરવા માટેના 42 હજાર લઇ ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે ઉધના પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શ્રમજીવી પાસે તમાકુ માંગી વાતોમાં ભોળવી મોબાઇલ લૂંટી લેનાર ઝડપાયો
સુરત : નવાગામ જુના જકાતનાકા રેલવે ટ્રેક પાસેથી પસાર થતા શ્રમજીવી પાસે તમાકુ માંગી તેને વાતોમાં પાડીને મોબાઇલ ફોનની ચીલઝડપ કરનાર આરોપી મોબાઇલ વેચવા નિકળતા જ એસઓજીએ ઝડપી પાડ્યો હતો. એસઓજી પાસેથી મળતી વિગતો અનુસાર ઇ-એફઆઇઆર અંતર્ગત નોંધાયેલી ફરિયાદોના ડેટા એનાલિસિસ કરીને એસઓજીની ટીમે ડિંડોલી ચિંતા ચોક શાકભાજી માર્કેટ પાસે વોચ ગોઠવીને આરોપી સુમિત વિજય ચૌધરી (રહે. નરોત્તમનગર, ચિંતા ચોક, નવાગામ-ડિંડોલીને) ઝડપી પાડી તેની પાસેથી રૂ.13,499 નો મોબાઇલ કબ્જે લીધો હતો. આ મોબાઇલ નવાગામ જુના જકાતનાકા પાસેથી એક શ્રમજીવી પાસેથી લૂંટી લીધો હોવાની આરોપીએ કબુલાત કરી હતી.