Editorial

નીતિશકુમાર ફરી મુખ્યમંત્રી બની ગયા પણ બિહારનું રાજકારણ હવે નવા રંગ દેખાડશે

ભારતમાં રાજકારણનો પર્યાય મનાતા કોઈ રાજ્યો હોય તો તેમાં ઉત્તરપ્રદેશ અને બિહારનો સમાવેશ જરૂરથી થાય. તેમાં પણ બિહારનું રાજકારણ હંમેશા ચર્ચાસ્પદ જ હોય છે. એક સમયે બિહારમાં કોંગ્રેસનો દબદબો હતો પરંતુ ત્યારબાદ બિહારમાં લાલુપ્રસાદ યાદવે એવો પગદંડો જમાવ્યો કે બિહાર અને લાલુપ્રસાદ યાદવ એકબીજાના પર્યાય બની ગયા હતા. લાલુ પ્રસાદે રથયાત્રા દરમિયાન ભાજપના લાલકૃષ્ણ અડવાણીની અટકાયત કરીને મક્કમ મનોબળનો પરિચય આપ્યો હતો. જોકે, ઘાસચારા કૌભાંડમાં ફસાઈ ગયા બાદ લાલુ પ્રસાદ ફરી ઊભા થઈ શક્યા નહીં. પરંતુ લાલુ પ્રસાદની પાર્ટી આરજેડી બિહારના રાજકારણમાં પોતાનું અસ્તિત્વ ટકાવવામાં સફળ રહી. લાલુ પ્રસાદ બાદ બિહારના રાજકારણમાં જો કોઈ સૌથી વધુ સફળ રહ્યું હોય તો તે નીતિશકુમાર છે. નીતિશકુમારે લાલુ પ્રસાદ યાદવના કહેવાતા જંગલરાજને દૂર કરવામાં સફળતા મેળવતાં તેમનો બિહારના રાજકારણમાં દબદબો યથાવત રહ્યો છે અને તેમાં પણ નીતિશકુમારની જનતાદળ (યુ) પાર્ટીએ તડજોડની રાજનીતિ અપનાવીને નીતિશકુમારને બિહારના મુખ્યમંત્રી તરીકે યથાવત રાખ્યા છે. નીતિશકુમારને લોકો ભલે ‘પલ્ટુરામ’ તરીકે ઓળખે છે પરંતુ એક વાત ચોક્કસ છે કે, નીતિશકુમાર રાજકારણમાં હવા કઈ તરફ જઈ રહી છે તેને પારખવામાં ભારે નિષ્ણાંત છે.

ભૂતકાળની જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ચહેરા તરીકે જાહેર કર્યા ત્યારે નીતિશકુમારે તેનો વિરોધ કરીને એનડીએનો ત્યાગ કરી દીધો હતો. આ ડંખ નરેન્દ્ર મોદી ભૂલ્યા નથી. નરેન્દ્ર મોદીનો ગુણ કહો કે અવગુણ, પણ જે તેની સાથે રહે છે તેની પર મોદી ઓવારી જાય છે અને જે મોદીને વિરોધ કરે છે, નરેન્દ્ર મોદી સમય આવ્યે તેનો ઘડોલાડવો કરી દેવા માટે જાણીતા છે. પોતાનો વિરોધ કરવામાં આવ્યો હોવા છતાં પણ બિહારમાં સત્તામાં ટકી રહેવા માટે ભાજપે 2017માં જ્યારે નીતિશકુમાર આરજેડીના તેજસ્વી યાદવ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને મહાગઠબંધનમાંથી છૂટા પડ્યા ત્યારે તેની સાથે ગઠજોડ કરી લીધું હતું.

જોકે, નીતિશકુમારે કરેલો વિરોધ મોદીએ યાદ રાખ્યો હતો અને 2020માં જ્યારે બિહાર વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ચિરાગ પાસવાન સાથે મળી જઈને જેડીયુ સામે ચિરાગ પાસવાન થકી ઉમેદવારો ઊભા રખાવ્યા હતા. નીતિશકુમાર તે સમયે ગમ ખાઈ ગયા પરંતુ હવે જ્યારે ભાજપે બિહારમાં તમામ બેઠકો પર પક્ષને મજબૂત કરવા માટે અભિયાન છેડવાની જાહેરાત કરી કે નીતિશકુમારે મોકો ઝડપી લીધો. હજુ બે વર્ષ પહેલા જ ભાજપ સાથે જોડાણ કરીને વિધાનસભાની ચૂંટણી જીતેલા નીતિશકુમારે ભાજપને રામરામ કરીને ફરી આરજેડી અને કોંગ્રેસ સાથે મહાગઠબંધન રચી પોતાની સત્તા ટકાવી રાખી.

2014માં સત્તા પર આવ્યા બાદ ભાજપ અને નરેન્દ્ર મોદીની મનસા આખા દેશમાં તમામ રાજ્યોમાં પોતાની સરકારો સ્થાપી દેવાની છે. આ અભિયાનમાં તેઓ જ્યાં ચૂંટણી જીતવામાં સફળ નથી થતાં ત્યાં યેનકેન પ્રકારે સરકારો ગબડાવીને સત્તા લઈ લે છે. આ માટે જે સરકારી એજન્સીનો ઉપયોગ કરવો પડે તેનો ઉપયોગ પણ કરી લે છે. કોમવાદની સાથે રાષ્ટ્રવાદને જોડીને નરેન્દ્ર મોદી અને અમિત શાહે એવી જાળ બનાવી છે કે વિપક્ષના તમામ નેતાઓ તેમાં ભેરવાય જાય છે. જે ભેરવાતા નથી તેઓ કૌભાંડમાં ભેરવાય છે અને મોદી અને શાહની ઈચ્છા પાર પડે છે. મહારાષ્ટ્રમાં જેવી તક મળી કે તુરંત મોદી અને શાહે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકારને પાડી દીધી.

આ જ રીતે ભાજપ બિહારમાં પણ સરકાર પાડી દેવા માટે તૈયારી કરી રહ્યો હતો. જે કામ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ કર્યું તે બિહારમાં આરસીપી સિંહ પાસે કરાવવા માટે ભાજપે આયોજન કર્યું પરંતુ જ્યાં ઉદ્ધવ ઠાકરે માર ખાઈ ગયા ત્યાં રાજકારણના અઠંગ ખેલાડી નેતા નીતિશકુમારને તેની ગંધ આવી ગઈ અને ભાજપને પડતો મુકીને તેમણે ફરી બિહારમાં મહાગઠબંધનની સરકાર રચી લીધી. નીતિશકુમારે બિહારમાં સરકાર તો રચી લીધી પરંતુ રાજકીય લડાઈની આ શરૂઆત છે. નીતિશકુમાર માટે હવે ચઢાણ કપરા છે. નીતિશકુમારને ફિટ કરી દેવા માટે મોદી અને શાહ તમામ પ્રયાસો કરશે અને તેનાથી નીતિશકુમારે બચવાનું રહેશે. બિહારની રાજકીય લડાઈ આગામી દિવસોમાં નવા નવા રંગ દેખાડશે પણ બિહારમાં જે થયું છે તે ભાજપને નુકસાનકારક છે. આ તમામ રાજકીય સ્થિતિ ભાજપ માટે 2024માં લોકસભાની ચૂંટણીમાં મુશ્કેલીઓ ઊભી કરશે તે નક્કી છે.

Most Popular

To Top