Entertainment

સબકી ‘‘ડાર્લિંગ’’ આલિયા

આજની સ્ટાર અભિનેત્રીઓ વધારે વ્યવહારુ બની ગઇ છે. તેઓ ફિલ્મના માધ્યમને મોટું તો માને છે પણ ઓટીટી પ્લેટફોર્મનો ય આદર કરે છે અને એટલે થિયેટરોમાં રજૂ થશે એવા આગ્રહો સાથે ફિલ્મોમાં કામ નથી કરતી. તાપસી પન્નુ, દિપીકા પાદુકોણ, કંગના રણૌત, કાજોલ વગેરેની ફિલ્મો ઓટીટી પર આવી ચુકી છે અને આલિયા ભટ્ટની ‘ડાર્લિંગ્સ’ હવે આવી છે. મિડીયા આભડછેટ ઓછા થવા માંડયા છે કારણ કે થિયેટરમાં રજૂ થાય તો જ ફિલ્મ મોટી ને સ્ટાર મોટા એવા ખ્યાલ હવે ટકે તેમ નથી. થિયેટરમાં રજૂ કર્યા પછી બીજા અઠવાડિયા સુધી ટકવું પણ મુશ્કેલ પડતું હોય તો ખોટો વટ મારવો શું કામ?

આલિયા ભટ્ટ જોકે સ્ટારઇગો વિનાની સ્ટાર છે. તે તેના પર્ફોમન્સ પર જ ધ્યાન આપે છે ને સારો પર્ફોમન્સ સારા વિષય, સારા પાત્ર, સારી પટકથા અને દિગ્દર્શક વડે જ શકય છે તેવી તેની સુઝ છે. તેના ચહેરા પર એક સહજ નિર્દોષતા છે અને અભિનયના વલણમાં ઉંડાણ છે. આ બાબત તેને અત્યારની અન્ય અભિનેત્રીઓમાં જૂદી બનાવે છે. એવું જો કે દિપીકા પાદુકોણેમાં પણ છે પરંતુ તેઓ સ્પર્ધા વિના કામ કરે છે. હવે બધી જ અભિનેત્રી સમજે છે કે કોઇ ટોપ પર નથી. જયારે જેની ફિલ્મ રજૂ થાય ને ચાલી નીકળી તો ત્યારે તે સમય પૂરતી ટોપ પર છે. ફિલ્મ ઉતરી તો ફરી પોતાને સાદા સ્ટાર જ માનવા. અલબત્ત સારા પર્ફોમર અને એટિટયૂડ અને બોકસ ઓફિસ પરની ડિમાંડ જોવામાં આવે છે પણ આ ડિમાંડ તો સતત બદલાતી રહે છે. આલિયા આ રિયાલિટી સમજે છે.

તે કંગના રણૌત જેવી ધમંડી નથી બનતી કે કેટરીના કે જેને પોતાના ગ્લેમર પર વધારે વિશ્વાસ છે એવા વિશ્વાસમાં પણ માનતી નથી. એટલે જ ‘ઉડતા પંજાબ’ યા ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ પ્રકારની ભૂમિકા કરી શકે છે. ‘ડાર્લિંગ્સ’ ફિલ્મ થિયેટર રિલીઝ માટે નથી એવું સમજવા છતાં તેણે શાહરૂખ ખાન સાથે સહનિર્માણની તૈયારી બતાવી. આજકાલ કાજોલ દિપીકા પણ સારી ભૂમિકા માટે સ્વયં નિર્માત્રી બને છે અને એવું આલિયા પણ કરે છે. સારા પાત્રો મેળવવા જાતે પણ ખર્ચાવુ પડે, જાતે ય સાહસ કરવા પડે. માત્ર નિર્માતાને જોખમે સારી ભૂમિકાની રાહ જોયા કરે તો કોઇ પણ રીતે યોગ્ય ન જ હોય શકે. નિર્માતા માટે કમાણી લક્ષય છે તો તે એવી જ ફિલ્મો બનાવશે ને અભિનેતા-અભિનેત્રી માટે જો અભિનય લક્ષય હોય તો તેના માટે ખર્ચાવાની પણ તૈયારી બતાવવી જોઇએ.

તમે જોશો તો આલિયા બને ત્યાં ઓરીજિનલ ફિલ્મોમાં જ કામ કરે છે. રિમેકમાં સફળતા બાબતે અમુક ગેરંટી હોય છે અને પર્ફોમન્સ વિશે પણ દિશા મળી જાય છે. પણ તે રિમેક ફિલ્મોમાં કામ નથી કરતી. તે તો સિકવલથી પણ દૂર રહે છે. હકીકતે તે બહુ બેફિકર એકટ્રેસ છે એટલે જ પોતાની સાથે ટોપ સ્ટાર્સ જ હશે તેવો આગ્રહ નથી રાખતી એટલે તેના નિર્માતા પણ કમ્ફર્ટ રહે છે અને દિગ્દર્શકો વધુ ઇનોવેટિવ યોજના બનાવી શકે છે. સંજય લીલા ભણશાલી તેને લઇને ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ પ્લાન કરી શકયા હતા. ‘આરઆરઆર’ના નિર્માતા દિગ્દર્શકને આલિયા પોતાની ફિલ્મમાં હોય એવી જરૂરિયાત લાગી હતી. બાકી તમે જુઓ તો છેલ્લે ‘રાઝી’ સિવાય તેની કોઇ ફિલ્મ સફળ નથી રહી.

આલિયા હવે એવા તબક્કે પહોંચી છે જેમાં તેની નિષ્ફળ ફિલ્મો પણ એક ખાસ મૂલ્ય ધરાવે છે. તેનો એવો ચાહક વર્ગ છે જે થિયેટરમાં ન ચાલેલી ફિલ્મ જો ઓટીટી પ્લેટફોર્મ પર આવે તો જોઇ નાંખે. આલિયામાં રિસ્ક લઇ શકાય કારણ કે તે વિષય અને પાત્ર પસંદગીમાં ખાસ કારણો ધરાવતી હોય છે. તેનામાં નિર્માતાઓને પણ ઘણો વિશ્વાસ હોય છે. અત્યારે તે ગર્ભવતી છે તો પણ કોઇ નિર્માતાએ એવી ફરિયાદ નથી કરી કે અમારી ફિલ્મ અટવાઇ જશે. તેમને ખબર છે કે આલિયા યોજનાબધ્ધ રીતે ફિલ્મોમાં જોડાયેલી રહેશે આને પ્રોફેશનલ કમિટમેન્ટ કહી શકાય. ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ તેના રણબીર સાથેના ડેટિંગ દિવસોની ફિલ્મો છે અને તેથી તેમાં તેઓ વધારે રોમેન્ટિક દેખાય એ શકય છે પણ તે અભિનયનું વર્તુળ છોડી કશું નથી કરતી. આલિયાના મા બનવાના મહિનાઓમાં ‘ડાર્લિંગ્સ’ રજૂ થઇ અને ‘બ્રહ્માસ્ત્ર’ પણ આ મહિનાઓમાં જ રજૂ થશે. મા બન્યા પછી ‘જી લે જરા’, ‘રોકી ઔર રાજા કી પ્રેમ કહાની’ અને કદાચ ‘બૈજુબાવરા’માં આગળ વધશે. આલિયાને જોઇ તેની સમકાલીન અભિનેત્રીઓ શીખી શકે છે. •

Most Popular

To Top