બર્મિંઘમ : કોમનવેલ્થ ગેમ્સમાંથી (CWG) શૂટીંગની ઇવેન્ટની બાદબાકી કરવામાં આવ્યા પછી બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત (India) ટોચના પાંચમાંથી આઉટ (Out) રહેશે એવી સંભાવનાઓ પહેલા વ્યક્ત કરવામાં આવી હતી, જો કે ટ્રેક એન્ડ ફિલ્ડના એથ્લેટ્સ અને લોન બોલ્સની રમતમાં ખેલાડીઓએ મેળવેલી સફળતાને કારણે ભારત 22 ગોલ્ડ સહિત કુલ 61 મેડલ સાથે ચોથું સ્થાન મેળવવામાં સફળ થયું હતું. ગોલ્ડ કોસ્ટ કોમમવેલ્થ ગેમ્સમાં ભારતે 66 મેડલ જીત્યા હતા, જેમાંથી 25 ટકા મેડલ શૂટીંગમાં મેળવ્યા હતા, તેથી એવું મનાતું હતું કે ભારત માંડ 50 મેડલના આંકડાને સ્પર્શી શકશે. જો કે ટ્રેક એન્ડ ફિલ્ડની સ્પર્ધાઓમાં મળેલી સફળતા ભારતને ચોથા સ્થાને મૂકવામાં મહત્વની પુરવાર થઇ હતી.
નીરજ ચોપરાની ગેરહાજરી છતાં ભેરતે ટ્રેક એન્ડ ફિલ્ડમાં કુલ 8 મેડલ જીત્યા જે આ વિદેશમાં આ ગેમ્સના આયોજનમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. એલ્ડોસ પોલ અને અબ્દુલ્લા અબુબકરે ટ્રીપલ જમ્પમાં પહેલીવાર બે મેડલ ગોલ્ડ અને સિલ્વર, અવિનાશ સાબલેએ 3000 મીટર સ્ટીપલ ચેઝમાં કેન્યાનું વર્ચસ્વ તોડીને સિલ્વર, તેજસ્વીન શંકરે હાઇ જમ્પમાં ભારતને પહેલીવાર મેડલ અપાવી સિલ્વર, મુરલી શ્રીશંકરે લોન્ગ જમ્પમાં 1978 પછી પહેલો મેડલ અપાવી સિલ્વર જીત્યો હતો. આ ઉપરાંત અનુ રાનીએ ભાલા ફેંકમાં બ્રોન્ઝ, પ્રિયંકા ગોસ્વામી અને સંદીપ કુમારે 10000 મીટર વોકીંગ રેસમાં મેડલ જીતીને ભારતની સફળ યશગાથામાં પોતાનો ફાળો નોંધાવી દીધો હતો. જુડોમાં પણ ભારતે ત્રણ મેડલ જીત્યા હતા. આ ઉપરાંત ટેબલટેનિસ, બેડમિન્ટન, જેમજ હોકી અને મહિલા ક્રિકેટના મેડલોએ ભારતને ચોથા સ્થાને રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
લોન બોલ્સમાં ચાર વર્કિંગ વુમને ઇતિહાસ રચી ભારતની સફળતાની કથામાં પોતાની ભૂમિકા ભજવી
ભારતની ચાર વર્કિંગ વુમન લવલી ચોબે, પિન્કી, રૂપા રાની ટિર્કી અને નયનમોની સેકિયા કે જેમાંથી એક પોલીસ કોન્સ્ટેબલ, એક રમત અધિકારી, એક વન અધિકારી અને એક ફિજિકલ એજ્યુકેશન ટીચર મળીને ભારતીયો માટે અજાણી એવી રમત મહિલા લોન બોલ્સ ફોરમાં ગોલ્ડ જીતીને અલગ ઇતિહાસ રચ્યો હતો. તે પછી પુરૂષોની લોન બોલ ફોર્સ ઇવેન્ટમાં નવનીત સિંહ, ચંદન કુમાર, સુનિલ બહાદુર અને દિનેશ કુમારની ચોકડીએ પણ આ ગેમમાં સિલ્વર જીતીને આશ્ચર્ય ઊભું કર્યું હતું.
રેસલિંગમાં ભારતીય રેસલરોએ 6 ગોલ્ડ સહિત 12 મેડલ સાથે પ્રભુત્વ જાળવી રાખ્યું
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય રેસલરોએ ફરી એકવાર રેસલિંગની ઇવેન્ટમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું અને તમામ 12 વેઇટ કેટેગરીમાં મેડલ જીત્યા હતા, જેમાં છ ગોલ્ડનો સમાવેશ થાય છે. ઓલિમ્પિક્સ મેડલિસ્ટ બજરંગ પુનિયા અને રવિ દહિયા માટે ગોલ્ડ જીતવા સરળ રહ્યા, જ્યારે સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે પોતાના ખરાબ પ્રદર્શનોને ભુલાવીને ગોલ્ડ જીત્યો.