સુરત: સુરતમાં (Surat) આજરોજ એટલેકે મંગળવારના રોજ યવમે અશુરાના દિવસે સુરતમાં તાજીયાનું (Tajiya) જુલૂસ નીકળ્યું હતું. સમગ્ર દેશમાં હાલ લોકો વડાપ્રઘાન (PM) નરેન્દ્ર મોદીના જણાવ્યા મુજબ હર ઘર તિરંગા અભિયાન ઉજવી રહ્યાં છે. સમગ્ર દેશ આઝાદીકા અમૃત મહોત્સવને માણી રહ્યાં છે ત્યાં આજે સુરતમાં નીકળેલા જુલૂસમાં પણ દેશભકિતનો રંગ જોવા મળ્યો હતો. મુસ્લિમ સમૂદાયના લોકો પણ દેશભકિતના રંગે રંગાયા હતાં. મુસ્લિમ સમૂદાય દ્વારા મંગળવારના રોજ કાઢવામાં આવેલા જુલૂસમાં લોકો તિરંગો ફરકાવી રહ્યાં હતા આ ઉપરાંત તેઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા તાજીયામાં પણ ચારેબાજુ તિરંગો લગાવ્યો હતો. ઘણાં તાજીયા ઉપર લાઈટિંગ કરવામાં આવી હતી જેના ઉપર તિરંગાના પ્રતિકૃતિ જોઈ શકાતી હતી. મુસ્લિમ સમૂદાયના આજના ખાસ દિવસે પણ લોકો દેશભકિતના રંગ રંગાયા હતા.
સુરત શહેરનો તાજીયાનો ઇતિહાસ ખૂબ જુનો
સુરત શહેરનો તાજીયાનો ઇતિહાસ ખૂબ જુનો છે. તેમાં પણ સુરતમાં તાજીયા બનાવવાની રીત અને તાજીયા ફેરવવા માટેની લારીની વાત પણ દિલચસ્પ છે. સુરત શહેરમાં સલાબતપુરા (Salabatpura) મોમનાવાડ ખાતે વર્ષ 1885માં સૌથી પહેલો તાજીયા બનાવવામાં આવ્યો હતો. વાત કરીએ મોહરમની તો ઇસ્લામ ધર્મમાં ‘ઇદ’ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. જયારે ‘મોહરમ’ એ હજરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. તેમજ હજરત ઇમામ હુસેનની યાદમાં ‘તાજિયા’ બનાવીને, ભવ્ય રીતે તેને શણગારીને જુલૂસ કાઢવામાં આવે છે.
મહોરમ મહિનાનો દસમો દિવસ સૌથી વિશેષ
મળતી માહિતી મુજબ પયગંબર હઝરત મુહમ્મદના પૌત્ર ઈમામ હુસૈનની શહાદતને યાદ કરીને મુસ્લિમ સમુદાયના લોકો મુહરતની ઉજવણી કરે છે. મહોરમ મહિનાનો દસમો દિવસ સૌથી વિશેષ માનવામાં આવે છે. ઈતિહાસમાં જણાવવામાં આવ્યું છે કે મોહરમ મહિનાની 10 તારીખે પયગંબર હઝરત મોહમ્મદના પૌત્ર હઝરત ઈમામ હુસૈન કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા. તેણે ઇસ્લામના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું. આ યુદ્ધમાં તેમની સાથે તેમના 72 સાથીઓ પણ શહીદ થયા હતા. કરબલા ઇરાકનું એક શહેર છે, જ્યાં ઇમામ હુસૈન અને યઝીદની સેના વચ્ચે મુકાબલો થયો હતો તે જ સ્થળે હઝરત ઇમામ હુસૈનની કબર બનાવવામાં આવી હતી. આ સ્થળ ઈરાકની રાજધાની બગદાદથી લગભગ 120 કિમી દૂર આવેલું છે.
મોહરમના દિવસે ઈસ્લામ ધર્મના શિયા સમુદાયના લોકો તાજિયા કાઢીને શોક મનાવે છે. વાસ્તવમાં, જે જગ્યાએ ઈમામ હુસૈનની કબર બનાવવામાં આવી છે, તે જ કદના તાજીયા બનાવીને પ્રતીકાત્મક રીતે જુલૂસ કાઢવામાં આવે છે. આ જુલૂસમાં મુસ્લિમ લોકો આખા રસ્તે માતમ મનાવે છે. લોકો શોક વ્યક્ત કરે છે કે હુસૈન, અમે કરબલાના યુદ્ધમાં તમારી સાથે નહોતા, નહીં તો અમે પણ ઇસ્લામની રક્ષા માટે અમારા જીવનની આહુતિ આપી દીધી હોત. એવું કહેવાય છે કે આ તાજીયાઓને કરબલાના યુદ્ધના શહીદોના પ્રતિક માનવામાં આવે છે. જુલૂસ ઈમામબારાથી શરૂ થઈને કરબલા ખાતે સમાપ્ત થાય છે અને તમામ તાજીયાને ત્યાં દફનાવવામાં આવે છે. મુસ્લિમો આ દિવસે શોક દર્શાવવા કાળા કપડાં પહેરે છે. પૂર્વજોના બલિદાનની ગાથાઓ શોભાયાત્રામાં સંભળાવવામાં આવે છે, જેથી આજની પેઢી તેનું મહત્વ સમજી શકે અને જીવનનું મૂલ્ય જાણી શકે.