Sports

પાકિસ્તાનના ખેલાડીના આ એલાનથી ભારતના ભાલાફેંક ચેમ્પિયન નિરજ ચોપરાની ચિંતા વધી

નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) ખેલાડી અરશદ નદીમે (Arshad Nadim) કોમનવેલ્થ ગેમ્સ 2022માં (CWZ 2022) ભાલા ફેંક પ્રતિયોગિતામાં ગોલ્ડ (Gold Medal) જીતીને ઈતિહાસ રચી દીધો છે. અરશદે ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નિરજ ચોપ્રાથી (Niraj Chopra) એક ડગલું આગળ વધીને 90 મીટરથી વધુ દૂર થ્રો કરીને આ ગોલ્ડ જીત્યો હતો. જ્યારે નીરજ 89.94થી વધુ ભાલો ફેંકી શક્યો ન હતો. ગોલ્ડ જીત્યા બાદ અરશદે જે એલાન કર્યું છે તે સાંભળી નિરજ ચોપરાની ચિંતા વધી ગઈ છે.

અરશદ નદીમે ઈજાગ્રસ્ત હોવા છતાં 90.18 મીટર દૂર ભાલો ફેંકીને કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ભારતીય ખેલાડી નિરજનું સ્વપ્ન 90 મીટર દૂર ભાલો ફેંકવાનું હતું. પરંતુ નદીમે એક નિવેદનથી તેના માટે કેટલીક મુશ્કેલીઓ ઊભી કરી છે. નદીમે એક નિવેદનમાં કહ્યું કે તે કોમનવેલ્થમાં 95 મીટર દૂર ભાલો ફેંકવા માંગતો હતો, પરંતુ ઈજાને કારણે તે કરી શક્યો નહીં. જોકે, હવે નદીમે પોતાના માટે જે ટાર્ગેટ સેટ કર્યો છે તે સાંભળી નિરજ ચોપરાનું ટેન્શન વધી ગયું છે. નદીમનું નવું લક્ષ્ય વર્લ્ડ રેકોર્ડ તોડવાનું છે.

તમને જણાવી દઈએ કે ભાલા ફેંકમાં વર્લ્ડ રેકોર્ડ જર્મનીના જાન એલેઝનીના નામે છે. તેણે 25 મે 1996ના રોજ 98.48 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. નદીમે કહ્યું કે તે વર્લ્ડ રેકોર્ડ (98.48 મીટર) તોડવા માટે સખત તાલીમ લેશે. તેની જાહેરાત બાદ હવે નિરજ ચોપરા માટે થોડું ટેન્શન તો હશે જ. હવે જો નિરજને ભવિષ્યમાં મોટી ટૂર્નામેન્ટમાં નદીમને હરાવવો હશે તો તેણે તેના માટે પણ તૈયારી કરવી પડશે.

ક્રિકેટર અરશદ નદીમ આ રીતે બન્યો ભાલાફેંકનો ખેલાડી
અરશદ નદીમે કહ્યું, ‘મને ગોલ્ડની પૂરી આશા હતી અને મેં ગોલ્ડ જીત્યો. ટોક્યો ઓલિમ્પિકના એક વર્ષ પછી હું રમી રહ્યો હતો. હું કોમનવેલ્થ ગેમ્સમાં સારો દેખાવ કરવા માંગતો હતો. હું 90 મીટર ફેંકવા માંગતો હતો અને તે પણ કર્યું. હું પહેલા ક્રિકેટર હતો. પછી મેં ક્રિકેટ છોડી દીધું અને ઘણી જેવલિન સ્પર્ધાઓમાં ભાગ લીધો. એથ્લેટિક્સમાં રેસ અને જમ્પમાં ભાગ લીધો. પાકિસ્તાનના ભાલા ફેંકનાર નદીમે કહ્યું, ‘મારો મોટો ભાઈ ભાલા ફેંકનો ખેલાડી હતો. મને ગામમાંથી લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી હું જેવલિનમાં આવ્યો હતો. મને હમણાં જ ઈજા થઈ છે. આ સાથે મેં 90 મીટરનો થ્રો પણ કર્યો હતો. જો ઈજા ન થઈ હોત તો મેં 95 મીટર ફેંકવાની અપેક્ષા રાખી હોત. હવે હું તાલીમ આપીશ અને વિશ્વ રેકોર્ડ તોડવાની આશા રાખું છું.

Most Popular

To Top