સુરત : આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ‘હર ઘર તિરંગા’ (Haar Ghar Tiranga) લહેરાવા માટેની મુહિમ જોર ઉપર છે. ત્યારે સુરતના કાપડ માર્કેટો (Cloth Markets of Surat) તિરંગાને રંગે રંગાયા છે. કાપડ માર્કેટમાં હાલ ભવ્ય ત્રિરંગા યાત્રા (Tiranga Yatra)નો થનગનાટ ચાલી રહ્યો છે. બીજી તરફ મિલો માંથી ડાઇંગ અને પ્રિન્ટિગ બાદ તૈયાર થયેલા તિરંગાઓનું કટિંગ, ફોલ્ડિંગ અને પેકિંગની તૈયારીઓ પુરજોશમાં હોવાના વિડીયો સોશ્યલ મીડિયા ઉપર ખુબ વાયરલ થયા છે.
ઘોડીઓ ઉપર સાડીની જગ્યાએ હવે તિરંગાના તાકા
સામાન્ય રીતે કાપડ માર્કેટમાં દુકાનોની બહાર મુકવામાં આવેલ ઘોડીઓ ઉપર માત્ર સાડીઓનું માપ લઇ કટીંગ કરવાની પ્રક્રિયા થાય છે. પરંતુ છેલ્લા પખવાડિયાથી માર્કેટના રંગ-ઢંગ બદલાઈ ગયા છે. ડાઇંગ-પ્રિન્ટિગ સાડીઓની જગ્યાએ જ્યાં જુઓ ત્યાં તિરંગાઓ નજરે ચઢી રહ્યા છે. કારીગરો પણ હવે છેલ્લા-છેલ્લા દિવસોમાં બે શિફ્ટમાં કામ કરીને ઓર્ડરને પહોંચી વળવાની કવાયતમાં લાગી ગયા છે. આવા સમયમાં હવે દુકાન માલિકો અને કારીગર વર્ગથી લઇ હમાલ અને ટેમ્પો ચાલકો પણ ખુબ વ્યસ્ત થઇ ગયા છે.
કટિંગ, ફોલ્ડિંગ-પેકીંગના કારીગરો ડબલ શિફ્ટમાં કામ કરે છે
સુરતની ડાઈંગ મિલોમાં 10 કરોડ તિરંગા બનવવાના ઓર્ડર મળ્યા છે. ટાઈમલાઈન પ્રમાણે ડાઇંગ હાઉસવાળાઓ તિરંગા બનાવીને કાપડ માર્કેટોમાં મોકલી આપે છે. માર્કેટમાં તાકા સ્વરૂપમાં પ્રિન્ટ થઇને આવેલ તિરંગા પહેલા ઘોડી ઉપર ત્યારબાદ તેનું કટિંગ ફોલ્ડિંગ અને બોક્સવાઇઝ પેકીંગ વગેરેની પ્રોસેસ થાય છે. પછી ઑર્ડર પ્રમાણેના રાજ્યો વાઈઝ પાર્સલ રવાના થાય છે. સાડીઓની જેમ હવે તિરંગાઓની ઘડી કરવા માટે કારીગરો લગાતાર ડબલ-શિફ્ટમાં કામ કરે છે.
10 ઑગષ્ટે માર્કેટમાં મહા તિરંગાયાત્રાનું આયોજન
કાપડ બજાર સાથે સંકળાયેલા વેપારીઓ એક સાથે હજારોની સંખ્યામાં પદયાત્રા કરશે. લગભગ 4 કિમીની આ યાત્રામાં દેશભક્તિ, એકતા અને ભાઈચારાનો સંદેશ આપતી અનેક પ્રકારની ઝાંખીઓ જોવા મળશે. દેશભક્તિની થીમ પર રંગબેરંગી પોશાકમાં લોકો જોવા મળશે. અનેક બાળ કલાકારો દેશભક્તિના ગીતો ગાઈને ઉત્સાહ વધારશે. તલવારબાજી સહિત અનેક પ્રકારના પરાક્રમ જોવા મળશે. રેલ્વે સાથે જોડાયેલા કાપડના વિવિધ ભાગો, આવા કુલી ભાઈઓ પણ તેમના યુનિફોર્મમાં આ યાત્રામાં જોડાશે. આ યાત્રામાં વિવિધ સમાજ પોતપોતાના ગણવેશમાં રહીને દેશભક્તિ અને ભાઈચારાનો સંદેશ આપશે. ઉપરાંત આ યાત્રામાં તમામ વર્ગના લોકો ભાગ લેશે