નડિયાદ : નડિયાદ નગરપાલિકાના વડાપ્રધાનના ડિઝિટલ ભારતના સ્વપ્ન પર પાણી ફેરવતા કારનામાથી નગરજનો શરમમાં મૂકાયા છે. સાક્ષર નગરી કહેવાતા નડિયાદની વેબસાઈટ 2020 પછી એકપણ વાર જાળવણી કરાઈ નથી. એટલુ તો ઠીક પણ ગયા વર્ષે યોજાયેલી નગરપાલિકાની ચૂંટણી પછી પણ નવાે કોઈ સુધાર સુદ્ધા વેબસાઈટમાં કરેલાે જણાતાે નથી. યાદીમાં અગાઉની ટર્મના પ્રમુખ અને ઉપપ્રમુખ નામો સહિત વેબસાઈટના હોમપેજ ઉપર જ જૂના ચીફ ઓફીસરના ફોટા હજુ પણ યથાવત છે. તો એકાઉન્ટના વિકલ્પમાં પણ છેલ્લા 2018-19માં વિગતો અપડેટ કરેલી દેખાઈ રહી છે.
વેબસાઈટ માત્ર શોભાનો ગાંઠિયો હોય તેમ લાગી રહ્યુ છે, કારણ કે, તેમાં કોઈ પણ જાતની યોજનાકીય માહિતી પણ રાખવામાં આવી નથી. એકતરફ દેશમાં ઈન્ટરનેટ ક્ષેત્રે 4જી બાદ હવે 5જીની રફ્તારનું લોન્ચિંગ નજીકના દિવસોમાં થવાનું છે, ત્યારે નડિયાદ નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની પાંખ પોતાની જ વેબસાઈટમાં સુધાર કરવાનું ચૂકી ગયા છે.
આ ઉપરાંત વેબસાઈટમાં દર્શાવેલા ઈ-ન્યુઝ પેપરના ઓપ્શન પર ક્લિક કરતા છેલ્લે 2016માં મે માસની 9 તારીખે સમાચાર અપડેટ કરાયેલા દેખાઈ રહ્યા છે. 2016 બાદ મોટી સંખ્યામાં નગરપાલિકાના કાર્યક્રમો થયા છે, તેમ છતાં અહીં કોઈ પણ જાતનાે નવાે સુધાર કરેલ જણાતાે નથી.
સ્ટાફ રીટાયર્ડ થયો પણ વેબસાઈટ અપડેટ ન થઈ
નડિયાદ નગરપાલિકાની વેબસાઈટ પર છેલ્લા 2016માં જ સ્ટાફની વિગતો સુધાર કરાયાે હતાે. ત્યારબાદ અત્યાર સુધી સ્ટાફમાં થયેલી બદલીઓ કે નવા સ્ટાફની વિગતોનાે સુધાર કરાયાે નથી. નવાઈની વાત તો એ છે કે, 2016ના સ્ટાફ લિસ્ટ પૈકી હાલની પરિસ્થિતિએ અનેક કર્મચારીઓ વયનિવૃત થઈ ગયા છે. તો કેટલાય વિભાગોમાં કર્મચારીઓની ધરખમ બદલીઓ કરાઈ છે. તેમ છતાં વેબસાઈટમાં કોઈ ફેરફાર કરાયો નથી.
હજુ જુના પ્રમુખ-ઉપપ્રમુખ અને ચીફ ઓફીસરના નામ યથાવત
નડિયાદ નગરપાલિકાની વેબસાઈટ https://www.nadiadmunicipality.com/નો અભ્યાસ કરતા જણાય છે કે, હાલના પ્રમુખ રંજનબેન વાઘેલાની અગાઉની ટર્મમાં પ્રમુખ તરીકે ચૂંટાયેલા દિપિકાબેન સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે કિન્તુભાઈ દેસાઈની બદલે અગાઉની ટર્મના પરીન બ્રહ્મભટ્ટ અને હાલના ચીફ ઓફીસર રૂદ્રેશ હુદળના સ્થાને અગાઉના પ્રણવભાઈ પારેખના નામનો ઉલ્લેખ છે. વળી ચીફ ઓફીસરમાં તો પ્રણવભાઈ પારેખનો ફોટો પણ હજુ યથાવત છે.
લ્યો બોલો.. પાલિકામાં ડિઝીટલ પેમેન્ટની કોઈ સુવિધા નહીં.
નડિયાદ નગરપાલિકામાં કરવેરા સહિત અન્ય કેટલાય જરૂરી કામો માટે નાગરીકો નાણાંકીય લેવડ-દેવડ કરતા હોય છે. ત્યારે નડિયાદ નગરપાલિકામાં જે કોઈ નાગરીકે જવુ હોય તેણે રોકડા પૈસા જ લઈને જવાની ફરજ પડી રહી છે. એકતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિઝિટલ ઈન્ડિયા અંતર્ગત ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર ભાર મૂકી રહ્યા છે. ત્યારે નડિયાદ પાલિકાના સત્તાધીશો હજુ કાર્ડ પેમેન્ટ સુધી પણ પહોંચ્યા નથી.