ભારત જેવા ધર્મપ્રધાન દેશમાં સમય પ્રતિસમય આવતા તહેવારો રોજિંદા જીવનવ્યવહારમાં વ્યસ્ત માનવીને વિશેષ ઉત્સાહ, આનંદ તેમજ ધર્મપરાયણતાની પ્રેરણા બક્ષે છે. ભારતવર્ષમાં ઉજવાતા અનેક તહેવારોમાં રક્ષાબંધન જ એક વિશેષ તહેવાર છે કે જે પવિત્ર સંબંધની યાદમાં ઉજવવામાં આવે છે. ખરેખર આ તહેવાર સાચો સ્નેહ, સાત્ત્વિક સંબંધ અને પવિત્રતાના પ્રતીકનો અનોખો તહેવાર છે.
આ તહેવારના વિષયમાં એક શાસ્ત્રકથા છે કે યમે પોતાની બહેન યમુના પાસે રાખડી બંધાવતા એમ કહ્યું હતું કે જે પવિત્રતાનું બંધન બાંધશે તે યમદૂતોના ભયથી મુકત બનશે. એક બીજી શાસ્ત્રકથા અનુસાર જયારે દેવરાજ ઇન્દ્ર પોતાનું દૈવી સ્વરાજય હારી ગયા ત્યારે તેમણે ઇન્દ્રાણી દ્વારા એ પવિત્રતાની રાખડી બંધાવી હતી. જેના દ્વારા ઇન્દ્રે ખોવાયેલું સ્વરાજય ફરી મેળવ્યું. આમ કહી શકાય કે આ તહેવારનો સંબંધ જીવનમાં શ્રેષ્ઠતા તથા નિર્વિકારિતા સાથે છે. તેથી જ તેને વિષતોડ્ક પર્વ પણ કહેવામાં આવે છે.
ઐતિહાસિક દૃષ્ટિથી જોતા પણ રાખડીનો પ્રચલિત રિવાજ પરંપરાગત લાગતો નથી. એ માનવું કયાં સુધી ઉચિત છે કે નારી આદિકાળથી જ અબળા હતી? યાદ કરો એ અંબા, દુર્ગા, કાળી ઇત્યાદિ શકિતઓને કે જેમની પાસેથી ભકત આજ સુધી સુરક્ષાની ઇચ્છા રાખે છે. એમને કોના રક્ષણની જરૂર હતી? સૃષ્ટિના આદિ અર્થાત્ સતયુગમાં ધનસંપત્તિનો કોઇ અભાવ ન હતો. નર અને નારી બંનેના અધિકાર સમાન હતા. એ સમાનતા સ્મરણ સ્વરૂપે આજે પણ એ મૂર્તિઓ તથા ચિત્રો સાથે જોવા મળે છે. જેમાં સતયુગી વિશ્વમહારાજન શ્રી નારાયણ અને વિશ્વ મહારાણી શ્રી લક્ષ્મીને સિંહાસન પર સાથે જ વિરાજમાન બતાવે છે.
‘યથા રાજારાણી તથા પ્રજા’ની ઉક્તિ અનુસાર એ કાળની બધી જ નારીઓ સન્માનિત તથા સુરક્ષિત હતી. થોડા સમય પૂર્વે જ પુરોહિતો તથા બ્રાહ્મણો દ્વારા પોતાના યજમાનોને રાખડી બાંધીને તિલક કરવાની પ્રથા પણ પ્રચલિત હતી. ઇતિહાસમાં પણ હિન્દુ સ્ત્રીઓ દ્વારા ભાઇ બનાવીને મુસલમાન ભાઇઓને રાખડી મોકલવાના ઉદાહરણો મળે છે. કુંતાએ પણ યુદ્ધની પ્રેરણા આપી તેના રક્ષણ માટે અભિમન્યુને રાખડી બાંધી હતી. આમ આ વૃત્તાંતથી સ્વયમ્ સ્પષ્ટ છે કે આ પર્વ માત્ર ભાઇ-બહેનના પવિત્ર પ્રેમની યાદાનો જ તહેવાર નથી પરંતુ ઘણો જ શ્રેષ્ઠ આધ્યાત્મિક તહેવાર છે.
પરંપરાગત ઉજવાય રહેલા આ તહેવારની સૂક્ષ્મતા કે તેના આધ્યાત્મિક રહસ્યને શું આપણે જાણીએ છીએ? કહેવાય છે કે સ્વતંત્ર મન બુદ્ધિ ધરાવતી સામાન્ય રીતે પોતાના જીવનમાં કયારેય કોઇ પણ પ્રકારના બંધનને ઇચ્છતી નથી. પછી તે તનના રોગનું બંધન હોય, ધનની અપ્રાપ્તિને કારણે આર્થિક બંધન હોય કે પારિવારિક સંબંધોનું બંધન હોય. માનવજીવનમાં આવતી અનેક નાનીમોટી સમસ્યાઓ અને મનની મુંઝવણોમાં અટવાયેલ માનવી તેનાથી મુકત થવા માટે, હંમેશાં પ્રયત્નશીલ હોય છે તો પછી આ રક્ષાબંધનના બંધનથી આબધ્ધ થવા માટે માનવ મન કેમ આટલું આતુર બને છે? કારણ રક્ષાબંધનનો તહેવાર સાંસ્કૃતિક ધર્મ બંધનની યાદ રૂપ નહીં પરંતુ ઇશ્વરીય બંધનના પ્રતીકનું પર્વ છે. આમ, પરંપરાગત મંતવ્ય અનુસાર આ તહેવાર ભાઇઓ દ્વારા બહેનોની રક્ષાનું પ્રતીક માનવામાં આવે છે પરંતુ ઉપરોકત વિવરણથી એ સત્યતા સામે આવે છે કે વાસ્તવમાં આ પર્વ બહેનો દ્વારા પોતાના ભાઇઓની પવિત્રતા માટે આ પ્રતિજ્ઞા કરાવવાનું પ્રતીક છે કે તેઓ પોતાની સગી બહેન માનશે ત્યારે એ બહેનોની લાજ સુરક્ષિત રહેશે.
એ તો સર્વમાન્ય છે કે સૃષ્ટિના સર્વ મનુષ્ય આત્માઓના એક માત્ર સર્વશકિતમાન, કલ્યાણકારી, પતિતપાવન, તારણહાર ખવૈયા તથા રક્ષણહાર તરીકે મહિમા કરવામાં આવે છે. મનુષ્યો પરમાત્મા પાસેથી પ્રાણદાન તથા તન, મન, ધનના રક્ષણનું વરદાન માંગે છે. સૃષ્ટિચક્રમાં કળયુગના અંતમાં એક એવો સમય પણ આવે છે કે સમગ્ર માનવ સમાજનું નૈતિક તથા ચારિત્રિક અધ:પતન થાય છે. મા, બહેનોની લાજ ભયમાં આવી જાય છે. આવા ધર્મગ્લાનિના સમયમાં પરમપિતા પરમાત્મા નવી પાવન સતયુગી દૈવી સૃષ્ટિની સ્થાપનાનું કાર્ય દિવ્ય પર કાયા પ્રવેશ કરીને પ્રજાપિતા બ્રહ્મા દ્વારા કરાવે છે.
કહેવત પણ છે કે બ્રાહ્મણ બ્રહ્માજીના મુખ દ્વારા ઉત્પન્ન થયા. એનું આધ્યાત્મિક રહસ્ય એ છે કે જ્ઞાનસાગર પરમાત્મા શિવે બ્રહ્માના મુખથી જ્ઞાન સંભળાવીને જ મનુષ્ય આત્માઓને પતિતમાંથી પાવન બનાવ્યા. તેઓ જ સાચા બ્રહ્મામુખવંશાવલી બ્રાહ્મણ કહેવાયા. આ બ્રહ્માવત્સોમાં મુખ્યત: આધ્યાત્મિક બહેનોને બધા પુરુષોને પવિત્રતાની રાખડી બાંધીને કુદૃષ્ટિથી પોતાની રક્ષા કરવા માટે સર્વરક્ષક પરમાત્મા શિવ પિતાના સંરક્ષણમાં રહેવાની પ્રતિજ્ઞા કરાવી હતી. આમ, રક્ષાબંધનનો તહેવાર એ આ મહત્ત્વપૂર્ણ વૃત્તાંતનો સ્મરણ દિવસ છે. એની યાદમાં જ દર વર્ષે બ્રાહ્મણો દ્વારા અથવા બહેનો દ્વારા ભાઇઓને રક્ષા બાંધી તિલક કરવાની રસમ છે. તિલક એ આત્મસ્મૃતિનું પ્રતીક છે.
જેમાં સ્થિત રહેવાથી મનુષ્ય કામ વિકારરૂપી મહાશત્રુ પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. અંતે આ રક્ષાબંધનના પાવન પર્વના સ્વયં પરમાત્માએ બતાવેલા આ આધ્યાત્મિક રહસ્યને જાણી, ચાલો આપણે સૌ પણ એ પવિત્રતાના મહાન બંધનમાં સ્વયંને બાંધીને દુર્લભ એવા આ જન્મને શ્રેષ્ઠ બનાવીએ અને વિશ્વ પરિવર્તનમાં પરમાત્મા શિવ પોતાના દિવ્ય કર્તવ્યમાં સહયોગી બનીએ અને આ જન્મમાં અને ભવિષ્યના અનેક જન્મોમાં અવિનાશી સુખશાંતિ સંપન્ન જીવનને પ્રાપ્ત કરીએ. એ પ્રભુપિતાનો દિવ્ય સંદેશ પણ યાદ રહે. અર્થાત્ ‘પવિત્ર બનો, યોગી બનો.’ આવી આધ્યાત્મિક સમજ સાથે સાચા અર્થમાં રક્ષાબંધન પર્વ ઉજવીએ, મિત્રો ચાલો આપણે આપણા પરિવાર સાથે આધ્યાત્મિક રહસ્યની સમજ સાથે પર્વનો સાચો ઉત્સાહ માણીએ. ઓમ શાંતિ.