SURAT

આજે 7 ઓગસ્ટ.. સુરતીઓએ પૂરની એ હોનારતને યાદ કરી

સુરત: (Surat) સુરતમાં વર્ષ 2006માં આવેલી વિનાશક રેલને આજે પણ સુરતીઓ યાદ કરે છે. અને ખાસ વાત તો એ છે કે આ વિનાશક પૂર (Flood) બાદ બેઠા થયેલા સુરતીઓ હવે દર વર્ષે ચોમાસામાં ઉકાઈ ડેમ પર પૂરેપૂરી નજર રાખે છે. વર્ષ 2006 બાદ સુરતના દરેક સ્થાયી નિવાસીને ચોમાસામા એ વાતની ચિંતા રહે છે કે હાલ ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) પાણી કેટલું છોડવામાં આવી રહ્યું છે. અને ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે એટલે સુરતીઓના શ્વાસ અદ્ધર થઈ જાય છે. ખાસ કરીને ભારે વરસાદની આગાહી અને ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં તંત્ર પણ એલર્ટ થઈ જાય છે. ઉકાઈ ડેમમાંથી મોટી સંખ્યામાં પાણીનો જથ્થો છોડાવાને કારણે 7 ઓગસ્ટના રોજ સુરતમાં પૂર આવ્યું હતું. આજે પૂરની એ હોનારતને 16 વર્ષ વીતી ગયા બાદ પણ સુરતીઓ 7 ઓગસ્ટના એ દિવસને યાદ કરે છે.

શું થયું હતું તે દિવસે?
વર્ષ 2006ના ઓગસ્ટ મહિનામાં ચોમાસાની મોસમને કારણે વાતાવરણ ખુશનુમા હતું. 6 ઓગસ્ટથી તાપી નદી બન્ને કાંઠે વહેવા લાગી અને આ રમણીય વાતાવરણ નિહાળવા મોટી સંખ્યામાં સુરતવાસીઓ તાપી નદી પર બનેલા બ્રિજ તરફ દોડ મુકી રહ્યાં હતાં. નદીએ માત્ર 24 કલાકમાં જ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. 6 ઓગસ્ટની મોડી રાતથી સુરતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા હતાં અને 7મીએ સવારે તો સમગ્ર સુરતને પૂરે બાનમાં લઈ લીધું હતું. પૂરના પાણીને ઓસરતા 1 સપ્તાહનો સમય લાગ્યો અને અને સુરતીઓને ફરી બેઠા થતાં મહિનાઓ લાગી ગયા હતાં.

હાલ ડેમમાં 39,657 ક્યૂસેક પાણીની આવક
આ તરફ હાલ હવામાન વિભાગની આગાહીને પગલે સુરત તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં રવિવારે સવારે અનેક વિસ્તારોમાં હળવા ઝાપટા પડ્યા હતા. ઉપરવાસમાંથી પણ પાણીની આવકને પગલે ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. જેને પગલે ડેમની સપાટીને જાળવવા માટે તંત્ર ડેમમાં પાણીની આવક પર નજર રાખી રહ્યું છે. હાલ ઉકાઈ ડેમમાં 39,657 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમની સપાટી 334.84 ફૂટ છે.

બીજી તરફ આ વર્ષે ચોમાસાની શરૂઆતથી જ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે દક્ષિણ ગુજરાતના તમામ જળાશયો છલકાયા છે. ગુજરાતના 207 ડેમમાં 68.20 ટકા પાણીની આવક થઈ છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 28.47 ટકા,મધ્ય ગુજરાતના 17 ડેમમાં 44.89 ટકા,દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 74.80 ટકા,કચ્છના 20 ડેમમાં 70.09 ટકા,સૌરાષ્ટ્રના 141 ડેમમાં 56.88 ટકા અને નર્મદા સરદાર સરોવર ડેમમાં 79.37 ટકા પાણીનો જથ્થો નોંધાયો છે. આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે, તો ક્યાંક અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. ગુજરાતના (gujarat) નવસારી, વલસાડ, તેમજ પંચમહાલ, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને બોટાદમાં અતિભારે વરસાદની આગાહી છે.

Most Popular

To Top