Dakshin Gujarat

દક્ષિણ ગુજરાતના અઢી લાખ ખેડૂતોને શેરડીના ટેકાના ભાવથી ફાયદો નહીં, કરાઈ આ માંગણી

સુરત (Surat): ખેડૂતોને તેઓના પાકનો વ્યાજબી ભાવ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે પરંતુ સરકાર વાસ્તવિકતાને ધ્યાને લીધા વિના આભાસી ભાવ જાહેર કરતાં હોવાની બૂમ ઉઠી છે. છેલ્લાં 7 વર્ષથી ગુજરાત સરકાર દ્વારા શેરડીના જે FRP એટલે કે ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે તેનાથી વધુ ભાવ દક્ષિણ ગુજરાતની સુગર મિલો દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવી રહ્યાં છે, ત્યારે હવે સરકાર દ્વારા શેરડીની FRP અને ખાંડની MSP વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે.

દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) સાયણ, ગણદેવી, મઢી, વાલિયા, માંડવી, ગણેશ, ચલથાણ, બારડોલી, મહુવા, કામરેજ, પંડવાઈ, કાંઠા સુગર સહિતની અન્ય સહકારી સુગર મિલોમાં આશરે 2,50,000 જેટલા સહકારી સુગર મિલોના લાખો ખેડૂત (Farmers) સભાસદો છે. આ સહકારી સુગર મિલો ઉપર શેરડી (Sugar Cane) કાપણીના મજૂરો , ટ્રક એસોસિયેશન અને આડપેદાશમાંથી લાખો કુટુંબો રોજગારી મેળવે છે. સરકાર દ્વારા શેરડીની FRP (Fair & Remunerative Price) એટલે કે ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે પરંતુ દરેક સહકારી સુગર મિલો એ સરકારે નક્કી કરેલા FRP કરતા શેરડીના પાકના વધુ ભાવો ખેડૂત સભાસદોને પ્રતિવર્ષ ચૂકવ્યા છે. જેમાં સરકાર તરફથી સુગર મિલો ને કોઈ પણ પ્રકાર ની સહાય મળી નથી. બીજું કે સિઝન 2022-23 માટે ક્વિન્ટલ દીઠ 305 રૂપિયા નક્કી કર્યા છે જે મૂળ રિકવરી 10.25 % એ છે ખરેખર 10% ની રિકવરી એ 297.56 જ થાય છે. સરકારે 2015-16 થી 2017-18 માં 9.5% ની રિકવરી એ frp જાહેર કરેલ જે 18-19 થી 21-22 માં 10% અને હવે 22-23 માં 10.25% એ જાહેર કરી હોય આંકડા ઊંચા બતાવવાનો જ આશય છે.

ખેડૂત આગેવાન દર્શન નાયકે કહ્યું કે, દક્ષિણ ગુજરાતની તમામ સહકારી સુગર મિલોને FRP થોડી ઉંચી થવાથી કોઈ પણ ફાયદો થયો નથી. કારણ કે FRP થી વાસ્તવિકતા ઘણી જુદી જ છે. વાસ્તિવક રીતે જોઈએ તો વધી રહેલી મોંઘવારી પ્રમાણે ખેડૂતો ને જો શેરડીના ટન દીઠ 3300-3400 રૂપિયા ચૂકવવામાં આવે તો જ ફાયદો થાય એમ છે જેની સામે નક્કી કરેલી FRP હજુ ઘણી નીચી જોવા મળે છે. જો આવનારા સમયમાં કેન્દ્ર સરકાર ત્વરિત નિર્ણય લઈ Export પોલિસીમાં સુધારો કરી નિયંત્રણો હટાવી લેવાય અને ખાંડની MSP માં વધારો કરી 3300-3400 કરવામાં આવે તેમજ વાસ્તવિકતાને સ્વીકારી હજુ FRP માં 200-300 રૂપિયા નો વધારો કરે તો જ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન સુગર મિલો ના આશરે 250000 સભાસદો ને પોષણક્ષમ ભાવો મળી રેહશે.

અન્યથા ખેડૂત દેવાળિયો બનશે અને સુગર મિલો પણ વ્યાજ ના ભારણ હેઠળ આવશે. બીજો ખાસ મુદ્દો એ છે કે શેરડીમાં FRP વધારવા કરતા જો ખાંડ ની FRP વધારવામાં આવે તો તેનો સીધો ફાયદો ખેડૂતોને થઈ શકે તેમ છે. સરકારે આ બાબતે ધ્યાન આપી ખાંડની FRP માં વધારો કરવો જોઈએ જેથી શેરડી પક્વતા ખેડૂતો ને વધુ માં વધુ ભાવ સહકારી સુગર મિલો દ્વારા પ્રાપ્ત થઈ શકે.

Most Popular

To Top